- ખાંડના ભાવ ઓક્ટોબર 2017 પછીની ટોચ પર જોવાયા
- મહારાષ્ટ્ર-કર્ણાટકમાં દુષ્કાળને કારણે શેરડીના ઉત્પાદન પર અસરની શક્યતા
- છેલ્લા પખવાડિયામાં ખાંડના ભાવમાં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ છે
દેશમાં નવી સિઝનમાં ખાંડના ઉત્પાદનને લઈ ઊભી થયેલી ચિંતા પાછળ સુગરના ભાવ છ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યાં છે. છેલ્લા પખવાડિયામાં ખાંડના ભાવમાં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ છે એમ ટ્રેડ વર્તુળો જણાવે છે. શેરડી પકવતાં દેશના વિસ્તારોમાં મર્યાદિત વરસાદને કારણે સુગરના ઉત્પાદનને લઈ ચિંતા જોવા મળી છે એમ તેઓ ઉમેરે છે.
જો નવી સિઝનમાં ઉત્પાદન ઘટશે તો ફૂડ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ થશે. જે ભારત સરકારને સુગર નિકાસને લઈને પ્રતિબંધ માટે વિચારવા પ્રેરી શકે છે. જેની પાછળ વૈશ્વિક બજારોના ભાવને સપોર્ટ મળી શકે છે. જે હાલમાં દાયકાથી ઊંચી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ દુકાળના કારણે ખાંડ મિલોનો આગામી સિઝનમાં ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાની ચિંતા સતાવી રહી છે. ઊંચા ભાવોને કારણે જોકે કેટલાંક સુગર ઉત્પાદકોના માર્જિન્સમાં સુધારાની શક્યતા છે. જે તેમને ખેડૂતોને સમયસર પેમેન્ટમાં સહાયરૂપ બની શકે છે. ઓક્ટોબર મહિનાથી શરૂ થનારી નવી સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 3.3 ટકા જેટલુ ઘટી 3.17 કરોડ ટન પર જોવા મળે તેવી શક્યતા છે. દેશમાં શેરડી પકવતાં અગ્રણી રાજ્યો એવા પિૃમ સ્થિત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલાંક વિસ્તારો દુકાળનો સામનો કરી રહ્યાં છે. જેને જોતાં ત્યાં ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળશે. આ બંને રાજ્યો મળીને દેશમાં કુલ શેરડી ઉત્પાદનના 50 ટકાથી વધુ ઉત્પાદન ધરાવે છે. મંગળારે ખાંડના ભાવ વધી પ્રતિ ટન 37,760 પ્રતિ ટન(454.80 ડોલર) પર જોવા મળતાં હતાં. જે ઓક્ટોબર 2017 પછીની ટોચ હતી. ભારતમાં ખાંડના ભાવ વૈશ્વિક વ્હાઈટ સુગર બેન્ચમાર્કની સરખામણીમાં 38 ટકા નીચા જોવા મળી રહ્યાં છે. ઊંચા ભાવ સરકારને નવી સિઝનમાં નિકાસ પર પ્રતિબંધ માટે વિચારવા પ્રેરી શકે છે. પૂરું થવા જઈ રહેલી સિઝનમાં ભારત સરકારે 61 લાખ ટન સુગર નિકાસ માટે છૂટ આપી હતી. જોકે, અગાઉના વર્ષે દેશમાંથી 1.11 કરોડ ટન સુગરની વિક્રમી નિકાસ જોવા મળી હતી. સરકાર ઓક્ટોબરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી અપેક્ષા છે. જે છેલ્લા સાત વર્ષોમાં પ્રથમવાર જોવા મળશે એમ સરકારી વર્તુળો જણાવે છે. દેશમાં સુગરના જથ્થામાં ઘટાડાને જોતાં આગામી સમયગાળામાં કોમોડિટીના ભાવમાં ઓર વૃદ્ધિની શક્યતા મુંબઈ સ્થિત ટ્રેગર દર્શાવી રહ્યાં છે.










