ગીતામાં એક જગ્યાએ કૃષ્ણે કહ્યું છે કે કુપાત્રને દાન કરવું એ પણ પાપ છે. કંઈક એવા જ મતલબનું ભીષ્મે `શાંતિપર્વ'માં લીડરશિપ સંદર્ભે કહ્યું છે. તેમણે કહ્યું કે જેણે શ્રેષ્ઠ લીડર બનવું છે એણે એક યોજનાના ભાગરૂપે આ સમજવાનું છે કે તેણે અમુક લોકો સાથે ક્યારેય કોઈ સંવાદ નથી કરવાનો. અથવા તો એ અમુક લોકોને લીડરે ક્યારેય કોઈ સલાહ નથી આપવાની.
કેમ? એ વિશે આપણે પછી જોઈએ, પહેલાં એ જોઈએ કે ભીષ્મની યાદીમાં એ અમુક લોકો કોણ છે. ભીષ્મના વર્ણન મુજબ જે ઉતાવળિયા છે, જે સ્વાર્થી છે, જે દ્વેષી છે, જે બીજાની નિંદા કરનારા છે, જે પોતાની જાતને પંડિત સમજે છે, જે કપટી છે, જેને બીજાને પીડા આપવામાં કે બીજાની પીડા જોઈને આનંદ થાય છે કે જે બીજામાં ક્યારેય સારા ગુણો નથી જોઈ શકતા એ મહાનુભાવોને ક્યારેય કોઈ સલાહ ન આપવી અથવા તેમની સાથે ઓછામાં ઓછા કે નહીંવત્ સંવાદ કરવો.
હવે આપણે પેલા કેમ પર આવીએ. ભીષ્મ કહે છે કે આવા લોકો, જેમની બીજાના ગુણો જોઈ શકવાની ક્ષમતા નથી તેમની પાસે બીજાની કદર કરવાની પણ ક્ષમતા નથી હોતી. હવે ભીષ્મની મૂળ શીખનો ઉઘાડ અહીં થાય છે. તેઓ કહે છે કે જો સામેનો માણસ તમારી કદર ન કરે અથવા તમારો ઉપહાસ કરે તો તમને પણ એનો ખ્યાલ તો આવી જ જતો હોય છે. જો તમને એનો ખ્યાલ આવી જાય કે સામેનો માણસ તમારી કદર નથી કરતો અથવા એ તમારો ઉપહાસ કરે છે તો તમારું શું થાય? તમારું મગજ પણ ઠેકાણે રહે? તમે ક્યાં તો એ માણસ પર ઊકળી ઊઠો અથવા તો એ માણસનું વર્તન તમારા આત્મવિશ્વાસ કે તમારી બિલીફ સિસ્ટમ પર આકરા પ્રહારો કરે, તો આ સ્થિતિમાં નુકસાન કોનું?
નુકસાન માત્ર લીડરનું હોય છે. એક લીડર માટે તેની ઊર્જા, તેનો સમય અને તેની સારી મનઃસ્થિતિ એ તેની એસેટ સમાન હોય છે અને જ્યારે લીડર ફાલતુ જેવા લોકો સાથે સંવાદ કરે છે અથવા તો તેમને કોઈ સલાહ આપે છે ત્યારે સામેનો દુષ્ટ અને તુચ્છ માણસ લીડરની એ ત્રણેય એસેટ્સને પોતાના તાબામાં કરી લે છે. જેને કારણે લીડર દિવસો સુધી કે પછી જે સમયમાં તેણે પ્રોડક્ટિવ કામ કરવાનું હોય એ સમયમાં તે ક્યાં તો સામેવાળા માણસ સાથે કળાકૂટ-માથાકૂટમાં તેનો સમય બરબાદ કરતો હોય છે અથવા તો સામેના માણસે કરેલા ઉપહાસના ચિંતનમાં બળીબળીને અડધો થઈ જતો હોય છે. વળી, આ બળતરા તેનાં બાકીનાં કામો, તેની બાકીની ઉપલબ્ધિઓ પર જે નકારાત્મક પ્રભાવ પાડે એ વધારાનું!
એના કરતાં લીડરે સ્ટ્રેટેજીના ભાગરૂપે આ બાબતને હંમેશાં ધ્યાનમાં રાખવાની છે કે તેણે ફાલતુ જેવા લોકો સાથે ક્યારેય સંવાદ કરવાનો નથી થતો અથવા તો તેણે ફાલતુ જેવા લોકોને ક્યારેય સલાહ નથી આપવાની. ભલે એ કૂવામાં પડતો, પડવા દેવો. એને એનું કર્મ મારતું હશે એ સમયે! પરંતુ કૂવામાં પડતા પહેલાં લીડરને ધ્યાનમાં આવી જાય કે પેલો માણસ કૂવામાં પડે છે અને જો લીડર એને એ સંદર્ભે કંઈ સલાહ આપવા ગયો અને જો તેણે સામે એમ કહ્યું કે એમાં તારા બાપનું શું જાય? તો લીડરની શું હાલત થાય? એના કરતાં ભલે પડતો!
જોકે, આમાં કોઈને એમ પ્રશ્ન ઉદ્ભવી શકે કે આવા દુષ્ટ, નીચ, હલકટોને ઓળખવા કઈ રીતે? એમ કંઈ એમના માથે શિંગડાં તો ઊગ્યાં નહીં કે તેમને જોતાંવેંત જુદા તારવી શકાય? તો ભીષ્મ આ બાબતે કહે છે કે આવા લોકોને ઓળખવા માટે ક્યારેય કોઈ ઝાઝા એફર્ટ્સ આપવા નથી પડતા. આવા લોકો સામેથી જ પોતે કોણ છે અને તેમની વિચારવાની ક્ષમતા કેવી છે એ વિશે જણાવી દેતા હોય છે. એટલે લીડરે જ હંમેશાં પોતાના આંખ-કાન ખુલ્લાં રાખવાં અને આવા લોકોની વાતોને શાંતિથી ઑબ્ઝર્વ કરવી. લીડરને ખ્યાલ આવી જ જશે કે એ માણસના શબ્દોમાં અહમ કેટલો છલકાય છે કે તેની વાતોમાં જુઠાણું કેટલું છે કે પછી તેની વાતોમાં બીજાઓ પ્રત્યેનો દ્વેષ કેટલો છે!
બીજાઓ વિશેની તેમની વાતો પરથી લીડરે તાગ મેળવી લેવાનો છે કે આ માણાસને તેમણે કેટલા અંતરે રાખવા અને તેમની સાથે સંવાદ કઈ રીતે કરવો. આખરે ગુજરાતીમાં જ એક કહેવત છે કે કૂતરાને ઘી નથી પચતું. એમ જ કેટલાક માણસોને ક્યારેય સામેથી મળતી કદર, આદર કે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ નથી પચતી. આવા લોકોની પોતાની એક આગવી બળતરાની દુનિયાની હોય છે અને એ દુનિયામાં ઝાળ સિવાય બીજું કશું હોતું નથી. એટલે બેટર એ છે કે લીડર એ ઝાળ અને બળતરાઓથી સામેથી દૂર રહે!