• મિડ-કેપ અને સ્મોલ-કેપમાં તેજી પાછળ પ્રાઇમરી માર્કેટમાં જુવાળ જોવાયો

  • અગાઉ સપ્ટે. 2010માં આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 14 આઈપીઓ જોવા મળ્યાં
  • મે 2022 પછી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ મારફતે કંપનીઓએ 11,800 કરોડનું સૌથી મોટું ફંડ રેઇઝિંગ

ચાલુ સપ્ટેમ્બરમાં છેલ્લા 13-વર્ષોમાં સૌથી વધુ આઈપીઓ જોવા મળ્યાં છે. સેકન્ડરી માર્કેટમાં મિડ-કેપ અને સ્મોલ-કેપમાં ભરપૂર તેજી વચ્ચે રિટેલ રોકાણકારોની સક્રિયતાને જોતાં કોર્પોરેટ્સે સમયનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં સપ્ટેમ્બરમાં 14 કંપનીઓ બજારમાં નાણાં એકત્ર કરવા પ્રવેશી ચૂકી છે. જે સંખ્યા સપ્ટેમ્બર 2010માં 15 કંપનીઓની હતી. ચાલુ મહિને આરંભિક જાહેર ભરણા મારફતે કંપનીઓએ રૂ. 11,800 કરોડનું ફંડ મેળવ્યું છે. જે ગયા વર્ષે મે 2022માં કંપનીઓ તરફથી ઊભા કરવામાં આવેલા રૂ. 29,511 કરોડના ભંડોળ પછી માસિક ધોરણે સૌથી ઊંચું છે. મે 2022માં સરકારી કંપની એલઆઈસીએ એકે જ રૂ. 22 હજાર કરોડનું વિક્રમી ફ્ંડ મેળવ્યું હતું. આમ, ચાલુ સપ્ટેમ્બરમાં નોંધપાત્ર સમયગાળા પછી પ્રાઇમરી માર્કેટ માટે બમ્પર બની રહ્યો છે.

સપ્ટેમ્બરમાં મોટાભાગના આઈપીઓ પ્રમાણમાં નાની ટિકિટ સાઈઝના જોવા મળ્યાં છે. તેમણે રૂ. 300 કરોડથી લઈ રૂ. 1,000 કરોડની રેન્જમાં નાણાં ઊભાં કર્યાં છે. બજારમાં પ્રવેશેલાં 14 આઈપીઓમાંથી માત્ર ચાર આઈપીઓએ જ રૂ. 1,000 કરોડથી વધુની રકમ મેળવી છે. જેમાં જેએસડબ્લ્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ રૂ. 2,800 કરોડ સાથે સૌથી મોટો હતો. કુલ રૂ. 11800 કરોડની રકમમાંથી 68 ટકા જેટલી એટલે કે રૂ. 8,023 કરોડની રકમ ફરેશ કેપિટલ તરીકે ઊભી કરવામાં આવી છે. જ્યારે ઓફર-ફોર-સેલ મારફતે રૂ. 3,797 કરોડ મેળવવામાં આવ્યાં છે.

કેલેન્ડર 2023માં પ્રાઇમરી માર્કેટની શરૂઆત મંદ જોવા મળી હતી. જાન્યુઆરીથી લઈ મે સુધી પાંચ મહિનામાં માત્ર પાંચ આઈપીઓ બજારમાં પ્રવેશ્યા હતા. જોકે, ઓગસ્ટથી તેમાં વેગ આવ્યો હતો. ઓગસ્ટમાં સાત આઈપીઓએ મળી રૂ. 4,759 કરોડની રકમ ઊભી કરી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ હેડના મતે ચાલુ મહિને બજારમાં પ્રવેશેલી કેટલીક કંપનીઓ છેલ્લાં 15-18 મહિનાઓથી બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. છેલ્લા ત્રણ મહિનામાં મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં જોવા મળેલી તેજીને પગલે તેમને પ્રવેશવાની તક સાંપડી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં રોકાણકારોએ મિડ અને સ્મોલ-કેપ ફ્ંડ્સમાં રૂ. 28,000 કરોડનો ફ્લો નોંધાવ્યો છે. જેમાંથી રૂ. 13,906 કરોડનું ફ્ંડ તો છેલ્લા ત્રણ મહિનામાં જ જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે બજારમાં પૂરતી લિક્વિડિટી જોવા મળી રહી છે. જે વાજબી ભાવ ધરાવતાં આઈપીઓની ઊંચી માગ પાછળનું કારણ છે. સેન્ટ્રમ કેપિટલના ઇન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ હજુ પણ 2021 જેવી સ્થિતિ નથી. તે વખતે બજારમાં ઉન્માદ હતો. જોકે હાલમાં રોકાણકારો માર્કેટને દોરી રહ્યાં છે. જેને કારણે જ કેટલીક કંપનીઓએ તેમના ઇશ્યૂના કદને ઘટાડવા સાથે વેલ્યૂએશન્સ પણ વાજબી જાળવવાની ફરજ પડી છે. 30 સપ્ટેમ્બર અગાઉ કંપનીઓને ગયા વર્ષાંતના પરિણામોના આધારે બજારમાં પ્રવેશી શકે છે. જ્યારપછી તેમણે જૂન મહિનાના પરિણામો દર્શાવવા ફરજિયાત બની રહે છે.

છેલ્લા ત્રણ મહિનામાં બેન્ચમાર્ક્સમાં 5 ટકા જેટલી તેજી જોવા મળી છે. સમાનગાળામાં મિડ-કેપ 100 ઈન્ડેક્સે 14.8 ટકાનું જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સે 17.4 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. નિષ્ણાતોના મતે પ્રાઈમરી માર્કેટમાં આગામી ત્રણથી ચાર મહિના દરમિયાન તેજીનું માહોલ જળવાયેલું રહેવાની શક્યતા છે. હાલમાં 28 કંપનીઓ સેબી તરફથી આઈપીઓ માટે મંજૂરી સાથે બજારમાં પ્રવેશવા તૈયાર છે. જેઓ કુલ મળીને રૂ. 38 હજાર કરોડ જેટલી રકમ ઊભી કરવાનું આયોજન ધરાવે છે.


  • Follow us on: