• સિન્ધુ કહે છે કે દરેક વ્યક્તિએ મોટાં સપનાં જોવાં જોઈએ અને તેને પૂરાં કરવાં માટે મહેનત કરવી જોઇએ

  • ગોલ સુધી પહોંચવા અથાક પરિશ્રમ કરવામાં આવે તો સપનાં સાકાર થયાં વગર રહેતાં નથી

સ્ક્વાડ્રન લીડર સિન્ધુ રેડ્ડીએ 14મી જુલાઈએ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય વાયુસેના દળની કમાન સંભાળી હતી. એમઆઈ-17 પાઇલટ, રેડ્ડી હેલિકોપ્ટર પણ ઉડાવી ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, રેડ્ડી એક કુશળ હેલિકોપ્ટર પાઇલટ છે. તેણે અલૌએટ-3 હેલિકોપ્ટર પણ ઉડાવ્યું છે. તેમણે કહ્યું કે ત્રિસેવાઓના દળે ભારતીય નૌસેનાના માર્ચિંગ દળ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો. એ માટે તેઓ તૈયારીના ભાગરૂપે અગાઉથી ફ્રાન્સ પહોંચી ગયાં હતાં. પરેડમાં નૌસેના દળમાં ચાર અધિકારી અને 64 ભારતીય વાયુસેના દળનું નેતૃત્વ કર્યું હતું.

સ્ક્વાડ્રન લીડર સિન્ધુ રેડ્ડીનું નામ ગણતંત્ર દિવસના દિવસે દેશભરમાં ગુંજ્યું હતું, હવે દુનિયાભરમાં ગુંજવા લાગ્યું છે. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે એરફોર્સને લીડ સિન્ધુ રેડ્ડીએ કર્યો હતો. એમાં 144 લડાકુ વિમાનની સાથે ચાર ઓફિસરે પણ ભાગ લીધો હતો. હવે પેરિસમાં બાસ્તીલ દિવસે ફ્લાઇપોસ્ટમાં ભારતીય વાયુસેનાનાં ચાર રાઇફલ લડાકુ વિમાન અને બે સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ભાગ લીધો હતો. એની કમાન રેડ્ડીએ સંભાળી હતી. ભારતમાં એક મહિલા તરીકે આખી પરેડને લીડ કરવી એ બહુ મોટી વાત છે. એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને છેક વિદેશની ધરતી પર પરેડનું કમાન પદ સંભાળવું અને તેમાં સફળતાપૂર્વક પાર ઊતરવું કોઈ સિદ્ધિથી કંઈ કમ નથી.

અહીં સુધી પહોંચવામાં સિન્ધુ રેડ્ડીને એક મહિલા તરીકે ઘણો સંઘર્ષ ખેડવો પડ્યો હતો. સિન્ધુ રેડ્ડી ભણવામાં પહેલેથી હોશિયાર હતાં. ધોરણ-12ની પરીક્ષા આપ્યા બાદ સિન્ધુએ પિતા સમક્ષ એનડીએમાં જોઇન્ટ થવાની ઇચ્છા વ્યક્ત કરી. સિન્ધુએ પહેલી વખત પોતાના સપના વિશે પિતાને રજૂઆત કરી હતી, પિતા જાણતા હતા કે એનડીએમાં છોકરીઓને લેતા નથી. દીકરીનું સપનું તૂટી જાય એવું તેઓ નહોતા ઇચ્છતા તેથી તેમણે સિન્ધુને આ અંગે વધુ કોઇ સ્પષ્ટતા ન કરી. તેમણે દીકરીને આગળ વધવાની સલાહ આપી અને કહ્યું, કે તને જે ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હોય એ કર, હું તારી સાથે છું. સિન્ધુએ તો એનડીએ વિશે માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું. એનું ફોર્મ લઇ આવી. તેને હતું કે ફોર્મ ભરી દઈશ એટલે મારે જે કરવું છે એ હું કરી શકીશ, પરંતુ દરેક સપનાં સાકાર થાય એવું હોતું નથી. સિન્ધુ સાથે પણ કંઈક એવું જ થયું. તેને ઊડવા માટે આકાશ મળી ગયું હોય એટલી ખુશ થઈને ફોર્મ ભરવા લાગી. ફોર્મ ભરતી વખતે તેને ખબર પડી કે, એનડીએ છોકરીઓ માટે નથી. ફોર્મ વાંચીને આકાશમાંથી જાણે જમીનમાં પટકાઈ હોય એમ તેનું દિલ તૂટી ગયું.

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય, એમ સિન્ધુ હતાશ ભલે થઇ પરંતુ નિરાશ ન થઇ. તેણે એન્જિનિયરીંગ કરવાનું નક્કી કર્યું એટલું જ નહીં, એન્જિનિયરીંગ દ્વારા એરફોર્સમાં એન્ટ્રી કરવાનું સપનું સાકાર કરવાનો રસ્તો શોધી કાઢ્યો. સિન્ધુ હંમેશાં વિમાન ઉડાડવા ઇચ્છતી હતી. તેને ખબર પડી કે એરફોર્સમાં તેને આ તક મળી શકે છે. તો તેના માટે આના કરતાં વધારે ઉત્તમ તક કઈ હોઇ શકે. એ સપનાને સાકાર કરવાની સાથે સાથે દેશ માટે પણ કંઈક કરી છૂટવાની તક તેને દેખાઈ. આ તમામ માહિતી તેને તેની મમ્મીના એક મિત્ર દ્વારા મળી હતી. જે પોતે એરફોર્સમાં હતાં.

સિન્ધુને વિમાનનો શોખ હતો અને તે બેંગ્લુરુમાં રહેતી હતી. તેથી એર શૉઝ જોવા હંમેશાં જતી હતી. આ એર શૉઝ જોઇને જ તેના કુમળા મગજમાં વિમાન ઉડાડવાની ઇચ્છા જન્મી હતી. એન્જિનિયરીંગ પૂર્ણ થયા બાદ સિન્ધુએ એરફોર્સમાં એપ્લાય કર્યું અને સફળતા મળી. દોઢ વર્ષની ટ્રેનિંગ પછી તેને એરફોર્સ ફ્લાઇંગ બ્રાન્ચમાં તક મળી અને તેને નોર્થ અને ઇસ્ટર્ન બોર્ડર્સમાં ટ્રાન્સફર આપવામાં આવી. તે ચેતક અને ચીતા હેલિકોપ્ટર્સ ચલાવે છે. પર્વતો અને જંગલોમાં પ્લેન લઈને ઊડવું તેને બહુ ગમે છે.


  • Follow us on: