તમિલનાડુના તૂતીકોરિન જિલ્લામથકથી 30 કિલોમીટર દૂર, શિવગલાઈ નામનું એક ધૂળિયું ગામ છે. તેની કુલ વસ્તી 11,000ની છે. એક હાઈસ્કૂલ છે, એક માધ્યમિક સ્કૂલ છે અને ચાર પ્રાથમિક સ્કૂલ છે. હાઈસ્કૂલમાં, એ. માણિકમ નામના એક શિક્ષક છે, જે ઈતિહાસ ભણાવે છે.


રોજ સવારે ચાલવાના શોખીન માણિકમ પોતે એક જિજ્ઞાસુ વ્યક્તિ છે. ઊબડખાબડ ધૂળિયા રસ્તા પર આવતાં-જતાં તેમને જમીનમાંથી ક્વચિત નીકળી આવતી વસ્તુઓ નજર આવતી હતી. તે તેને ઉપાડી લેતા અને ઘરે લઇ આવતા.

તેમણે આવી રીતે પથ્થરનાં સાધનો, ધાતુની વસ્તુઓ અને માટીનાં વાસણો ભેગાં કર્યાં હતાં. ધીમે ધીમે માણિકમને ખ્યાલ આવ્યો કે આ ગામનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ હોવો જોઈએ. તેમને એ પણ ખબર હતી કે પુરાતત્ત્વવેત્તા અને ઈતિહાસકારો નજીકમાં આદિચનલ્લુર જેવી પ્રાચીન જગ્યાઓ પર અભ્યાસ કરે છે, પણ શિવગલાઈ તરફ તેમની નજર પડી નથી.

આ દસ વર્ષ પહેલાંની વાત છે. ગામની ભૂમિમાં એક અનોખો અતીત દબાયેલો પડ્યો છે તેનો અંદેશો માત્ર આ શિક્ષકને જ હતો. તેમને લગની લાગી હતી. જેમ જેમ તેમનો સંગ્રહ વધતો ગયો, તેમ તેમ તેમની મહત્ત્વાકાંક્ષા પણ વધતી ગઈ. ઘરમાં જગ્યા ઓછી પડતાં માણિકમે આ કલાકૃતિઓને સાચવવા માટે તેને અન્ય લોકો સાથે વહેંચવાનું શરૂ કર્યું.

તેમાંથી તેમણે સ્કૂલમાં શિવગલાઈ પુરાતત્ત્વીય સંરક્ષણ મંચની સ્થાપના કરી. તેમનું ધ્યેય સરળ હતું, કલાકૃતિઓને એક નાની ગેલેરીમાં પ્રદર્શિત કરવી, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી અને તેમને તેમના પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવા.

તે સાથે જ તેમણે લાગતાવળગતા અધિકારીઓનું ધ્યાન પણ ખેંચવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કંઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. 2018માં જ્યારે મીડિયાએ તેમની શોધમાં રસ લીધો, ત્યારે અતીતને ખોદવાના અભિયાનમાં વળાંક આવ્યો.

ગામમાંથી કલાકૃતિઓ મળે છે તેવા સમાચાર ફેલાવા લાગ્યા અને સ્થળ પરના મુલાકાતીઓ વધવા લાગ્યા. તેમ છતાં સત્તાવાળાઓ તરફથી ઔપચારિક માન્યતાના અભાવને કારણે માણિકમ હતાશ હતા. છેવટે તેમણે જાતે જ આગળ વધવા માટે મુથલંકુરિચી કામારાસુ નામના લેખક સાથે હાથ મિલાવ્યા, જેઓ આદિચનલ્લુર પુરાતત્ત્વીય સર્વેક્ષણ અહેવાલ બહાર પાડવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા હતા. તેઓએ સાથે મળીને કામારાસુની અરજીમાં શિવગલાઈ ખોદકામની વિનંતીનો સમાવેશ કર્યો.

એટલું જ નહીં, માણિકમે પુરાતત્ત્વશાસ્ત્રની પોતાની સમજણને આગળ વધારવા માટે તમિલનાડુ ઓપન યુનિવર્સિટીમાંથી પુરાતત્ત્વશાસ્ત્રમાં એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો અને ગામમાં ખોદકામ માટે તેમના કેસને મજબૂત કર્યો. આજે તેઓ પુરાતત્ત્વીય સ્થળો પર પીએચડી કરી રહ્યા છે.

ફેબ્રુઆરી, 2019માં રાજ્ય સરકારે અદાલતને જાણ કરી હતી કે તે શિવગલાઈ ખાતે પુરાતત્ત્વીય ખોદકામ માટે ભંડોળ પૂરું પાડશે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે પણ પોતાનું સર્વેક્ષણ હાથ ધર્યું અને તારણ કાઢ્યું હતું કે વધુ ખોદકામની નોંધપાત્ર સંભાવના છે. શરૂઆતમાં તમિલનાડુ સરકારે આ પ્રોજેક્ટ માટે 31 લાખ રૂપિયાની ફાળવણી કરી હતી. 2019 અને 2022ની વચ્ચે ત્રણ તબક્કામાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જે નોંધપાત્ર શોધ તરફ દોરી ગયું હતું.

આનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારતે દુનિયા સમક્ષ દાવો કર્યો છે કે પૃથ્વી પર લોહ યુગની શરૂઆત, પરંપરાગત માન્યતા પ્રમાણે તુર્કીમાં નહીં, પણ તમિલનાડુમાં થઇ હતી. શિવગલાઈમાંથી લોખંડની વસ્તુઓ સાથે મળી આવેલા ચારકોલના બે નમૂનાઓ ઇસુ પૂર્વે 3,345 અને 3,259 સમયના છે.

આ નવો અભ્યાસ અહીંના લોહ યુગને વિશ્વનો સૌથી જૂનો યુગ બનાવે છે. અગાઉ, હિટ્ટાઇટ સામ્રાજ્ય (હાલના તુર્કીમાં)ના લોકો ઇ. સ. પૂર્વે 1,380માં લોખંડનો ઉપયોગ કરનારા પ્રથમ લોકો હોવાનું માનવામાં આવે છે.

તાજેતરમાં કે. રાજન અને આર. શિવનાથન નામના પુરાતત્ત્વવેત્તાએ લખેલા `આયર્ન એન્ટિક્વિટીઃ રિસન્ટ રેડિયોમેટ્રિક ડેટ્સ ફ્રોમ તમિલનાડુ' અભ્યાસનું વિમોચન કરતી વખતે રાજ્યના મુખ્યમંત્રી એમ. કે. સ્ટેલિને ઘોષણા કરી હતી કે, `અમે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કર્યું છે કે તમિલની ભૂમિ પર 5300 વર્ષ પહેલાં લોહ યુગની શરૂઆત થઈ હતી.'

શિવગલાઈના નમૂનાઓનું વિશ્લેષણ ત્રણ મુખ્ય સંશોધન પ્રયોગશાળાઓ: અમેરિકામાં બીટા એનાલિટિક્સ, અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને લખનૌમાં બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓએ આ વસ્તુઓને લગભગ સમાન સમયગાળાની હોવાનું વર્ણવ્યું છે.

લોહ યુગ એટલે માણસે પૃથ્વી પર પહેલીવાર લોઢાનો ઉપયોગ શરૂ કર્યો તે સમય.

માનવ ઈતિહાસમાં આ યુગ પાષણ યુગ અને કાંસ્ય યુગ પછી આવે છે. આ યુગ અલગ અલગ સમયે શરૂ થયો હોવાનું માનવામાં આવે છે, કારણ કે લોખંડના ઉપયોગનું જ્ઞાન ધીમે ધીમે વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાયું હતું, પરંતુ એનાટોલિયાથી ભારતીય ઉપખંડ સુધી તે 1300 બીસીની આસપાસ શરૂ થયું હતું એમ મનાય છે.

વિદ્વાનો માને છે કે શિવગલાઈમાંથી મળેલી વસ્તુઓની તારીખો એ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં લોહ યુગની સંસ્કૃતિ સૂચવે છે, જે સમયગાળામાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ વિકસી હતી.

અહીં ખોદકામ દરમિયાન 161 કળશ મળી આવ્યા હતા, જેમાંથી ઘણા વિવિધ અવસ્થામાં હતા. ટીમને 85થી વધુ લોખંડની વસ્તુઓ પણ મળી આવી હતી, જેમાં છરીઓ, તીરનાં માથાં, છીણી, કુહાડીઓ અને તલવારોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલીક કળશની અંદર મળી આવી હતી.

શિવગલાઈ હવે દુનિયાભરના પુરાતત્ત્વશાસ્ત્રીઓની જિજ્ઞાસાનું કેન્દ્ર બન્યું છે. આનું શ્રેય એ. માણિકમને જાય છે. આ એક માણસની મહેનતના પરિણામે તમિલનાડુની ભૂમિમાં દબાયેલો લોહ યુગ દુનિયા સમક્ષ બહાર આવવાની સ્થિતિમાં છે. માણસો ઈતિહાસ રચે છે તે વાત તો નવી નથી, પણ માણસ ઈતિહાસ શોધે તે નિશ્ચિંતપણે અનોખી ઘટના છે.


  • Follow us on: