- બંધારણ દ્વારા પ્રદેશ પર શાસન કરવાની સત્તા કેન્દ્રને સોંપવામાં આવી છે. અધિકારો અને નિયમોની ચર્ચા બંધારણમાં કરવામાં આવી છે
- જે સીધી રીતે પ્રજાને સ્પર્શે છે
બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે, રાજકીય સિદ્ધાંતો, કાર્યવાહી, ફરજો અને સરકારની સત્તાઓનું માળખું છે. બંધારણમાં ઘણા પ્રકારના અધિકારો અને નિયમોની ચર્ચા કરવામાં આવી છે, જે સીધી રીતે પ્રજા, લોકોને સ્પર્શે છે, સામાન્યજનના જીવનને પ્રભાવિત કરે છે.
બંધારણમાં મહિલા અને પુરુષ બંનેને એકસમાન અધિકાર મળ્યા છે, પરંતુ સામાન્ય રીતે સમાજ મહિલાના એકસમાન અધિકારને સ્વીકારતા નથી. બંધારણે મહિલાને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, પરંતુ કેટલાં ઘર-પરિવાર-કુટુંબ એ સ્વતંત્રતા મહિલાને આપે છે? મહિલા નોકરી કરતી હોય, તો પણ ઘરનું કામ તેણે જ કરવાનું રહે છે. પરિસ્થિતિમાં થોડો બદલાવ જરૂર આવ્યો છે છતાં મહિલા જાગ્રત ન થાય ત્યાં સુધી મોટાં પરિવર્તનની અપેક્ષા રાખવી વધારે પડતું છે. આનો મતલબ એ નથી કે વેલણ લઈને રણશિંગું ફૂંકી નાખવું. સમાનતાનો અધિકાર, વેતન કે મજૂરીમાં લિંગના આધારે ભેદભાવ કરી શકાતો નથી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને દરેક ક્ષેત્રે મહિલાને પુરુષ જેટલું વેતન મળતું નથી. જોકે આ સમસ્યા આખા વિશ્વની છે ફક્ત ભારતની નહીં.
કેટલી મહિલા ધારા 354 અંગે જાણે છે? કોઈ મહિલાને ખરાબ નજરે જુએ, સોશિયલ મીડિયા પર ખોટી રીતે હેરાન કરે, પીછો કરે તો તે વ્યક્તિ વિરુદ્ધ મહિલા કેસ કરી શકે છે. ઘણી મહિલાઓને ખબર પણ છે છતાં સમાજ, માતાપિતાના ડરથી તેનો ઉપયોગ કરતી નથી. ઘરના સભ્ય જ બદનામીના ડરે પોલીસ સ્ટેશન જવાનું ટાળે છે. સામાન્ય નાગરિક તરીકે કાયદા હેઠળ સમાનતા, ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકાતો નથી. બંધારણ અનુસાર કોઈ પ્રકારની જબરદસ્તી કરીને કરાવવામાં આવેલો શ્રમ અપરાધ છે. બંધારણમાં આર્ટિકલ 24માં એવું જણાવવામાં આવ્યું છે કે 14 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતાં બાળકોને કારખાનાં, ખાણ કે અન્ય કોઈ જોખમી નોકરીમાં રાખી શકાતાં નથી. ઘણા ઢાબા, કારખાનાં, નાની-મોટી હૉટેલ્સમાં જોઈએ છીએ કે ત્યાં નાનાં નાનાં બાળકો કામ કરતાં હોય છે. જોકે માબાપની મજબૂરી અથવા લાલચ પણ પ્રભાવક પરિબળ છે. કાયદો છે પણ અમલમાં લાચારી છે.
અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવું એ બંધારણ પ્રમાણે પ્રતિબંધિત છે. ફરક પડ્યો છે, જાગૃતિ આવી છે પરંતુ છેક નેસ્તનાબૂદ થઈ નથી. ભોગ બનનારા લોકો કોઈ પગલું ભરતાં નથી, કેમ કે ડરે છે અને તેમણે ગામમાં જ રહેવાનું હોય છે. નરસિંહ મહેતાથી ગાંધીજી સુધી ઘણાએ ધૂણી ધખાવી પણ હરિને ગળે પડતો માનવી હરિના જનને ગળે વળગાડી શકતો નથી. બંધારણના આર્ટિકલ 21 અંતર્ગત દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો પૂર્ણ હક મળેલો છે. વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણે ગમે તે વ્યક્તિ સાથે રહી શકે છે, લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા પર મોટો ચુકાદો આપ્યો છે. પ્રેમવિવાહને કારણે કરવા પડતા આપઘાત એ સામાજિક, નૈતિક, રાષ્ટ્રીય શરમ છે. પ્રજાતંત્રમાં સ્વતંત્રતાને જ જીવન કહેવામાં આવે છે.
સમવાયતંત્રી બંધારણમાં મોટાભાગે બેવડું નાગરિકત્વ જોવા મળે છે. એક દેશનું અને બીજું રાજ્યનું. જોકે આપણા દેશના બંધારણમાં સમગ્ર દેશ માટે સમાન રૂપે એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અનુસાર દેશનો કોઈ પણ નાગરિક નિર્બાધ રૂપે દેશના કોઈ પણ ખૂણે વિચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ સ્થળેથી ચૂંટણી લડી શકે છે.
બંધારણ દ્વારા પ્રદેશ પર શાસન કરવાની સત્તા કેન્દ્રને સોંપવામાં આવી છે. યુનિયનની યાદી કેન્દ્ર સરકારની જવાબદારીઓને નિર્ધારિત કરે છે. રાજ્યની યાદી રાજ્યનાં કાર્યો અને જવાબદારીઓને ઓળખે છે. ત્રીજી યાદી સમવર્તી યાદી છે, જે બંને સરકારોને લાગુ પડે છે. કેન્દ્ર સરકારો પૉલિસી એજન્ડા તૈયાર કરે છે, નિરીક્ષણ પણ કરે છે, અમલીકરણ માટે વૈધાનિક કાયદાઓનો ઉપયોગ કરે છે. વહીવટ પર એક્ઝિક્યુટિવ નિયંત્રણ, દેશને ચલાવવા માટે નિયમ-નિર્માણ, કુદરતી આપત્તિઓ, રાજકીય કટોકટી, નાણાકીય દેખરેખ, નાણાકીય વ્યવસ્થાપન, બજેટ કેન્દ્રની જવાબદારીઓ હેઠળ આવે છે. રાજ્ય સરકાર રાજ્યના પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા માટે હકદાર છે.
રાજ્ય સરકાર શૈક્ષણિક, કૃષિ ક્ષેત્રોને ચલાવવાં, દેશના એકંદર વિકાસને વેગ આપવા માટે વ્યૂહાત્મક ધ્યેયો અપનાવવાની જવાબદારી સંભાળે છે. બંધારણીય સત્તાવાળાઓ નાગરિકોનાં હિતોના રક્ષક છે.
આર્મી બેન્ડનું પરફોર્મન્સ
ભારત પ્રથમ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાયેલી પરેડમાં આર્મી બેન્ડે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં ખાસ કરીને બેગપાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેગપાઇપ સાંભળીને ભારતીયોમાં અનેરું આકર્ષણ અને ઉત્સાહ જોવા મળ્યાં હતાં
પ્રજાસત્તાક દિવસ થયો જાહેર
26 જાન્યુઆરી, 1930માં પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ લાગુ થયાની તિથિને મહત્ત્વ આપવા માટે 26 જાન્યુઆરી, 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. એ પછી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ ઘોષિત કરવામાં આવ્યો