કપૂરિયા
સામગ્રી : 1 વાટકી ચોખા, અડધી વાટકી ચણાદાળ, પા વાટકી તુવેરની દાળ, 2 ચમચી સફેદ તલ, લીમડો, રાઈ, જીરું, મીઠું, તેલ, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 4 ચમચી તુવેરના દાણા
રીત : સૌ પ્રથમ ચોખા અને બંને દાળને મિક્સરમાં પ્લસ મોડ પર રાખી જાડો લોટ તૈયાર કરી લો. ત્યારબાદ એક કડાઈમાં લોટ હોય તેનાથી દોઢ ગણું પાણી લો. તેમાં જીરું, તલ, મીઠું નાખી ઉકાળો. પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ નાખી હલાવો. તેમાં તુવેરના અધકચરા દાણા પણ નાખો. હવે પાણી ઉકળે એટલે ગેસ ધીમો કરી લોટ નાખી હલાવતા રહો અને ખીરું તૈયાર કરી લો. આ ખીરાને થાળીમાં લો અને તેલ નાખી મસળો. પછી તેમાંથી નાના ગોળા વાળી વચ્ચે કાણું પાડી કપૂરિયા તૈયાર કરી લો. ત્યારબાદ એક વાસણમાં પાણી નાખી ઉપર ચારણીમાં બધા કપૂરિયાને વરાળમાં બાફી લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, તલ નાખી બધા કપૂરિયાને વઘારી લો. ગરમાગરમ કપૂરિયાને લીલી ચટણી સાથે સર્વ કરો.
માવામલાઈ ચીકી
સામગ્રી : 1 વાટકી સીંગનો ભૂકો, અડધી વાટકી તલનો ભૂકો, અડધી વાટકી મલાઈ, 100 ગ્રામ માવો, 2 વાટકી ખાંડ, 2 ચમચી ઝીણા કતરેલાં પિસ્તાં
રીત : સૌ પ્રથમ સીંગ, તલના ભૂકાને મિક્સ કરો. ત્યારબાદ એક કડાઈમાં ખાંડ અને તે ખાંડ ડૂબે તેટલું પાણી લો. હવે દોઢ તારી ચાસણી તૈયાર કરો. તેમાં તલ, સિંગનો ભૂકો, મલાઈ અને માવો નાખી મિક્સ કરો. સરખી રીતે મિક્સ કરીને પ્લેટફોર્મ પર ઘી લગાવી ત્યાં પાથરો. હલકે હાથે વેલણથી વણી તેનાં પર પિસ્તાં નાખો. ફરીથી વેલણ ફેરવો. હવે ચોરસ પીસ કરી સર્વ કરો.
બાજરાના પુડલા
સામગ્રી : 1 વાટકી બાજરાનો લોટ, ઝીણાં સમારેલાં ટામેટાં અને ડુંગળી ચાર ચમચી, 2 નંગ લીલાં મરચાં, કોથમીર, મીઠું, તેલ
રીત : સૌ પ્રથમ બાજરાના લોટને એક બાઉલમાં લો અને તેમાં થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી લો. પછી તેને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઝીણાં સમારેલાં ટામેટાં-ડુંગળીને તેમાં નાખો. લીલાં મરચાંને પણ કટકા કરી નાખો. કોથમીર, મીઠું નાખી એકરસ કરો. પછી નોનસ્ટિક તવીમાં તેલ મૂકી ખીરામાંથી નાના પુડલા તૈયાર કરો. તેને બંને બાજુથી શેકી લો. આ પુડલાને સોસ સાથે સર્વ કરો.
મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી
સામગ્રી : 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ પિસ્તાં, 100 ગ્રામ અખરોટ, 300 ગ્રામ ખાંડ, 2 ચમચી ઘી
રીત : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી કાજુ, બદામ, પિસ્તાં અને અખરોટને ઘીમાં સાંતળી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં ખાંડ નાખી તેને મીડિયમ ગેસ પર કેરેમલ થવા દો. સાંતળેલાં કાજુ, બદામ, પિસ્તાં અને અખરોટને નાખી સરખી રીતે મિક્સ કરો. પ્લેટફોર્મ પર ઘી લગાવી તેના ઉપર આ મિશ્રણને એકસરખું પાથરો. તેના પીસ પાડી સર્વ કરો.
