કેરળના કોઝિકોડ જિલ્લામાં આવેલું નાનકડું ગામ કૂડાથાઈ, જે શાંત અને સામાન્ય ગામડું હતું, પરંતુ વર્ષ 2019 માં એક એવી ઘટનાને કારણે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું કે જેણે ન માત્ર સ્થાનિક લોકોને હચમચાવી દીધા, પરંતુ આખા ભારતને પણ ચોંકાવી દીધું.


આ ચોંકાવનારી ઘટના હતી કૂડાથાઈના એક પરિવારના સભ્યોની સાયનાઈડથી કરવામાં આવેલી હત્યાઓ. આ હત્યાઓ પાછળ જવાબદાર હતી એ જ પરિવારની વહુ. એક સામાન્ય દેખાતી મહિલા જોલી જોસેફ આ હત્યાઓની મુખ્ય આરોપી તરીકે સામે આવી. આ ગુનાઓની કથા એટલી રહસ્યમય અને રોમાંચક છે કે તે કોઈ નવલકથા કે ફિલ્મની પટકથાને પણ ટક્કર આપે છે, પરંતુ આ વાર્તા કાલ્પનિક નથી, તે સત્ય છે. 14 વર્ષના ગાળામાં થયેલી છ હત્યાઓએ કેવી રીતે એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો.

કૂડાથાઈ એક એવું ગામ છે જ્યાં લોકો એકબીજાને ઓળખે છે, એકબીજાનાં સુખ-દુઃખમાં સાથે ઊભા રહે છે. આ ગામમાં રહેતી જોલી જોસેફ એક એવી મહિલા હતી, જેને ગામના મોટાભાગના લોકો ઓળખતા હતા. 47 વર્ષની આ મહિલા બે બાળકોની માતા હતી. ચર્ચમાં નિયમિત જતી હતી. પડોશીઓ સાથે હળીમળીને વાતો કરતી હતી. બહારથી જોતાં તે એક આદર્શ ગૃહિણી હતી, પરંતુ આ સામાન્ય દેખાતી મહિલાના મનમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું, જે ધીમે ધીમે ખૂલવાનું શરૂ થયું.

જોલીની વાર્તા વર્ષ 1997માં શરૂ થાય છે, જ્યારે તે રોય થોમસ નામના યુવાનને મળી. રોયના કાકાના ઘરે થયેલી આ મુલાકાત પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેઓએ લગ્ન કરી લીધા. રોયનો પરિવાર કે જેમાં તેનાં માતા-પિતા અન્નામ્મા અને ટોમ થોમસનો સમાવેશ થતો. લગ્ન બાદ બધાં સાથે રહેવા લાગ્યાં, પરંતુ કોણ જાણતું હતું કે આ લગ્ન એક એવા કાતિલ ષડ્યંત્રની શરૂઆત હશે કે જે આખા પરિવારને નાશ કરી દેશે?

વર્ષ 2002માં રોયનાં માતા અન્નામ્મા કે જે 57 વર્ષનાં હતાં, અચાનક બીમાર પડ્યાં. તેમને અચાનક જ ઊલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યાં. થોડા જ કલાકોમાં તેમનું મૃત્યુ થયું. ડોક્ટરોએ આ ઘટનાને હૃદયરોગનો હુમલો ગણાવ્યો અને રોયના સમગ્ર પરિવારે આ વાત સ્વીકારી લીધી. આ મૃત્યુ પર કોઈએ શંકા પણ ન કરી. આખરે અન્નામ્મા વૃદ્ધ હતાં અને આવું થવું સામાન્ય લાગતું હતું, પરંતુ આ મૃત્યુ સામાન્ય નહોતું. બાદમાં તપાસમાં ખુલાસો થયો કે અન્નામ્માને સાયનાઈડ આપવામાં આવ્યું હતું. સાયનાઇડ એક ઝેરી રસાયણ છે કે જે શરીરમાં પ્રવેશતાં જ મૃત્યુનું કારણ બને છે.

અન્નામ્માના મૃત્યુથી પરિવાર શોકમાં ડૂબી ગયો, પરંતુ જોલી શાંત રહી. તેણે પોતાની રોજિંદી દિનચર્યા ચાલુ રાખી. આ ઘટના બાદ ઘરની તમામ જવાબદારીઓ તેના માથે આવી ગઈ. પરિવારના સભ્યોને લાગ્યું કે જોલી એક જવાબદાર વહુ છે કે જે દુઃખની ઘડીમાં પણ ઘરને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે, પરંતુ આ શાંતિ લાંબી ન ચાલી.

અન્નામ્માનાં મૃત્યુનાં છ વર્ષ બાદ એટલે કે વર્ષ 2008માં રોયના પિતા ટોમ થોમસ, જે 66 વર્ષના હતા, તેમનું પણ અચાનક મૃત્યુ થયું. મૃત્યુ સમયે તેમની સ્થિતિ અને લક્ષણો પણ અન્નામ્મા જેવાં જ હતાં: પહેલાં ઊલટી થવી, સાથે સાથે ચક્કર આવવાં અને પછી થોડી જ વારમાં મૃત્યુ થવું. આ વખતે પણ ડોક્ટરોએ હૃદયની સમસ્યાને મૃત્યુનું કારણ ગણાવ્યું. પરિવારે ફરી એકવાર આ વાતને સ્વીકારી લીધી અને કોઈએ શંકા ન કરી, પરંતુ પાછળથી તપાસમાં ખબર પડી કે ટોમ થોમસને પણ સાયનાઈડ આપવામાં આવ્યું હતું.

આ બે મૃત્યુઓએ પરિવારને નબળો પાડી દીધો, પરંતુ જોલીની દિનચર્યામાં કોઈ ફેરફાર ન આવ્યો. તે હજી પણ ચર્ચમાં જતી, પડોશીઓ સાથે હસીને અને હળીમળીને વાતો કરતી અને ઘરની જવાબદારીઓ નિભાવતી. આ બધું એક નાટક હતું અને આ નાટકના પડદા પાછળ એક ખતરનાક યોજના છુપાયેલી હતી.

વર્ષ 2011માં જોલીના પતિ રોય થોમસનું મૃત્યુ થયું. રોય કે જે મૃત્યુ સમયે 40 વર્ષના હતા. એક સાંજે ઘરે આવ્યા, જમ્યા અને થોડી વાર પછી તેમને ઊલટી અને ચક્કર આવવાનાં શરૂ થયાં. થોડા જ કલાકોમાં તેમનું મૃત્યુ થયું. આ વખતે રોયના મૃત્યુએ પરિવારમાં શંકા જન્માવી. રોય યુવાન હતા, સ્વસ્થ હતા અને તેમનું આવું અચાનક મૃત્યુ સામાન્ય લાગતું ન હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે રોયના શરીરમાં સાયનાઈડની હાજરી હતી. આ રિપોર્ટે પરિવાર અને પોલીસને ચોંકાવી દીધા, પરંતુ તે સમયે કોઈએ જોલી પર શંકા ન કરી. રોયનું મૃત્યુ આત્મહત્યા તરીકે નોંધાયું અને કેસ બંધ થઈ ગયો.

રોયના મૃત્યુ બાદ જોલીએ પોતાને એક વિધવા તરીકે રજૂ કરી અને લોકોની સહાનુભૂતિ મેળવવાનું શરૂ કર્યું. તે ચર્ચમાં વધુ સક્રિય થઈ અને લોકોને કહેવા લાગી કે તે રોયની યાદમાં માંડ માંડ પોતાનું જીવન ગુજારી રહી છે, પરંતુ આ બધું એક નાટક હતું. રોયના મૃત્યુ બાદ જોલીએ ઘરની સંપત્તિ અને જવાબદારીઓ પર પોતાનો કબજો જમાવ્યો.

વર્ષ 2014માં રોયના કાકા મન્જાદિયિલ મેથ્યુનું મૃત્યુ થયું. મેથ્યુ જે 68 વર્ષના હતા, તેમને પણ ઊલટી અને ચક્કરની ફરિયાદ થઈ અને થોડી વારમાં તેમનું મૃત્યુ થયું. આ વખતે પણ કોઈએ શંકા ન કરી, પરંતુ બાદમાં તપાસમાં ખબર પડી કે મેથ્યુને પણ સાયનાઈડ આપવામાં આવ્યું હતું.

વર્ષ 2016માં આ ગુનાખોરીનો સૌથી હૃદયદ્રાવક ભાગ સામે આવ્યો. રોયના પિતરાઈ ભાઈની બે વર્ષની પુત્રી આલ્ફાઈનનું મૃત્યુ થયું. આલ્ફાઈનને જમવામાં સાયનાઈડ આપવામાં આવ્યું હતું અને તેનું નાનકડું શરીર આ ઝેરનો સામનો ન કરી શક્યું. આ મૃત્યુએ પરિવારને હચમચાવી દીધો, પરંતુ વધુ એક વખત કોઈએ જોલી પર આંગળી ન ઉઠાવી. વર્ષ 2016માં જ સિલી નામની એક મહિલા કે જે રોયના પિતરાઈ ભાઈની પત્ની હતી, તેનું પણ મૃત્યુ થયું. સિલીનાં લક્ષણો પણ અન્ય મૃત્યુઓ જેવાં જ હતાં: ઊલટી, ચક્કર, અને ઝડપી મૃત્યુ. બાદમાં તપાસમાં ખબર પડી કે સિલીને પણ સાયનાઈડ આપવામાં આવ્યું હતું. સિલીના ભાઈએ આરોપ લગાવ્યો કે તેની બહેનની હત્યા જોલીની જાણકારીથી થઈ હતી.

વર્ષ 2019 સુધી આ છ મૃત્યુઓને કોઈએ એકબીજા સાથે જોડ્યાં નહોતાં, પરંતુ રોયની બહેન રેન્જી થોમસને શંકા થઈ. રેન્જીએ નોંધ્યું કે આ બધાં મૃત્યુઓમાં એક સમાનતા હતી. બધા મૃતકો જોલીના નજીકના સંબંધીઓ હતા અને બધાંને ઊલટી અને ચક્કરની ફરિયાદ થઈ હતી. રેન્જીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ થઈ.

પોલીસે રોયના પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફરી તપાસ કરી અને સાયનાઈડની હાજરીની પુષ્ટિ થઈ. આ રિપોર્ટે પોલીસને અન્ય મૃત્યુઓની તપાસ તરફ દોરી. જ્યારે પોલીસે જોલીની

પૂછપરછ કરી ત્યારે તેણે શરૂઆતમાં છ હત્યાઓની કબૂલાત કરી, પરંતુ બાદમાં આલ્ફાઈનની હત્યા તેણે નથી કરી એમ પોતાનું નિવેદન બદલી નાખ્યું.

ત્યારબાદ 5 ઓક્ટોબર, 2019ના રોજ પોલીસે જોલીની ધરપકડ કરી અને તેની સાથે બે અન્ય આરોપીઓ, એમ.એસ. મેથ્યુ અને પ્રજીકુમાર જેઓએ જોલીને સાયનાઈડ પૂરું પાડ્યું હતું, તેમની પણ ધરપકડ કરી. તપાસમાં ખબર પડી કે જોલીએ આ હત્યાઓ પૈસા, સંપત્તિ અને વ્યક્તિગત સંબંધોના લીધે કરી હતી. તેણે રોયના મૃત્યુ બાદ એક નવો સંબંધ શરૂ કર્યો હતો અને તેના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા.

કડક પૂછપરછ દરમિયાન જોલીએ પોતાનો ગુનો કબૂલી લીધો. પછી તેણે પોલીસને આખી વાત કહી. જોલીએ જણાવ્યું કે તેણે તેની સાસુની હત્યા એટલા માટે કરી, કારણ કે તે ઘરના બધા હિસાબ રાખતી હતી અને પોતાને (જોલીને) આ ગમ્યું નહીં. તેણે પોતાના સસરાની હત્યા કરી, કારણ કે જ્યારે તેને અને તેના પતિને પૈસાની જરૂર હતી, ત્યારે તેના સસરાએ જમીનનો ટુકડો વેચીને તેમને પૈસા આપ્યા હતા, પરંતુ એ બાદ તેના સસરાએ એવી જાહેરાત કરી કે હવે તેમને મિલકતમાંથી કંઈ મળશે નહીં. જોલીને આ ગમ્યું નહીં અને તેણે તેમને પણ મારી નાખ્યા.

સમય જતાં જોલીની પોતાના જ પતિ રોય સાથે પણ અનબન થવા લાગી, કારણ કે રોય દારૂનો વ્યસની બનવા લાગ્યો હતો. એટલા માટે જોલીએ તેને પણ મારી નાખ્યો. આ દરમિયાન જોલીને તેના પતિના પિતરાઈ ભાઈ સાજુ થોમસ ગમવા લાગ્યો હતો, પણ તે પહેલાંથી જ પરિણીત હતો અને જોલી તેને કોઈ પણ કિંમતે મેળવવા માગતી હતી. એટલા માટે તેણે સાજુની પત્ની અને પુત્રીની હત્યા કરી. તે જ સમયે તેણે મેથ્યુની હત્યા કરી, કારણ કે રોયના મૃત્યુ પછી તે જ વ્યક્તિ હતો જેણે પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.

પોલીસે રોયના પિતરાઈ ભાઈ સાજુની પણ ધરપકડ કરી, કારણ કે તેણે જોલી સાથે તેની પત્ની અને પુત્રીના મૃત્યુ પછી જ લગ્ન કર્યાં હતાં, પરંતુ પોલીસને સાજુ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહીં. જે બાદ તેને છોડી દેવામાં આવ્યો. પોલીસનું માનવું હતું કે આ 6 હત્યાઓ પાછળ જોલી જ એકલી જ હતી અને સાજુને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.

વર્ષ 2020માં પોલીસે રોય થોમસની હત્યાના કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટમાં જોલીને મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું. બાકીની હત્યાઓની તપાસ પણ ચાલુ રહી. કોર્ટના રેકોર્ડમાં નોંધાયું છે કે જોલીએ સાયનાઈડનો ઉપયોગ કરીને આ હત્યાઓને અંજામ આપ્યો હતો અને તેની યોજના એટલી ચોક્કસ હતી કે ઘણાં વર્ષો સુધી કોઈને શંકા ન ગઈ.

જોલીનું વ્યક્તિત્વ આ કેસનું સૌથી રહસ્યમય પાસું છે. બહારથી તે એક સામાન્ય, ધાર્મિક અને નિર્દોષ મહિલા હતી, પરંતુ તેના અંદરથી તે એક ઠંડું કાળજું ધરાવતી ગણતરીબાજ ગુનેગાર હતી. તેણે ન માત્ર પોતાના પરિવારના સભ્યોની હત્યા કરી, પરંતુ એક નાનકડી બાળકીને પણ ન છોડી. તેની આ નિર્દયતાએ મનોવિજ્ઞાનીઓ અને ગુના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા.

જોલીના પુત્રએ એકવાર કહ્યું હતું કે તેની માતા એકલી આટલી હત્યાઓ ન કરી શકે. આ નિવેદનથી એવું લાગે છે કે આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, પરંતુ પોલીસની તપાસમાં જોલી જ મુખ્ય આરોપી તરીકે સામે આવી.

જોલીના ગુનાઓ પાછળનો હેતુ હજી પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. પોલીસનું માનવું છે કે તેણે આ હત્યાઓ સંપત્તિ, પૈસા અને વ્યક્તિગત સંબંધોના લીધે કરી. રોયના મૃત્યુ બાદ તેણે ઘરની સંપત્તિ પર કબજો કર્યો એક નવો સંબંધ શરૂ કર્યો. તેના પરિવારના સભ્યો જે આ સંબંધની વિરુદ્ધ હતા, તેમની હત્યા કરવામાં આવી. આ ઉપરાંત જોલીએ નકલી દસ્તાવેજો બનાવ્યા, જેમાં તેણે પોતાને એક શિક્ષિત મહિલા અને પ્રોફેસર તરીકે રજૂ કરી.

કૂડાથાઈ સાયનાઈડ હત્યાઓએ ન માત્ર રોયના પરિવારને, પરંતુ આખા ગામ અને દેશને હચમચાવી દીધા. લોકોને વિશ્વાસ નહોતો આવતો કે એક સામાન્ય દેખાતી મહિલા આટલો ભયાનક ગુનો કરી શકે! આ કેસે ગુનાખોરીના મનોવિજ્ઞાન અને સમાજના વિશ્વાસ પર ઊંડી અસર કરી. લોકો એકબીજા પર વિશ્વાસ કરતાં ડરવા લાગ્યા અને આ ઘટનાએ ગામની શાંતિને હંમેશ માટે ખલેલ પહોંચાડી.

  • Follow us on: