હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું ધર્મશાલા એક અત્યંત સુંદર હિલ સ્ટેશન છે. આ જગ્યા સુંદર, શાંત અને પ્રાચીન છે. સમુદ્રની સપાટીથી એ 1475 મીટરની ઊંચાઇએ આવેલું છે. હિમાચલ પ્રદેશની ધૌલાધાર પર્વતમાળાઓ વચ્ચે આવેલું ધર્મશાલા દેવદાર અને પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલું છે, જે એની સુંદરતામાં બમણો વધારો કરે છે. ધર્મશાલા હિમાચલનું ઠંડીની સિઝનનું કેપિટલ પણ છે. આ જગ્યાનું નામ પહેલાં ભાગસૂ હતું, એ સમયે અને હજી પણ હિમાચલી લોકો આ જગ્યાને એ જ નામેથી સંબોધતા હોય છે. ગરમીની સિઝનમાં જો તમે ઠંડીનો અનુભવ કરવા માંગતા હોવ તો ધર્મશાલાની ટ્રીપ ચોક્કસથી પ્લાન કરી શકો છો. આ જગ્યા દિલ્હીથી નજીક હોવાને લીધે અહીં બહુ પર્યટકો આવતા હોય છે, એ કારણે જ અહીં રહેવા માટેની ખૂબ સારી સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ધર્મશાલામાં રિસોર્ટ અને હોટલનું પ્રમાણ વધારે તેમજ સુંદર છે. અહીં ફરવા આવતા પર્યટકોએ ક્યાં ક્યાં જવું એ વિશે વાત કરીએ.
ત્રિઉંડ હિલ
જે પર્યટકો એડવેન્ચર અને ટ્રેકિંગના શોખીન હોય એમના માટે ત્રિઉંડ પરફેક્ટ પ્લેસ છે. આમ પણ હિલસ્ટેશન ઉપર જતા મોટાભાગના લોકો ટ્રેકિંગનો પ્લાન કરીને જ જતાં હોય છે. ધર્મશાલા દરિયાની સપાટીથી 1475 મીટરની ઊંચાઇએ છે તો ત્રિઉંડ હિલ દરિયાની સપાટીથી 2850 મીટર ઊંચાઇએ આવેલું છે. અહીં સ્વચ્છ આબોહવા અને પ્રાકૃતિક વાતાવરણ બહોળા પ્રમાણમાં અનુભવાશે. અહીં જતાની સાથે જ તમે જાણે કે કોઇ અત્યંત સ્વચ્છ જગ્યાએ હોય એવો અનુભવ થશે. આ જગ્યાની શાંતિ પણ અલૌકિક છે. ત્રિઉંડ હિલ ટ્રેકિંગ માટે છે, અહીં ટ્રેકિંગ કરીને પહોંચવું થોડું અઘરું છે પણ એક વાર પહોંચી જશો એ પછી તેની આસપાસ આવેલા બરફાચ્છાદિત પહાડો તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ જગ્યા ઉપર તમે નાઇટ કેમ્પિંગ પણ કરી શકો છો.
ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ઘણું પ્રખ્યાત છે. અહીં જ્યારે જ્યારે મેચનું આયોજન થાય છે ત્યારે ત્યારે ક્રિકેટર્સ ખરા અર્થમાં ખુશ હોય છે, કારણ કે આ જગ્યા જ એટલી સરસ છે કે અહીં રમવા આવનાર ક્રિકેટર્સ રમવાની સાથે ફ્રી ટાઇમમાં ધર્મશાલાની સુંદરતા અને શાંતિનું રસપાન ચોક્કસ કરી લે છે. ધૌલાધાર રેન્જની વચ્ચે આવેલું સ્ટેડિયમ સમુદ્રતટથી 1457 મીટરની ઊંચાઇએ છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી ઊંચું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ જગ્યાની સૌથી સારી વાત એ છે કે સ્ટેડિયમ પર્યટકોને જોવા માટે ખુલ્લું રાખવામાં આવે છે. જે સમયગાળામાં મેચ ન હોય એ સમયગાળામાં પર્યટકો અહીં દુનિયાનું સૌથી ઊંચું સ્ટેડિયમ જોવા આવી શકે છે. અહીં આવવાનો સમય સવારે નવથી સાંજે 6 વાગ્યા સુધીનો હોય છે.
યુદ્ધ સ્મારક
ધર્મશાલામાં સૌથી લોકપ્રિય જગ્યાઓમાંથી એક એટલે વૉર મેમોરિયલ પાર્ક. આ જગ્યા કાંગડાના બહાદુર સૈનિકોની શ્રદ્ધાંજલિના રૂપમાં બનાવવામાં આવી હતી. વર્ષ 1947, 48, 1962, 1965 અને 1971માં યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન વખતે જે સૈનિકોએ પોતાના પ્રાણ આપ્યા હતા એમની યાદમાં આ જગ્યા બનાવવામાં આવી છે. સ્મારકમાં કાળા સંગેમરમર પથ્થરની ત્રણ વિશાળ દીવાલો છે જેની ઉપર શહીદ સૈનિકોનાં નામ લખવામાં આવ્યાં છે. અહીં એ સમયે વપરાયેલી બંદૂક, ટેન્ક, ફાઇટર જેટ જેવી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ જગ્યાએ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે જઈ શકો છો. આ જગ્યા જોવાની ટિકિટ 20 રૂપિયા છે.
ભાગસૂનાગ મંદિર
ભગવાન શિવને સમર્પિત પ્રાચીન ભાગસૂનાગ અથવા તો ભાગસૂનાથ મંદિર પણ ધર્મશાલાની પ્રચલિત જગ્યામાંથી એક છે. આ જગ્યા મેક્લોડગંજથી 3 કિમી. દૂર છે. આ મંદિરમાં પવિત્ર તળાવ અને સ્વિમિંગ પૂલ છે. કહેવાય છે કે આ તળાવના પાણીમાં રોગ મટાડવાની શક્તિ છે.