• સૌથી ઊંચા બિડ બાદ માત્ર 12 દિવસમાં જ પિટિશન પરત ખેંચી

  • હવે 4,100 કરોડના બિડ સાથે અદાણી પાવર અગ્રેસર
  • બિડ અદાણી પાવરના બિડથી રૂ. 103 કરોડ ઊંચું હતું

નવીન જિંદાલની આગેવાનીમાં કામ કરતી જિંદાલ પાવરે અચાનક જ યુ-ટર્ન લઇ લેન્કોના અમરકંટક પ્લાન્ટને હસ્તગત કરવાની રેસમાંથી બહાર થઇ જવાનું પસંદ કર્યું છે. હાલમાં કોર્પોરેટ ઇનસોલવન્સિ પ્રોસિડિંગ્સમાંથી પસાર થઇ રહેલા આ પાવર પ્લાન્ટ માટે આશરે 10 દિવસ પહેલાં અગાઉના અદાણી પાવરના રૂ. 4,100 કરોડના સૌથી ઊંચા બિડ સામે એનસીએલટીની મંજૂરી લઇને જિંદાલ પાવરે સૌથી ઊંચું રૂ. 4,203 કરોડનું બિડ ભર્યું હતું. આ બિડ અદાણી પાવરના બિડથી રૂ. 103 કરોડ ઊંચું હતું. હવે આ પાવર પ્લાન્ટ હસ્તગત કરવાની બિડમાં રૂ. 4,100 કરોડના બિડ સાથે અદાણી પાવર અગ્રેસર છે.

એનસીએલટીની અમરકંટક બ્રાન્ચે જિંદાલ પાવરને બિડની પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપી તે પછી જિંદાલ પાવરે બિડ તો આપ્યું હતું, પરંતુ પાવર પ્લાન્ટના લેન્ડર્સે જિંદાલ પાસેથી એવી બાંયધરી માંગી હતી કે તે કોઇ પણ પૂર્વશરત વિનાની અપફ્રન્ટ કેશની ઓફ્ર કરશે. જોકે જિંદાલ પાવરને આવી બાંયધરી આપવી મંજૂર ન હતી અને તેણે એનસીએલટીને એમ જણાવ્યું હતું કે એક વાર સંબંધિત સત્તાવાળાઓ પાસેથી આ પ્લાન્ટ હસ્તગત કરવાની મંજૂરી મળી જાય તે પછી જ તે આવી ઓફ્ર કરશે. આ પછી મંગળવારે કંપનીએ એનસીએલટી સમક્ષ જણાવ્યું હતું કે તે અમરકંટક પ્લાન્ટ હસ્તગત કરવા માટેની પોતાની પિટિશન પાછી ખેંચેં છે.12 જાન્યુઆરીએ જ જિંદાલ પાવરે એનસીએલટી સમક્ષ આ પાવર પ્લાન્ટ હસ્તગત કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પિટિશન કરી હતી. એનસીએલટીએ મંજૂરી આપતા મુકેલી શરત મુજબ રૂ. 100 કરોડની બેંક ગેરંટી સાથે કંપનીએ રૂ. 4,203 કરોડનું બિડ પણ કર્યું હતું. પછી અચાનક જ 23 જાન્યુઆરી એટલે કે માત્ર 12 દિવસમાં કંપનીએ એનસીએલટી સમક્ષ કરેલી પિટિશન પાછી ખેંચી લીધી હતી.


  • Follow us on: