- શેરબજારમાં સુધારો જળવાયો, સેન્સેક્સે 66 હજારનું સ્તર ફરી હાંસલ કર્યું
- નિફ્ટી 19,800ની સપાટી પાર કરવામાં સફળ
- વોલેટિલિટી ઇન્ડેક્સ 3% ગગડી 11.86ના સ્તરે
યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં બીજા સત્રમાં સુધારો જળવાયો હતો. બેન્ચમાર્ક્સ સાંકળી રેન્જમાં અથડાયાં પછી સાધારણ પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 92 પોઈન્ટ્સ મજબૂતી સાથે 66 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 19,800ના લેવલને કુદાવી ગયો હતો. જોકે, બ્રોડ માર્કેટમાં ખાસ લેવાલીના અભાવે બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3,830 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2,067 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1,622 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. 304 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 11.86ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ફ્લેટ ઓપનિંગ દર્શાવ્યું હતું. ઇન્ડેક્સ અગાઉના સત્રના 19,783ના બંધ ભાવ સામે 19,784 પર ખૂલી ઉપરમાં 19,826ની ટોચ દર્શાવી 19,704 સુધી પટકાયો હતો. જ્યાંથી તે પરત ફરી 19,800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર 75 પોઈન્ટ્સ પ્રીમિયમ સાથે 19,887ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રીમિયમ સામે 19 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝિશનમાં ઉમેરો થયો હોય તેમ જણાય છે. નિફ્ટી માટે હવે 19,900નું લેવલ એક નાનો અવરોધ છે. જે પાર થશે તો ફરી 20 હજારની સપાટી જોવા મળે તેવી શક્યતા છે. જોકે, માર્કેટ તેના ઓક્ટોબરના 18,800ના તળિયેથી એક હજાર પોઈન્ટ્સ જેટલું સુધરી ચૂક્યું છે અને તેથી ટ્રેડર્સે નવી ખરીદીના બદલે પ્રોફ્ટિ બુકિંગ કરવું જોઈએ. ઘટાડે ફરી ખરીદીની તક મળી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, સિપ્લા, એનટીપીસી, ઈન્ફેસિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, હિંદાલ્કો, કોટક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી.










