• MA.વિથ સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેડલ મેળવનાર તુષાર Ph.D પછી હસ્તલિખિત ગ્રંથોને ડિકોડ કરશે

  • ટી-સ્ટોલ ચલાવતા પિતા કનૈયાલાલે દીકરાને કર્મકાંડ કરવા સંસ્કૃત ભાષા શીખવી હતી
  • બ્રાહ્મણ છીએ તો દીકરો સંસ્કૃત શીખશે તો બીજું કંઇ નહીં તો કર્મકાંડ કરી લેશે

ગુજરાત યુનિવર્સિટીનો 71મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાઇ ગયો. આ પદવીદાન સમારોહમાં ટોટલ 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 5 થી 10 ગોલ્ડ મેડલ મેળવ્યા હોય તેવા 7 વિદ્યાર્થીઓમાં પણ ઘણા યુનિક અને રસપ્રદ કિસ્સા જોવા મળ્યા હતા. જેમાં માત્ર બે ધોરણ અભ્યાસ કરેલ અને ચાની કીટલી ચલાવતા પિતાના પુત્ર તુષાર જોશીએ એમ.એ.માં 6 ગોલ્ડ મેળવ્યા છે.

સંસ્કૃત ભાષાની ટેક્નિક તુષાર 12 વર્ષથી શીખે છે

સિંગરવા ખાતે રહેતા તુષાર જોશીએ ગુજરાત યુનિવર્સિટીના 71મા કોન્વોકેશનમાં એમ.એ.માં સંસ્કૃત વિષયમાં 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તુષારના માતા અને પિતા બન્ને માત્ર બે ચોપડી ભણ્યા છે અને તેના પિતા સિંગરવામાં એક ટી સ્ટોલ ચલાવે છે. વર્ષો પહેલાં તુષારના પિતાએ વિચાર્યું હતું કે, બ્રાહ્મણ છીએ તો દીકરો સંસ્કૃત શીખશે તો બીજું કંઇ નહીં તો કર્મકાંડ કરી લેશે. ત્યારથી તુષારને ધો-8થી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કરવા મૂક્યો હતો. ત્યારબાદ તેણે સંસ્કૃતમાં બી,એ, પારંપરિત સંસ્કૃત વ્યાકરણ, બીએડનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં પીએચ.ડી. કરવા માટે તેણે ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.માં અભ્યાસ કર્યો અને છ ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયો. હાલ, ગુજરાત યુનિવર્સિટી ભાષાભવન ખાતે તેમનું પી.એચ.ડી. ચાલી રહ્યું છે. આ અંગે વાત કરતા તુષારે કહ્યું કે, સમાજની વિચારસરણી મુજબ હું છોડું ઘણું સંસ્કૃત શીખી બ્રાહ્મણનું કામ કરીશ તેવો હતો પરંતુ મારે એક નવી દિશા કંડારવી હતી. હું પહેલેથી ગોખવા કરતા સંસ્કૃત ભાષાની ટેક્નિક શીખતો જેનાથી મને ભાષા સમજાય અને તેના શબ્દો અને વાક્યો ડિકોડ કરી શકું. છેલ્લા 12 વર્ષથી હું આની મહેનત કરી રહ્યો છું અને ભવિષ્યમાં હસ્તલિખિત ગ્રંથોના શબ્દોને ડિકોડ કરવાનો મારો ગોલ છે.

ખેડૂત પુત્રે MD ગાઇનેકોલોજીમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા

એમ.ડી.માં ગાઇનેકોલોજીમાં ગુજરાતની મેડિકલ કોલેજમાં પ્રથમ આવી પટેલ કિશનકુમારે કોન્વોકેશનમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કિશનના પિતા ખેતી કામ કરે છે તેમજ તેમની સિમેન્ટ અને સળિયાની દુકાન ચલાવે છે. કોઇ જ મેડિકલ લાઇનમાં બેકગ્રાઉન્ડ ના હોવા છતાં કિશન માત્ર મહેનત અને ધગશથી આગળ વધ્યો છે. આ અંગે વાત કરતા કિશને કહ્યું કે, મને આ જર્નીમાં ઘણી મુશ્કેલી આવી છે. એમબીબીએસ પછી કઇ ડિગ્રી કરાય તેનું ગાઇડન્સ આપવાવાળું કોઇ નહોતું. મેં રસ્તા પર અને અલગ અલગ જગ્યા પર કામ કરતા 50થી વધારે ડોક્ટરને રૂબરૂ મળીને ડિગ્રી માટે સલાહ લીધી હતી. આર્થિક રીતે તો ખરા જ સાથે ઓપન કેટેગરીમાં આવવાને કારણે પણ મુશ્કેલી પડી. ફર્સ્ટ યરમાં રેન્ક આવ્યો પણ ઓપન કેટેગરીને કારણે સીટ ન મળી એટલે એક વર્ષ ઘરે બેસી ફરી મહેનત કરી અને એજ્યુકેશન લોન લઇને આગળ ભણ્યો, ભવિષ્યમાં પોતાની હોસ્પિટલ ખોલવાનું સપનું છે.


  • Follow us on: