- ગયા ઓક્ટોબરમાં 19,23,791 યુનિટ્સનું વેચાણ થયું હતું
- પીવીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ નોંધાઈ
- ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક 20.1 ટકા વધી 18,95,799 યુનિટ્સ પર નોંધાયું
દેશમાં ગયા ઓક્ટોબરમાં પેસેન્જર વ્હિકલ્સનું વિક્રમી વેચાણ નોંધાયું હતું એમ સોસાયટી ઓફ્ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)નો ડેટા સૂચવે છે. પીવી ઉપરાંત થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ વિક્રમી સ્તરે જોવા મળ્યું હોવાનું તે જણાવે છે. ઓક્ટોબર 2022માં 3,36,330 યુનિટ્સની સરખામણીમાં ચાલુ કેલેન્ડરમાં ઓક્ટોબરમાં 15 ટકા વૃદ્ધિ સાથે કુલ 3,89,714 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 42 ટકા ઊછળી 76,940 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 54,154 યુનિટ્સ પર જોવા મળતું હતું. જ્યારે ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક 20.1 ટકા વધી 18,95,799 યુનિટ્સ પર નોંધાયું હતું. જે 2022માં સમાનગાળામાં 15,78,383 યુનિટ્સ પર જોવા મળતું હતું. સિઆમના પ્રમુખ વિનોદ અગ્રવાલના જણાવ્યા મુજબ ત્રણેય સેગમેન્ટ્સે દ્વિ-અંકી વૃદ્ધિ નોંધાવી હતી. સરકારની સાનુકૂળ નીતિઓને કારણે તથા ફેસ્ટિવ સિઝન પાછળ ઉદ્યોગ માટે ગ્રોથ મોમેન્ટમ પ્રોત્સાહક રહ્યો હતો. ઓક્ટોબરમાં દેશમાં વાહનોનું કુલ વેચાણ 20 ટકા વધી 23,14,197 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 19,23,721 યુનિટ્સ પર હતું. નિકાસ કામગીરીમાં 0.46 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી અને તે 3,71,030 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,69,318 યુનિટ્સ પર હતું. સિઆમ ડેટા મુજબ વાહનોનું કુલ ઉત્પાદન 19.6 ટકા વૃદ્ધિ સાથે 26,21,248 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ઓક્ટોબર 2022માં 21,91,153 યુનિટ્સ પર હતું. પીવી સેગમેન્ટની વાત કરીએ તો સ્થાનિક વેચાણ 17.2 ટકા વધી 3,42,377 યુનિટ્સ પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ 2,91,113 યુનિટ્સ પર હતું. પીવી સેગમેન્ટની નિકાસ 13.13 ટકા વધી 53,920 યુનિટ્સ પર રહી હતી. જે ઓક્ટોબર 2022માં 47,660 યુનિટ્સ પર જોવા મળતી હતી. થ્રી-વ્હીલર્સનું સ્થાનિક વેચાણ 42 ટકા વૃદ્ધિ સાથે 76,940 યુનિટ્સ પર નોંધાયું હતું. જોકે, થ્રી-વ્હીલર્સની નિકાસ 25.4 ટકા ગગડી 25,534 યુનિટ્સ પર રહી હતી. ટુ-વ્હીલર સેગમેન્ટનું વેચાણ 20.1 ટકા વધી 18,95,799 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
જે ગયા વર્ષે સમાનગાળામાં 15,78,363 યુનિટ્સ પર હતું. ટુ-વ્હીલર્સની નિકાસ 1.37 ટકા વધી 2,91,276 યુનિટ્સ પર રહી હતી. એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન સ્થાનિક બજારમાં વાહનોનું વેચાણ 8.1 ટકા ઉછળી 1,34,64,712 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,24,55,891 યુનિટ્સ પર જોવા મળતું હતું. આ સમયગાળામાં કુલ નિકાસ 15.19 ટકા ઘટાડે 25,50,623 યુનિટ્સ પર જોવા મળી હતી એમ સિઆમ ડેટા સૂચવે છે.










