- રાયડા અને ચણા જેવા પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો
- ગઈ સિઝનમાં 3.76 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 2.73 લાખ હેક્ટરમાં વાવેતર
- ચોમાસામાં પાછોતરા વરસાદને અભાવે જમીનોમાં ભેજના નીચા પ્રમાણ
ગુજરાતમાં ચાલુ રવી વાવેતર સિઝનનો આરંભ ખૂબ નબળો જોવા મળી રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીના આંકડાઓ પર નજર નાખીએ તો 2.73 લાખ હેક્ટરમાં શિયાળુ પાક વવાયાં છે. જે આંકડો ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 3.76 લાખ હેક્ટર વાવેતરની સરખામણીમાં 1.03 લાખ હેક્ટરનો નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ગયા ચોમાસામાં પાછોતરા વરસાદને અભાવે જમીનોમાં ભેજના નીચા પ્રમાણ તેમજ જળાશયોમાં પાણીના ભાવે વાવેતરમાં ઘટાડાની શક્યતા જોવાઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષોથી રાજ્યમાં રવી વાવેતર નવા વિક્રમો બનાવી રહ્યું હતું. છેલ્લા બે વર્ષોથી તે 48 લાખ હેક્ટર આસપાસ જોવા મળતું હતું. છેલ્લા ત્રણ વર્ષોમાં રવી સિઝનનું સરેરાશ વાવેતર 44.75 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. આમ ખરીફ્ સિઝનમાં 85-86 લાખ હેક્ટર વિસ્તારના 50 ટકાથી વધુ વાવેતર રવી સિઝનમાં નોંધાઈ રહ્યું છે. રવી સિઝન પ્રમાણમાં સ્થિર સિઝન હોવાથી ખેડૂતોને ઊભા પાક પર જોખમ પણ પ્રમાણમાં ઓછું હોય છે. ખરીફ્ સિઝનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારે વરસાદે છેલ્લા વર્ષોમાં ઊભા ખરીફ્ પાકનો સોથ વાળ્યાનું અનેકવાર બન્યું છે. જોકે, તે વરસાદને કારણે જમીનમાં ભેજ રવી વાવેતર માટે વરદાન બનતો હોય છે. જે કારણથી જ રાજ્યમાં છેલ્લી ત્રણ સિઝનમાં ચણાના વાવેતરમાં નવા વિક્રમો બન્યાં હતાં. ચાલુ સિઝનમાં જોકે, ચણાનું વાવેતર અત્યાર સુધીમાં માત્ર 29 હજાર હેક્ટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 50 હજાર હેક્ટરમાં જોવા મળતું હતું. છેલ્લી ત્રણ સિઝનમાં ચણાનું સરેરાશ વાવેતર 7.75 લાખ હેક્ટરમાં રહ્યું હતું. રવી 2022માં ચણાનું વાવેતર 11 લાખ હેક્ટરને પાક કરી ગયું હતું. જે લગભગ ઘઉંની ઘણી નજીક પહોંચી ગયું હતું. શિયાળુ પાકોમાં શરૂઆતી તબક્કામાં વવાતાં રાયડાનું વાવેતર પણ માત્ર 53 હજાર હેક્ટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 1.19 લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું હતું. આમ તે વાર્ષિક ધોરણે 50 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. ઘઉંનું વાવેતર ગયા વર્ષના 27 હજાર હેક્ટર સામે માત્ર 7 હજાર હેક્ટરમાં જોવા મળે છે. જ્યારે જીરું અને ધાણા જેવા મસાલા પાકોના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ધાણાનું વાવેતર ગયા વર્ષે 12 હજાર હેક્ટર સામે ચાલુ વર્ષે 2,200 હેક્ટરમાં જ્યારે જીરુંનું વાવેતર 3,900 હેક્ટર સામે 1 ,500 હેક્ટરમાં સંભવ બન્યું છે. માત્ર ત્રણ શિયાળુ વાવેતરમાં વૃદ્ધિ જોવા મળે છે. જેમાં શેરડીનું વાવેતર ગયા વર્ષે 29 હજાર હેક્ટર સામે ચાલુ વર્ષે 67 હજાર હેક્ટરમાં થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, ડુંગળીનું વાવેતર 6 હજાર હેક્ટર સામે 6,500 હેક્ટરમાં જ્યારે બટાકાનું વાવેતર ગઈ સિઝનના 2,035 હેક્ટર સામે 3,800 હેક્ટરમાં જોવા મળે છે.










