પ્રકૃતિ સાથે આપણું મિલન હવે ઓછું થતું જાય છે. એ કારણે કેટલાંય પ્રાણી અને પક્ષીઓ તો બાળક ફક્ત ચિત્રમાં જ જોતું હોય છે. સાપ પણ એવો જ એક જીવ છે, જે હવે લોકોની ઓળખથી દૂર થતો જાય છે. એ ઉપરાંત તેનો એક ડર પણ ખરો, તેથી પણ લોકો તેનાથી દૂર જ રહે છે, પરંતુ મોટા ભાગના સાપ ઝેરી હોતા નથી, એમ છતાં ડર યથાવત્ છે, ત્યારે કોફીની ચૂસકી લેતાં લેતાં સાપ સાથે ઓળખ થાય એવી એક કોફી શોપ તાઈવાનમાં ખૂલી છે !
આપણે ત્યાં નાગપાંચમે સાપની પૂજા કરવાનો રિવાજ ખરો, પરંતુ સંર્પદંશથી વધુ મોત પણ આપણા દેશમાં થાય છે, ત્યારે સાપથી બે ડગલાં દૂર રહેવાનું આપણે પસંદ કરીએ છીએ, પરંતુ બધા જ સાપ ઝેરી હોતા નથી. કોબ્રા અને વાઇપર જેવા કેટલાક સાપો ઝેરી હોય છે. એ સાપો દંશે તો મિનિટોમાં જ મોત નીપજે એ સાચું, પરંતુ એ સિવાયના મોટા ભાગના સાપો ફૂંફાડો મારે ખરા, પણ તેમના કરડવાથી મોત થતું નથી. છતાં સાપ સાથે ડર જોડાયેલો રહ્યો છે. બીજી તરફ આપણા પડોશમાં આવેલા ચીનમાં તો સાપનું લોહી પણ પીવામાં આવે છે! વળી, 29મી જાન્યુઆરીથી ચીનમાં નવું વર્ષ બેઠું છે. આ વર્ષ સાપનું વર્ષ છે.
સાપ પ્રતિનો ડર ઓછો થાય અને સાપને ઓળખી શકાય એ માટે તાઈવાનના પાટનગર તાઈપેમાં પાલતુ પ્રાણીઓ રાખતી પાઈથનિઝ્મ નામની એક દુકાને સાપ સાથે બેસીને કોફી પી શકાય એવી નવી રસમ શરૂ કરી છે. ભારતમાં સાપ ખાસ કરીને નાગ તરીકે ઓળખાય છે, તેને શુભ માનવામાં આવે છે, તેની પૂજા પણ કરવાનો રિવાજ છે. આપણા મહાદેવના ગળે પણ નાગ રહેતો હોય છે. ભારતમાં જોવા મળતો કોબ્રા દુનિયાનો સૌથી ઝેરી સાપમાંનો એક છે. તે જમીનથી 2 મીટર ઊંચી ફેણ રાખીને દંશી શકે છે. કોબ્રા માંસાહારી સાપ છે! તે બીજા સાપોને પણ ખાઈ જાય છે. નાના અજગર તથા બીજા કોબ્રાને પણ તે ખાઈ જતો હોય છે. આપણે ત્યાં સર્પદંશના કિસ્સામાં મોટાભાગે જવાબદાર ઠરતા હોય છે. એ કરડે ત્યારે માંસપેશીમાં લકવો મારી જવાનું જોખમ સૌથી વધુ રહે છે. એ જ રીતે ભારતમાં જોવા મળતો રસેલ વાઈપર પણ ઝેરી સાપ છે. તેના ઝેરથી શરીરના મુખ્ય ચેતાતંત્રને નુકસાન થાય છે. શરીરમાં લોહી વહેવા લાગે છે અને મગજમાં રક્તસ્ત્રાન થતાં મોત નીપજી શકે છે. એવા બીજા પણ ઝેરી સાપો આપણે ત્યાં જોવા મળે છે. ચીન અને તાઈવાનમાં પણ સાપની અનેક પ્રજાતિ જોવા મળે છે. ચીન અને તાઈવાનમાં સાપને કેટલાક વિસ્તારમાં શુભ માનવામાં આવે છે, તો કેટલાક વિસ્તારમાં તેને અશુભ માનવામાં આવે છે.
તાઈવાનમાં કેટલાક સ્થાનિક સમુદાયના લોકો સાપને સંરક્ષક આત્મા માને છે. એ ખરું કે વાઈપર અને કોબ્રા પણ અહીં જોવા મળે છે, પરંતુ તાઈવાનમાં સર્પદંશને કારણે મૃત્યુ બહુ ઓછા થાય છે, છતાં મોટા ભાગના લોકો સાપ પ્રતિના ડરને કારણે દૂર રહે છે, તેથી જ આ કોફીશોપનો હેતુ સાપની ઓળખ થઈ શકે અને તેનો ડર ઓછો થાય એ છે. ઘણા ગ્રાહકો કોફી પીતાં પીતાં સાપ સાથે રમે પણ છે! ખાસ કરીને બાળકોને સાપ સાથે રહેવું ખૂબ જ પસંદ છે. સાપને કઈ રીતે સાચવી શકાય, તેની દેખભાળ કઈ રીતે કરી શકાય એ અંગે પણ માહિતી આપવામાં આવે છે. એ કારણે જ કુદરતમાં સાપના મહત્ત્વ અંગે પણ બાળકો શીખતાં થયાં છે. તાઈવાન ઉષ્ણ કટીબંધમાં આવેલું છે. મોટાભાગનો વિસ્તાર પહાડી છે. અહીં એક બે નહીં સાપોની 60 પ્રજાતિ જોવા મળે છે. તાઈવાનમાં સાપ અંગે લોકો જાણી શકે એ માટે શરૂ થયેલી પાઈથનિઝ્મ કોફીશોપમાં કોફી પીનારાઓ સાપને ઈજા ન થાય એ રીતે સાથે રાખી શકે છે. તે વિશે જાણકારી મેળવી શકે છે. જોકે, અહીં બિનઝેરી સાપો સાથે જ રમી શકાય છે.