- માસિક ધોરણે મે મહિનામાં 33 ટકા વૃદ્ધિ
- રોકાણકારો પણ માર્કેટમાં પાછા ફરી રહ્યાં હોય તેમ જણાય
- મે મહિનામાં દેશમાં કુલ 21 લાખ ડિમેટ એકાઉન્ટ ઓપન થયાં હતાં
દેશના શેરબજારોમાં તેજી પરત ફરવા સાથે રિટેલ રોકાણકારો પણ માર્કેટમાં પાછા ફરી રહ્યાં હોય તેમ જણાય છે. નવા નાણાવર્ષની શરૂઆતથી જ માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને કારણે એક્ટિવ ક્લાયન્ટ્સમાં વૃદ્ધિ સાથે ડિમેટ એકાઉન્ટ્સમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં દેશમાં કુલ 21 લાખ ડિમેટ એકાઉન્ટ ઓપન થયાં હતાં. જે એપ્રિલ મહિનામાં જોવા મળતાં 16 લાખ નવા ડિમેટ ઓપનિંગ સામે 33 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે એમ બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ સૂચવે છે. મે મહિનાની આખરમાં દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધીને 11.8 કરોડની વિક્રમી સપાટીએ પહોંચી હતી. રિપોર્ટમાં નોંધ્યા મુજબ મે મહિનામાં ડિમેટ એકાઉન્ટ ઓપનિંગ નાણાવર્ષ 2022-23માં માસિક ધોરણે જોવા મળેલા 21 લાખ નવા ઓપનિંગની દિશાનું જ છે. જોકે, તે એપ્રિલ મહિનાની સરખામણીમાં ઊંચી વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે, મિડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં મજબૂત તેજી પાછળ રિટેલ વર્ગ બજારમાં ફરી એક્ટિવ બની રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે આમ થવાનું કારણ છેલ્લા કેટલાંક મહિનાઓ પછી રિટેલ રોકાણકારોને મળી રહેલી ટર્નીંગની તક છે. માર્કેટમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં મજબૂતી પાછળ ઈન્ટ્રા-ડેથી લઈ શોર્ટ-ટર્મ ટ્રેડિંગનું પ્રમાણ વધતું હોય છે.










