હોંગકોંગ આમ તો વિશ્વનું સૌથી મોંઘું શહેર છે, પરંતુ કોઈ પણ મહાનગર કે દેશની જેમ હોંગકોંગમાં પણ ગરીબી એ એક દારુણ વાસ્તવિકતા છે. અહીંના ગરીબ માટે ઘર તો સપનું જ છે. ઊંચું ભાડું ચૂકવવા છતાં પણ જાણે નરકમાં રહેતા હોય એવું ઘર મળે, જેને કોફિન હોમ્સ કહેવામાં આવે છે.
કોફિન હોમ્સ એટલે કે માંડ એક વ્યક્તિ સૂઈ શકે એટલો નાનો આવાસ! હોંગકોંગમાં ઘરો ખૂબ જ મોંઘાં છે અને એ શ્રીમંતોને જ પરવડે એવાં છે. આપણે ત્યાં પણ પરપ્રાંતીઓ નાની ખોલીઓમાં રહે છે. જોકે, એ ખોલી તો સારી કહેવાય એવાં ઘરોમાં હોંગકોંગના લોકો રહે છે. હોંગકોંગમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. 2024ના વર્ષની પહેલી ત્રિમાસિકીના આંકડા મુજબ હોંગકોંગમાં 22.7 ટકા વસ્તી એટલે કે 14 લાખ લોકો ગરીબીરેખાની નીચે જીવે છે. મોંઘાં ઘર અને વધતી જતી મોંઘવારીએ ગરીબોના જીવનને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. ફક્ત એક પથારી રહી શકે એવા ઘરનું ભાડું પ્રતિ એક ફૂટના 1500 રૂપિયા છે! એટલું ભાડું ખર્ચ્યા પછી પણ સુવિધાજનક ઘર મળતું નથી.
હોંગકોંગમાં 500 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં 30 લોકો રહે છે. બે ફૂટ પહોળા અને 5.7 ફૂટ લાંબા એટલે માંડ કોફિન જેટલા ઘરમાં રહેવાનું હોય છે, તેથી એમાં સુવિધા તો હોય જ નહીં. ઘરને બારી હોતી નથી. દરવાજા પણ સ્લાઈડિંગ રાખવામાં આવે છે, જેથી તે ખુલ્લો હોય ત્યારે જગ્યા નહીં રોકાય. બારી ન હોવાને કારણે બારણાં ખુલ્લાં રાખવાં પડે છે, જેથી પ્રાઈવસીનો તો ભોગ જ લેવાઈ જતો હોય છે. હવા અને પ્રકાશની અવરજવર સાવ ઓછી હોવાને કારણે બીમારી પણ અડિંગો જમાવતી હોય છે. ઘર પણ ગંધાતાં હોય છે. આ ઘરોમાં રહેનારાઓમાંથી ઘણા માનસિક બીમાર થઈ જતા હોય છે. માંકડ જેવા કીડાઓ પણ લોકોને પરેશાન કરતા રહે છે. કોફિન હોમ્સમાં તો થઈ પણ શું શકે? ક્યાં તો ખાટલા પર પડી રહેવાનું અથવા તો મોબાઈલ સર્ફિંગ કરીને સમય કાઢવાનો!
બે કોફિન હોમ્સ વચ્ચે પ્લાયવૂડનું પાર્ટિશન હોય છે. તેને કારણે અડોશપડોશની વાતચીત પણ સંભળાતી રહે છે. મોબાઈલ ફિલ્મ જોતા હોય તો તેનો અવાજ પણ પરેશાન કરતો રહે. વળી, ભોજનની વાસ પણ સહન કરવી પડે. રાત્રે વળી લોકોનાં નસકોરાંના અવાજનું પ્રદૂષણ પણ સહન કરવાનું! રજા હોય તો પણ આવા ઘરમાં રહી જ ન શકાય, તેથી કોફિન હોમ્સના લોકો લાઈબ્રેરી કે બગીચામાં સમય પસાર કરતા હોય છે. કોફિન હોમ્સમાં પોતાનાં ટોઇલેટ-બાથરૂમ તો હોય જ ક્યાંથી? ચાર પરિવારો વચ્ચે એક ટોઇલેટ હોય અને રસોડું પણ એક જ!
હોંગકોંગમાં 2 લાખથી વધુ લોકો આ સબ ડિવાઈડેડ ફ્લેટ્સમાં રહે છે. આ ઘરો કંઈ નવા યુગની સમસ્યા નથી. છેક 1950ના દાયકાના અંતથી કોફિન હોમ્સ ચલણમાં આવ્યાં હતાં. સામાન્ય રીતે ચીનથી હોંગકોગમાં કામદાર તરીકે આવેલા લોકોને કંપનીઓ આ પ્રકારની નાની ખોલીઓ રહેવા માટે આપતી હતી. જોકે, એમાં તો ધાતુના ખાટલા અને વીજળીના તારો ગમે એમ લપેટાયેલા જોવા મળતા હતા. એ જૂની શૈલીનાં પાંજરાવાળાં ઘરો આજે પણ જોવા મળે છે. હવે નવા કોફિન હોમ્સમાં પ્લાયવૂડનો ઉપયોગ થાય છે.
વક્રતા તો એ છે કે હોંગકોંગમાં એક તરફ ગગનચુંબી ઈમારતોવાળા વિસ્તારમાં શ્રીમંતાઈની ઝલક ડગલે ને પગલે જોવા મળી જાય, જ્યારે બીજી તરફ 20 મિનિટ દૂર જ કોફિન હાઉસની દારુણ વાસ્તવિકતા પણ જોવા મળે છે. ધનિકોના વૈભવ સામે કોફિન હાઉસમાં રહેવું પણ ગરીબો માટે મુશ્કેલ છે. આ સ્થિતિ માટે ઘણા હોંગકોંગની સરકારને તો ઘણા પ્રોપર્ટી ટાયકૂનોને જવાબદાર ગણે છે. હવે સરકાર આ નરક જેવાં ઘરોમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે આગામી 10 વર્ષમાં 308000 નવાં સરકારી મકાનો બનાવશે. ગયા વર્ષે જ સરકારે નવા નિયમોની જાહેરાત કરી છે. એ નિયમો હેઠળ હવે ફ્લેટ્સમાં ઓછામાં ઓછી જગ્યા કેટલી હોવી જોઈએ અને સુરક્ષા માનાંક નક્કી કરવામાં આવશે. એ નિયમો હેઠળ લોકોને વધુ જગ્યા અને હવાઉજાસ મળી શકશે. સરકાર 2040 સુધીમાં કોફિન હોમ્સનો યુગ ખતમ કરી દેવા માંગે છે.