• ધોળાવીરા પર ખોદકામ કરવાથી સિંધુ સભ્યતાના ઉત્થાન અને પતનના પુરાવાને જોતાં સાત સાંસ્કૃતિક ચરણોનો ખ્યાલ આવે છે

ગુજરાતના કચ્છના રણમાં આવેલા હડપ્પા કાળના સ્થળ ધોળાવીરાને 2020માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરનું સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ એશિયામાં આવેલાં મુખ્ય સ્થળોમાં ધોળાવીરાનો ઇતિહાસ ત્રીજી શતાબ્દી ઈસા-પૂર્વથી લઈને બીજી શતાબ્દી ઇસા પૂર્વના મધ્ય સુધી હોવાનું જણાવવામાં આવે છે. એ કાળમાં પણ તેની વ્યવસ્થા અદભુત હતી.

ગુજરાતમાં કચ્છનું રણ આવેલું છે જેને મીઠાનું રેગિસ્તાન પણ કહેવામાં આવે છે. આશરે 23,000 વર્ગ ફીટમાં ફેલાયેલું વિશાળ રણ ક્યારેક દરિયાનો ભાગ હતો, પરંતુ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દરિયાકિનારે 150 એકર વિસ્તારમાં વસેલું શાનદાર મહાનગર હતું. આ મહાનગર સમૃદ્ધ અને સંપન્ન હતું એવું તેના અવશેષો પરથી લાગે છે. આ સ્વર્ણકાળમાં દરિયાઈ રસ્તે ભારતીયોનો મેસોપોટેમિયાથી વેપાર થતો હતો. આ મહાનગર ત્યારે વસ્યું હતું જ્યારે વેદ, પુરાણ અને ઉપનિષદ લખવામાં આવ્યાં નહોતાં. આ શહેરની પોતાની લિપિ અને પોતાની ભાષા પણ હતી જેને આજ સુધી કોઇ વિદ્વાન વાંચી શક્યું નથી.

ધોળાવીરામાં એક જેવાં મકાન, પાક્કા રસ્તા, ગટર યોજના આ બધું જ હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ આખા નગરમાં ધાર્મિક સ્થળોના કોઈ અવશેષ મળી આવ્યા નથી. એટલું જ નહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિઓ પણ મળી નથી આ નગરમાં અંતિમસંસ્કારની વ્યવસ્થાના ભાગરૂપે મૃત્યુ બાદ લોકોને દફનાવવામાં આવતા હતાં. અહીં શહેરની ચાર દીવાલોની બહાર મોટા પાયે બનાવેલું એક વિશાળ કબ્રસ્તાન પણ મળ્યું હતું. ધોળાવીરા નગર એક પ્રોટો ઐતિહાસિક કાંસ્ય યુગની શહેરી વસતીની એક અસાધારણ મિશાલ હતી. ધોળાવીરાનું અદભુત સિટી પ્લાનિંગ, શહેરની કિલ્લાબંધી, તળાવ અને જળ નિકાસ વ્યવસ્થા અને નિર્માણ સામગ્રીના રૂપમાં પથ્થરનો ઉપયોગ ધોળાવીરાના અનોખાપણાને દર્શાવે છે.

કચ્છમાં અત્યારે જેમ પાણીની ઊણપ છે એવી ઊણપ ધોળાવીરાના સમયમાં પણ હશે એટલે પાણીનો સંગ્રહ કરવા માટે ત્યારે લોકોએ તળાવો ઉપરાંત રોક કટ કૂવા બનાવ્યા હતા. મનસર અને મનહર આ બંને સ્થાનીય નદીઓની વચ્ચે વસેલા પ્રાચીન શહેરમાં પાણીની ઊણપ કદાચ આ નદીઓનાં પાણીથી થતી હતી. એ વખતે નદીઓનો સ્ત્રોત સરસ્વતી નદી હશે, પણ એનું નામોનિશાન મળ્યું નથી, પરંતુ મનહર અને મનસર નદીઓનાં ચિહન આજે પણ સૂકી નદી તરીકે છે. અહીં જમીનની અંદર પથ્થરની સ્લેટોમાંથી પાણીની ટાંકી બનાવવાની અદભુત અને દુર્લભ કળા જોવા મળે છે. એના ઉપરથી પુરાતત્ત્વ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું કે અહીં પાણીની તંગી રહેતી હશે અને લોકો એ માટે સંઘર્ષ કરતાં હશે.

ધોળાવીરાને લઈને ભારતીય પુરાતત્ત્વ વિભાગનું કહેવું છે કે, આ સાઇટ પર ખોદકામ કરવાથી સિંધુ સભ્યતાના ઉત્થાન અને પતનના પુરાવાને જોતાં સાત સાંસ્કૃતિક ચરણોનો ખ્યાલ આવે છે. પહેલી સંસ્કૃતિ ટેરાકોટા અને કાંસ્ય યુગની હતી. સંસ્કૃતિના બીજાથી પાંચમા સ્તર પર લોકોએ તેને આધુનિક શહેર વસાવ્યું હતું. પછી સાતમા તબક્કામાં આ શહેરનો નાશ થયો. એ પછી નાનાંમોટાં ગામ અને કબીલા બની ગયાં. ધોળાવીરાની લિપિ, ચિત્ર આ સમાજના વિશ્વાસ, પરંપરા અને અનમોલ સાહિત્યની એક છબી રજૂ કરે છે. ધોળાવીરાના અવશેષોને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરીને યુનેસ્કોએ સમગ્ર દુનિયાનાં પુરાતત્ત્વોની સામે જ્ઞાનની નવી દુનિયા મૂકી દીધી છે. પાંચ હજાર વર્ષ પહેલાંના આ મહાનગરની ભવ્યતા કેવી હશે તેને આજે પણ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.


  • Follow us on: