આપણાં દાળ-શાકના મસાલાઓમાં `ધાણા'નું ઘણું મહત્ત્વ છે. રસોઈમાં સ્વાદ અને સુગંધ લાવવા માટે આપણે તેનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. પ્રાચીનકાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતાં આવ્યા છે. આ વખતે આપણા રસોડામાં બિરાજતાં આ ઔષધ દ્રવ્યનો આયુર્વેદની દૃષ્ટિએ પરિચય મેળવીએ.
ગુણકર્મ
ધાણાના છોડ એકથી દોઢ ફૂટ ઊંચા, અનેક પાતળી શાખાઓવાળા અને સુગંધિત હોય છે. લીલા છોડને આપણે ત્યાં `કોથમીર' કે `કોથમરી' અને તેના ફળને `સૂકાં ધાણા' કહે છે. આયુર્વેદ પ્રમાણે ધાણા સ્વાદમાં તૂરા, કડવા, મધુર અને તીખા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, પચવામાં હળવા, મૂત્ર ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર અને ત્રિદોષનાશક છે. ધાણા તરસ, દાહ-બળતરા, ઝાડા-ઊલટી, દમ, હરસ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડનાર છે. પિત્તના રોગો અને શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવો છે.
ઉપયોગ
- આમવાતના રોગીઓ માટે એક સરળ ઉપચાર આ પ્રમાણે છે. ધાણા, સૂંઠ અને એરંડાનાં મૂળને સરખા વજને લાવી ભેગાં ખાંડી લેવાં. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ભૂકાનો ઉકાળો કરીને પી જવો. નિયમિત પીવાથી અવશ્ય લાભ થશે.
- શરીરની આંતરિક ગરમી માટે ધાણા ખૂબ હિતકારી છે. એક કપ પાણીમાં અધકચરા ખાંડેલા ધાણાનો ભૂકો મેળવી આખી રાત પલાળી રાખો. સવારે ગાળીને આ પ્રવાહી પી જવું. અંતર્દાહ અને પિપાસા મટે છે. પેશાબ છૂટથી થાય છે.
- અજીર્ણમાં આહાર છોડી દઈ ઉકાળીને ઠંડું કરેલું પાણી પી જવું. સાથે સવાર-સાંજ ધાણા અને સૂંઠનો ઉકાળો પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને આમનું પાચન થાય છે.