- વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ કહ્યું 'ફિલ્મમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે,
- જ્યારે તેમના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન કરવામાં આવ્યું'
- તેણે આ ફિલ્મ કોઈને અપમાનિત કરવા માટે નથી બનાવી
- મુંબઈના એક થિયેટરમાં ફિલ્મ 'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મના એક સ્ક્રીનિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સ્ક્રીનિંગ સાથે જોડાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયામાં બેઠેલા અજાણ્યા લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ કાળા ઝંડા ફરકાવીને જોર જોરથી 'ગાંધી ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું હતું કે, ફિલ્મમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે, જ્યારે તેમના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન કરવામાં આવ્યું છે, તેથી તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જ્યારે આ હંગામો થયો ત્યારે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી પણ ત્યાં હાજર હતા. મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મિની થિયેટરમાં ફિલ્મના કેટલાક ફૂટેજ અને ડાયલોગ્સનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આ હંગામો થયો હતો. મામલો એટલી હદે વણસી ગયો હતો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જ્યારે આ બબાલ થઈ તે સમયે સ્ટેજ પર દિગ્દર્શક રાજકુમાર સંતોષી, ગાંધીજીની ભૂમિકા ભજવતા અભિનેતા દીપક અંતાણી અને ફિલ્મના સહયોગી નિર્માતા લલિત શ્યામ ટેકચંદાણી પણ હતા.રાજકુમાર સંતોષીએ આ હંગામા બાદ જણાવ્યું હતું કે, તેણે આ ફિલ્મ કોઈને અપમાનિત કરવા માટે નથી બનાવી, ન તો કોઈને ગૌરવ આપવા માટે ફિલ્મ બનાવી છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મ દ્વારા ગાંધી અને નથુરામ ગોડસેને એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. રાજકુમાર સંતોષીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો આ ફિલ્મને સિનેમાઘરોમાં જોશે ત્યારે તેઓ સમજી જશે કે તેણે આ ફિલ્મ દ્વારા શું કહેવાનો પ્રયાસ કર્યો છે અને આ રીતે તેની ફિલ્મનો વિરોધ કરવો યોગ્ય નથી.










