• 1,200 ડોલર પ્રતિ ટનની MEPમાં 25 ટકા ઘટાડો કરાશે

  • પાકિસ્તાને નિકાસ માટે લઘુતમ ભાવ ઘટાડતાં ભારત સરકારની વિચારણા
  • કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે એમઈપીમાં તત્કાળ સુધારાનો આદેશ

દેશમાંથી બાસમતીની નિકાસ માટેના લઘુતમ નિકાસ ભાવ(MEP)માં ભારત સરકાર નોંધપાત્ર ઘટાડો કરે તેવી શક્યતા છે. વર્તમાન 1,200 ડોલર પ્રતિ ટનની એમઈપીને ઘટાડે 850 ડોલર કરવામાં આવશે તેમ વર્તુળોનું કહેવું છે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે એમઈપીમાં તત્કાળ સુધારાનો આદેશ આપ્યો છે.

સોમવારે બાસમતીના વેપારમાં જોડાયેલા ટ્રેડર્સ સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં ગોયલે જણાવ્યું હતું કે સરકાર શરૂમાં એમઈપીને ઘટાડી 900 ડોલર પ્રતિ ટન કરશે. જોકે, ટ્રેડ વર્તુળોએ ગોયલને વધુ ઘટાડા માટે સમજાવ્યા હતા એમ વર્તુળ જણાવે છે. આ બેઠકમાં ભાગ લેનાર નિકાસકારના જણાવ્યા મુજબ તેઓ સરકાર તરફથી એમઈપીને ઘટાડી 950 ડોલર કે 900 ડોલર કરવામાં આવે તેવી અપેક્ષા રાખતાં હતાં. જોકે, સરકાર તરફથી કરાયેલી જાહેરાતે આશ્ચર્ય સર્જ્યું હતું.

નિકાસકારોના એક હિસ્સા તરફથી બાસમતી નિકાસ પરની એમઈપીને ઘટાડવા માટે ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈનને કારણે સરકારે આમ કરવું પડયું હતું. નિકાસકારોના મતે ઊંચી એમઈપીને કારણે વૈશ્વિક બજારમાંથી બાસમતી માટે કોઈ ઓર્ડર્સ મળી રહ્યાં નહોતાં. તેમની મુખ્ય દલીલ એ હતી કે નિકાસ અટકવાથી સીધી અસર બાસમતી ઉત્પાદક ખેડૂતો પર પડશે. કેમકે, તેઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરી શકશે નહીં. પંજાબ સ્થિત રાજકારણીઓએ પણ વાણિજ્ય મંત્રાલયને બાસમતી પરની એમઈપીને ઘટાડવા માટે સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

જોકે, ઉત્પાદકોના એક વર્ગના મતે સરકારનું આ પગલું એક મોટી ભૂલ છે. તેમના મતે આ એક કમનસીબ ઘટના છે. કેમકે ભાવ ઘટાડવાથી બાસમતી તેનો પ્રીમિયમ દરજ્જો ગુમાવશે. જ્યારે પારબોઈલ્ડ રાઈસના ભાવ વધી રહ્યાં છે અને 650 ડોલર પ્રતિ ટન પર જોવા મળી રહ્યાં છે, ત્યારે એમઈપીને ઘટાડવાનું પગલું સમજણ ભર્યું નથી. વર્તુળોને એક ડર પણ સતાવી રહ્યો છે કે બાસમતી નિકાસ માટેની એમઈપી ઘટાડવાથી બાસમતીના નામે નોન-બાસમતી ચોખાની નિકાસને મોકળાશ મળી શકે છે.


  • Follow us on: