• ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું લાગતું હોય તો અજમો ખાવો

એકમાત્ર અજમા(સંસ્કૃતમાં યવાની)માં સેંકડો પ્રકારના અન્ન, આહારનું પાચન કરવાની ક્ષમતા રહેલી છે. `એકા યવાની શતમન્નપાચિકા'. આ ઉક્તિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. અનુભવના આધારે દૃઢતાપૂર્ણ શબ્દોમાં કહી શકાય કે, ઉપર્યુક્ત પંક્તિ-ઉક્તિ પૂર્ણ અંશે સત્ય છે.

 અજમાના મુખ્ય ત્રણ પ્રકાર છે. (1) સાધારણ - દેશી અજમો (2) ખુરાસાની અજમો અને (3) કિરમાણી અજમો. આ ત્રણે અજમાના ઔષધીય ગુણો વિશે અગાઉ લખી ચૂક્યો છું. અહીં માત્ર સાધારણ- દેશી અજમાનો કઈ રીતે ઔષધીય ઉપયોગ કરવો તેનું નિરૂપણ કરું છું.

ઉપયોગો

 (1) ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગડગડાટ હોય, ઓડકારો આવતા હોય તો એક ઉપચાર આ પ્રમાણે છે. સાફ કરેલો, ધોઈને સૂકવેલો અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા જમ્યા પછી સહેજ નવશેકા પાણીથી ફાકી જવો. સવાર- સાંજ ભોજન કર્યા પછી બંને વખત લેવાથી, બે-ત્રણ વખત દિવસમાં જ સારું પરિણામ મળશે.

 (2) અજમાને સારી રીતે પાણીથી ધોઈને સૂકવી લેવો. પછી તેને એક સ્વચ્છ કાચના પાત્ર કે બરણીમાં ભરી, અજમો ડૂબી જાય એ રીતે તેમાં લીંબુનો રસ ભરી દેવો. આ બરણી- પાત્રને તડકામાં ખુલ્લી મૂકી રાખવી. લીંબુનો રસ સુકાઈ જાય એટલે ફરી પાછો લીંબુનો રસ નાંખી સૂકવવું. આવી રીતે સાત વખત લીંબુનો રસ નાંખી સૂકવવું. છેલ્લી વખતે તેને સારી રીતે સૂકવી, બીજી સ્વચ્છ બરણીમાં ભરી લેવો. અડધી ચમચી સવાર-સાંજ બે વખત આ અજમો લેવાથી ઉદર રોગો, મંદ પાચનશક્તિ અને પુરુષત્વ શક્તિ વધારે છે. શુક્રાણુઓની અલ્પ ગતિ, તિર્યક ગતિ કે ગોળ ગોળ ગતિમાં આ ખૂબ જ ઉત્તમ ઔષધ ગણાવ્યું છે.

(3) અજમાનાં ફૂલ 10 ગ્રામ, પીપરમિન્ટ 10 ગ્રામ અને દેશી કપૂર 20 ગ્રામ. આ ત્રણે ચીજો એક મજબૂત ઢાંકણાવાળી કાચની બોટલમાં ભરી દેવી. થોડો સમય પછી આ ત્રણે વસ્તુ મળીને જળસ્વરૂપ થઈ જશે. દાંતનો દુખાવો, કાનનો દુખાવો, પેટની ચૂંક વગેરેમાં આ પ્રવાહી અચૂક ફાયદો આપે છે. દાંતના દુખાવામાં અને કાનના દુખાવામાં તેનાં ત્રણ-ચાર ટીપાં પાડવાં. પેટના દુખાવામાં એક પતાસા ઉપર પાંચ- સાત ટીપાં નાખીને તે ખાવા આપવું. આ જ રીતે અતિસાર, પેટનો દુખાવો, ઊલટી, જીવ મૂંઝાવો, ખાંસી, માથાનો દુખાવો વગેરેમાં આ રીતે જ ઉપયોગ કરવો.

(4) અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર, નાગરવેલનાં પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે. સવાર-સાંજ બે વખત ઉપયોગ કરવો.

(5) નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતા હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક એક ચમચી પાણી દિવસમાં ત્રણ- ચાર વખત આપવું.

(6) અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગના સંચળ સાથે ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે.

(7) અજમો, સિંધાલૂણ, કાળા મરી. આ ત્રણેમાં સરખા વજને ખાવાનો સોડા ઉમેરી બોટલ ભરી લેવી. ભૂખ ન લાગતી હોય, ખાધેલું પચતું ન હોય અને પેટમાં ગડગડાટ હોય તો આ ચૂર્ણ અડધી ચમચી દિવસમાં ત્રણ વખત છાશ સાથે લેવું.

(8) દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટીને તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે.

(9) જૂનો ગોળ અને અજમાનો ઉકાળો કરી દિવસમાં ત્રણ વખત 20-20 મિલિ.ની માત્રામાં આપવાથી સ્ત્રીઓનો માસિક અવરોધ દૂર થઇ નિયમિત માસિક આવે છે.

(10) અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ ઉપયોગ કરવો.


  • Follow us on: