- લાળગ્રંથિની નળીમાં કચરો અથવા કેલ્શિયમના પથ્થર બની જાય તો લાળ નીકળી શકતી નથી, જેથી ગ્રંથિ ફૂલે છે અને કોઈક વાર ઈન્ફેક્શન થાય છે
લાળગ્રંથિઓ આપણા શરીરમાં લાળ બનાવી મોઢામાં નળી વાટે ઠાલવવાનું કામ કરે છે. લાળ આપણને ખોરાક ચાવવામાં અને ગળવામાં મદદ કરે છે. લાળમાં રહેલા રોગપ્રતિકારક શક્તિના કણ મોઢા તથા ગળામાં ઈન્ફેક્શન રોકવામાં પણ મદદ કરે છે. લાળમાં રહેલા અંતસ્ત્રાવ ખોરાક પચાવવામાં મદદ કરે છે તથા દાંતનો સડો અટકાવે છે.
આપણા શરીરમાં મુખ્યત્વે બે પ્રકારની લાળગ્રંથિઓ હોય છે. તે છે મેજર અને માઈનોર. મેજર લાળ ગ્રંથિઓ ચહેરાના બંને ભાગમાં આવેલી હોય છે. જેમાંથી પેરોટિડ સૌથી મોટી છે અને કાનની આગળ આવેલી હોય છે, જે ઉપરના દાંતની પાસે નળી વાટે લાળ પહોંચાડે છે. બીજી છે સબમેન્ડિલ્યુલર. તે નાની છે અને જડબાંની નીચે આવેલી હોય છે, જે જીભની નીચે નળી માટે લાળ મોકલે છે. ત્રીજી છે સબલિન્ગ્યુલ ગ્લેન્ડ, જે ગળામાં સૌથી નાની અને જીભની બંને બાજુ મોઢાના તળિયામાં હોય છે.
જ્યારે માઈનોર લાળગ્રંથિઓ માઈક્રોસ્કોપ સિવાય ન દેખાય તેવી હોય છે, જે હોઠ અને જીભ નીચે તાળવામાં, ગાલમાં, નાકમાં સાઇનસમાં અને સ્વરપેટીમાં આવેલી હોય છે. તે 200થી 1000 જેટલી હોય છે.
લાળગ્રંથિમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રોગ થાય છે
લાળગ્રંથિના માર્ગમાં કચરો
ભરાવાથી થતો સોજો
લાળગ્રંથિની નળીમાં કચરો અથવા કેલ્શિયમના પથ્થર બની જાય તો લાળ નીકળી શકતી નથી, જેથી ગ્રંથિ ફૂલે છે અને કોઈક વાર ઈન્ફેક્શન થાય છે, લાળગ્રંથિમાં પથ્થર થવાનાં મુખ્ય કારણો છે- ડિહાઈડ્રેશન, ખાવાનું ઓછું ખાવું, અમુક દવાઓ કે જે લાળની ઉત્પત્તિ ઘટાડતી હોય છે. નાના પથ્થર તેની જાતે નીકળી જાય છે, પણ જે પથ્થર તેની જાતે ન નીકળી શકે તેને દૂરબીનથી (sialendoscopy) કાઢવામાં આવે છે. કોઈક વાર આખી લાળગ્રંથિ પણ કાઢી લેવી પડે છે.
લાળગ્રંથિમાં ઈન્ફેક્શન
લાળગ્રંથિમાં ઈન્ફેક્શન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે. એક છે વાઇરસ. જેમ કે, મમ્પસ (ગાલ પચોળિયું), ફ્લૂ વગેરેથી થતો સોજો. જે મોટાભાગના સંજોગોમાં તેની જાતે જ મટી જાય છે. બીજો પ્રકાર છે બેક્ટેરિયા જેવા કે સ્ટેફ્રાયલોકોકસ, ઈન્ફ્લુએન્ઝા અને કોઈક વાર ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) પણ લાળગ્રંથિમાં સોજો કરાવે છે, જેને એન્ટિબાયોટિક દવાથી મટાડવો પડે છે. લાળગ્રંથિનો કારણ વગર સોજો મેદસ્વીઓ, પ્રસૂતાઓ, સોરાયસિસ, કિડની ફેલ્યર, થાઈરોઈડની બીમારીમાં તથા ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં થઈ શકે છે.
લાળગ્રંથિની ગાંઠ
આવી ગાંઠના ત્રણ પ્રકાર હોય છે. લાળગ્રંથિમાં ગાંઠ થવાનાં મુખ્ય કારણો ધૂમ્રપાન, રેડિયેશન અને સ્જોગ્રેન્સ સિન્ડ્રોમ છે. ગાંઠના પ્રકાર આ પ્રમાણે છે.
સિસ્ટ
સિસ્ટ મુખ્યત્વે ઈજા, ઈન્ફેક્શન, પથ્થર અથવા ગાંઠના ભાગરૂપે લાળગ્રંથિમાં થતી હોય છે. ઘણાં બાળક જન્મજાત પણ આવી સિસ્ટ લઈને જન્મ્યાં હોય છે. નાની સિસ્ટની કોઈ સારવાર જરૂરી હોતી નથી. જ્યારે મોટી સિસ્ટને ઓપરેશન કરીને કાઢવી પડે છે.
લાળગ્રંથિની સાદી ગાંઠ
આમાં મુખ્યત્વે pleomorphicadenoma અને બીજી warthin's tumor નામની ગાંઠો હોય છે. આ બંને ગાંઠને ઓપરેશનથી લાળગ્રંથિ આખી અથવા થોડી કાઢીને દૂર કરી શકાય છે.
કેન્સરની ગાંઠ
કેન્સરની ગાંઠ માટે મુખ્યત્ત્વે લાળગ્રંથિ અને ગળાનો કેટલોક ભાગ કાઢવાની સર્જરી તથા રેડિયોથેરાપી અને કિમોથેરાપીની સારવાર અપાય છે.
સ્જોગ્રેન્સ સિન્ડ્રોમ
આમાં લાળગ્રંથિ, આંસુ ને પરસેવાની ગ્રંથિના સ્ત્રાવ સુકાઈ જાય છે અને મોઢું સૂકું રહે છે. આમાં દવાથી અને મોઢાના સ્પ્રેથી સારવાર આપવામાં આવે છે.
લાળગ્રંથિના રોગનું નિદાન
ક્લિનિક્લ એક્ઝામિશનમાં ગળા અને મોઢાને તપાસવાની અને જરૂર પડે તો સોનોગ્રાફી, એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઈની મદદ લેવાય છે. કોઈક વાર સલાઈવા ટેસ્ટ પણ કરાય છે.