• છેલ્લાં પાંચ મહિનામાં શેરબજારમાં તેજીનું સુકાન પીએસયુ શેર્સ પાસે જોવા મળ્યું

  • REC, PFC, ભેલ, NMDC, કોલ ઈન્ડિયા જેવા શેર્સનો શ્રોષ્ઠ દેખાવ
  • લાંબા સમયગાળા પછી શેરબજારમાં પીએસયૂ શેર્સમાં તેજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 10 ઓગસ્ટે સંસદમાં પીએસયૂ શેર્સમાં રોકાણનું સૂચન કર્યાં પછી જાહેર ક્ષેત્રની તમામ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. જેની પાછળ પીએસયૂ કાઉન્ટર્સ 106 ટકા સુધીનું તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં રુરલ ઈલેક્ટ્રિફ્કિેશન કોર્પોરેશન, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, ભેલ, કોલ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ વળતર દર્શાવવામાં ટોચ પર જોવા મળે છે. નાના પીએસયૂ કાઉન્ટર્સ પણ 20 ટકા સુધીના રિટર્ન સૂચવી રહ્યાં છે. લાંબા સમયગાળા પછી શેરબજારમાં પીએસયૂ શેર્સ તેજીના સુકાની તરીકે જોવા મળ્યાં છે.

અગાઉ 10 ઓગસ્ટે વડાપ્રધાને વિપક્ષ તરફ્થી પીએસયૂ કંપનીઓની ટીકાને લઈને જણાવ્યું હતું કે જાહેર સાહસો તેમની વિક્રમી કામગીરી દર્શાવી રહ્યાં છે અને જેઓ પણ શેરબજારમાં રોકાણ કરતાં હોય તેઓએ પીએસયૂ પર દાવ લગાવવો જોઈએ. સંસદમાંના તેમના આ પ્રવચનથી ગુરુવાર સુધી શેરબજારનો દેખાવ જોઈએ તો બેન્ચમાર્ક નિફ્ટી 8.43 ટકાનું રિટર્ન દર્શાવે છે. જેની સરખામણીમાં નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 39 ટકાનો તીવ્ર સુધારો સૂચવે છે. જ્યારે વ્યક્તિગત ધોરણે અનેક પીએસયૂ શેર્સ ભારે લેવાલી દર્શાવી રહ્યાં છે. જેમાં આરઈસીનો શેર 106 ટકા સાથે રિટર્ન આપવામાં ટોચ પર છે. કંપનીનો શેર 10 ઓગસ્ટે રૂ. 214.52ની બંધ સપાટી સામે ગુરુવારે રૂ. 441.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 106 ટકાનું તીવ્ર વળતર સૂચવે છે. આ જ રીતે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો શેર પણ સમાનગાળામાં 102 ટકાનું વળતર દર્શાવી રહ્યો છે. બંને કંપનીઓ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહી છે. તગડું રિટર્ન રળી આપનારા અન્ય કાઉન્ટર્સમાં ભેલ(82 ટકા), એનએમડીસી(70 ટકા), કોલ ઈન્ડિયા(58 ટકા), એચએએલ(47 ટકા), એચપીસીએલ(42 ટકા), એનટીપીસી(39 ટકા), આઈઓસી(35 ટકા), એનએચપીસી(32 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારત ઈલે.(30 ટકા), કોન્કોર(27 ટકા), એલઆઈસી(27 ટકા), ગેઈલ(24 ટકા) અને આઈઆરસીટીસી(24 ટકા)નું રિટર્ન દર્શાવી રહ્યાં છે. 15 ટકા સાથે લાર્જ-કેપ પીએસયૂમાં ઓએનજીસી ગણતરીમાં લીધેલાં સમયગાળામાં સૌથી નીચું રિટર્ન સૂચવી રહ્યો છે.

નિષ્ણાતોના મતે છેલ્લાં વર્ષોમાં પીએસયૂ કંપનીઓ તરફ્થી જંગી માત્રામાં નવું કેપેક્સ જોવા મળી રહ્યું છે અને તેને કારણે આગામી સમયગાળામાં તેઓ ચોક્કસ સારો દેખાવ દર્શાવશે. સરકાર તરફ્થી નીચા ભાવે પીએસયૂ શેર્સના હિસ્સાને નહિ વેચવાના નિર્ણયને કારણે પણ પીએસયૂ શેર્સમાં ખરીદી જોવા મળી છે. અગાઉ, સરકાર ઓફ્ર-ફેર-સેલ મારફ્તે સસ્તાંમાં પીએસયૂ શેર્સનું વેચાણ કરતી હતી. જેને કારણે રોકાણકારો પ્રવેશતાં ખચકાતાં હતાં. કેમકે, માર્કેટમાં ફ્લોટિંગ સ્ટોક વધવાથી તેમને રિટર્ન મળી રહ્યું નહોતું. જોકે, મોદી સરકારે હિસ્સા વેચાણમાં ટેન્ડરિંગ અપનાવ્યું હતું. જેણે બજારમાં નવા હિસ્સાને અટકાવ્યો હતો. ઉપરાંત, ટોચના પીએસયૂમાં સરકાર તરફ્થી કોઈ નવું વેચાણ છેલ્લાં ઘણા વર્ષોમાં નથી થયું અને તેથી ફ્લોટિંગ સ્થિર જળવાયો છે.


  • Follow us on: