• બેન્ચમાર્ક નિફ્ટીએ 19,700ની સપાટી ગુમાવી

  • વોલેટિલિટી ઇન્ડેક્સ 2.5 ટકા વધી 10.96ના સ્તરે
  • બીએસઈ સેન્સેક્સ 551 પોઈન્ટ્સ ગગડી 65,877ની સપાટીએ

ઈઝરાયેલ અને આરબ જગત વચ્ચે લડાઈ ફાટી નીકળવાની ચિંતા પાછળ શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. એશિયા, યુરોપ અને યુએસ બજારો નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ પોણા ટકા આસપાસ બંધ સૂચવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 551 પોઈન્ટ્સ ગગડી 65,877ની સપાટીએ જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ્સ નરમાઈ સાથે 19,671ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ નોંધપાત્ર સત્રો પછી વેચવાલી નોંધાઈ હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3,843 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2,268 ઘટાડા સાથે બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1,436 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. 290 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા વધી 10.96ના સ્તરે બંધ રહ્યો હતો.

ભારતીય બજાર બુધવારે સાધારણ ગેપ-અપ ઓપનિંગ દર્શાવ્યાં પછી સતત ઘસાતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19,812ના બંધ સામે 19,820ની સપાટીએ ખૂલી ઉપરમાં 19,841નું લેવલ દર્શાવી નીચામાં 19,660 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ 19,700ની સપાટી ફરી ગુમાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર 5 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટ સાથે બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રના ત્રણ પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ બજારમાં લોંગ પોઝિશનમાં કોઈ ખાસ ફેરફાર નહોતો જોવા મળ્યો. આમ, નવી ખરીદીમાં સાવચેતી દાખવવી જોઈએ. ટેક્નિકલી નિફ્ટીને 19,600નો સપોર્ટ છે. જેની નીચે 19,400નું લેવલ ફરીથી જોવા મળી શકે છે. ઉપરમાં 19,800નું લેવલ અવરોધ છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, તાતા મોટર્સ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ્, એચડીએફ્સી લાઈફ્, ઓએનજીસી, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફ્સી બેંક, તાતા કન્ઝયૂમર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એલટીઆઈ માઈન્ડટ્રી, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, મીડિયા અને ઓટોમાં પોઝિટિવ ટ્રેન્ડ નોંધાયો હતો. જ્યારે બેન્કિંગ, આઈટી, એનર્જી, મેટલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા અને આલ્કેમ લેબ્સ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડિયા પણ સાધારણ સુધારા સાથે ગ્રીન જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં સન ટીવી નેટવર્ક, પીવીઆર આઈનોક્સ, ઝી એન્ટરટેઇનમેન્ટમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટોમાં તાતા મોટર્સ અને મારુતિ સુઝુકી પાછળ સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. મારુતિ સુઝુકીનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે તાતા મોટર્સનો શેર પણ ઓલ-ટાઈમ હાઈ બંધ દર્શાવતો હતો. જોકે, બીજી બાજુ ટાયર, શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી 6 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, એલટીઆઈ માઈન્ડટ્રી, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએલમાં નરમાઈ જોવા મળતી હતી.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સિપ્લા 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સન ટીવી નેટવર્ક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, જીએનએફસી, તાતા મોટર્સ, ઈન્ફો એજ, સન ફાર્મા, પીવીઆર આઈનોક્સ, શ્રાી સિમેન્ટ્સ, મેરિકો, કોફોર્જ, એસબીઆઈ લાઈફ્, બલરામપુર ચીની, કમિન્સ ઈન્ડિયા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, સિન્જિન ઇન્ટરનેશનલમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત બાયોકોન, એલએન્ડટી ટેક્નોલોજી, એબીબી ઈન્ડિયા, પિરામિલ એન્ટરપ્રાઇઝ, હેવેલ્સ ઈન્ડિયા, સિમેન્સ, બજાજ ફઈનાન્સ, ભેલમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈઆરબી ઈન્ફ્રા, સુઝલોન એનર્જી, ગોડફ્રે ફિલિપ્સ, ત્રિવેણી એન્જિનિયર, બ્લૂ સ્ટાર, કેપીઆર મિલ, વિજયા ડાયગ્નોસ્ટિક્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટીસીઆઈ એક્સપ્રેસ, નવીન ફ્લોરિન નવા તળિયે ટ્રેડ થયા હતા.


  • Follow us on: