યુધિષ્ઠિરે કહ્યું, `હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશી વ્રતવિધિ જાણવા ઉત્સુક છું. તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો.'

શ્રીકૃષ્ણે કહ્યું, `હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તમને કહી સંભળાવું છું.

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી.

પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યાં નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ગયું. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં'

રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે. સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યાં લાગે છે. જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી રાજા માંધાતા દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, `હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકો માટે આ વ્રત હિતકારી અને પ્રીતકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ પદ્મા એકાદશીનું વ્રત કરવું જોઈએ.'

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. જેના પ્રતાપે મૂશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની. પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુ:ખ પણ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

અષાઢ સુદ અગિયારશે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવો. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ. દેવશયની એકાદશીને દેવપોઢણી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. મોં માગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખુંય વર્ષ સુધરે. એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યોનો જન્મારો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો.

ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણાં, કારેલાં, કોળું વગેરે શાક વર્જ્ય ગણવાં જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળાં કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ.

ચાતુર્માસમાં યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રત ધારી `ૐ નમો નારાયણ।' મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ જપે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે.


  • Follow us on: