- થલપતિ વિજયની આગામી ફિલ્મ 'લિયો' છે
- થિયેટર માલિકોને એક દિવસમાં ફિલ્મના પાંચ શો હોસ્ટ કરવાની પરવાનગી
- ફિલ્મનો પહેલો શો સવારે ચાર વાગ્યે યોજવા માટે પરવાનગી માંગવામાં આવી
સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની આગામી ફિલ્મ 'લિયો' છે. તેના ફેન્સ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકોનો ઉત્સાહ જોઈને મેકર્સ પણ આ ફિલ્મનો મોર્નિંગ શો ગોઠવવા માંગે છે. હવે નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટ પાસે ફિલ્મના સવારે 4 વાગ્યાના શોને હોસ્ટ કરવા માટે પરવાનગી માંગી છે. આ મામલામાં સુનાવણી 17 ઓક્ટોમ્બરે હાથ ધરવામાં આવી હતી. જો કે તામિલનાડુ સરકારે થિયેટર માલિકોને એક દિવસમાં ફિલ્મના પાંચ શો હોસ્ટ કરવાની પરવાનગી આપી છે, પરંતુ નિર્માતાઓ તેનાથી ખુશ નથી. હવે ફિલ્મ સાથે સંકળાયેલ પ્રોડક્શન કંપની સેવન સ્ક્રીન સ્ટુડિયોના અધિકૃત હસ્તાક્ષર કે. રામચંદ્રને મદ્રાસ હાઇકોર્ટ પાસે સવારે 4 વાગ્યે ફિલ્મના શોનું આયોજન કરવાની પરવાનગી માંગી છે. આ પિટિશનમાં મેકર્સે ફેન્સની ઇચ્છાને ટાંકીને શરૂઆતના દિવસે 6 શો અને 20થી 24 ઓક્ટોબર સુધી પાંચ શો કરવાની પરવાનગી માંગી છે. નિર્માતાઓએ કેરળ અને કર્ણાટકના રાજ્યોનું ઉદાહરણ પણ આપ્યું છે, જ્યાં વહેલી સવારના શોનું આયોજન કરવામાં આવે છે. તામિલનાડુના ઘણા થિયેટરોમાં હજુ પણ ફિલ્મના શરૂઆતના દિવસે સવારના શો યોજાતા નથી. પોંગલ 2023 પર વિજયની ફિલ્મ વારિસુ અને સુપરસ્ટાર અજિતની ફિલ્મ થુનીવુની રિલીઝ દરમિયાન એક ચાહકના મૃત્યુને પગલે તામિલનાડુ સરકારે રાજ્યમાં સવારના શો પર પ્રતિબંધ મૂક્યો હતો. વિજય સ્ટારર ફિલ્મ લિયોમાં સંજય દત્ત, ત્રિશા, ગૌતમ મેનન અને અર્જુન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.