જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-ઐશ્વર્ય મેળવવાં હોય તો
માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરીને કૃપા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે કે ધનતેરસ. કહેવાય છે કે શ્રદ્ધા ભક્તિભાવથી ધનતેરસ અને દિવાળીના દિવસે વિધિવત્ કરેલા માતા મહાલક્ષ્મીનું પૂજનથી મનુષ્ય પોતાના ઘરમાં અપાર ધન, સુખ, શાંતિ, ઐશ્વર્ય તેમજ વૈભવ પ્રાપ્ત કરી શકે છે. ધનતેરસના પાવન પર્વ પર માતા મહાલક્ષ્મી, યક્ષરાજ ધનપતિ કુબેર તેમજ ધન્વંતરિનું પૂજન શ્રેષ્ઠ ગણાય છે. ધનતેરસના દિવસે શ્રી યંત્ર તેમજ અષ્ટલક્ષ્મી પૂજન ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. ધનતેરસના દિવસે જ સમુદ્રમંથન દરમ્યાન માતા મહાલક્ષ્મી પ્રગટ થયાં હતાં. ત્યારબાદ દેવો, દાનવો,ઋષિમુનિઓ, મનુષ્યો, યક્ષો, ગાંધર્વો તેમજ કિન્નરોએ માતાની સ્તુતિ કરી જેના કારણે માતા મહાલક્ષ્મીજીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય શ્રદ્ધા, ભક્તિભાવ તેમજ પ્રેમ સહિત ધનતેરસના દિવસે મારું પૂજન કરશે તેના પર હું પ્રસન્ન થઈ મનુષ્યને સુખ, શાંતિ, ધન, વૈભવ, રિદ્ધિ-સિદ્ધિ તેમજ યશ-કીર્તિ અને વૈભવ પ્રદાન કરીશ. આ કારણસર માતા મહાલક્ષ્મીજીની પૂજા ધનતેરસે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ધનતેરસની સંક્ષિપ્ત પૂજનવિધિ
સૌપ્રથમ એક બાજોઠ પર લાલ સ્થાપનનું કપડું બિછાવીને તેના પર પ્રચુર માત્રામાં ચોખાની ઢગલી કરીને તેનું અષ્ટદલ બનાવીને અષ્ટદલ પર ત્રાંબાનો કળશ સ્થાપિત કરવો. કળશમાં પાણી ભરીને ગંગાજળનો છંટકાવ કરવો. કળશમાં ફૂલ, ચોખા, સિક્કા તેમજ સોપારી અથવા કમળકાકડી અને નાગરવેલનાં પાન લગાવો. કળશની ચારે બાજુ કંકુ, ચોખા લગાડીને કળશને નાડાછડી (લાલ રંગની) બાંધીને મુખ્ય સ્થાને શ્રી મહાલક્ષ્મીજીની છબી મૂકી દો. તેની બાજુમાં ગાયના ઘીનો દીવો કરીને 5 સુગંધીદાર અગરબત્તી તેમજ ધૂપ કરવાં. સ્થાપન પર 5 ફળ મૂકવાં. આગળના ભાગમાં ગણપતિ ભગવાનની મૂર્તિ અથવા છબી એક નાગરવેલના પાન પર રિદ્ધિ-સિદ્ધિ સાથે સ્થાપિત કરવી. વિવિધ ઋતુ પ્રમાણે ફૂલો, હાર તેમજ ખાસ કરીને કમળનાં ફૂલ માતા મહાલક્ષ્મીજીને ચઢાવવાં તેમજ કમળકાકડીની માળા શ્રી મહાલક્ષ્મીજીને અર્પિત કરવી. તે કળશ ઉપર ત્રાંબાના તરભાણામાં શ્રી યંત્રમ્, શ્રી મહાલક્ષ્મી યંત્ર, શ્રી કુબેર યંત્ર, શ્રી કનકધારા યંત્ર જે પણ ઊપસ્થિત હોય તે સ્થાપિત કરવું. પૂજા શરૂ કરતાં પહેલાં સંકલ્પ લેવો તેમજ શ્રી મહાલક્ષ્મી માતાને પંચામૃત સ્નાન કરાવ્યા બાદ ગંગાજળ દ્વારા સ્નાન કરાવવું. પોતાની ક્ષમતા પ્રમાણે શ્રી મહાલક્ષ્મીજીનો શણગાર જેમ કે, મેંદી, બંગડી, કાજળ, સિંદૂર, ચૂંદડી, વસ્ત્ર, અત્તર વગેરે અર્પણ કરવાં. ત્યારબાદ કમળકાકડીની અથવા સ્ફટિકની માળા પર યથાશક્તિ
॥ ૐ હ્રીં મહાલક્ષ્મયૈ નમઃ ॥
આ મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી તેમજ ભગવાન કુબેરના આ મંત્રનું 7 વાર ઉચ્ચારણ કરવું.
॥ ધ્નાધ્યક્ષાય દેવાય, નરયાનોયવેશિને ।
નમસ્તે રાજ રાજાય, કુબેરાય નમો નમઃ ॥
ત્યારબાદ માતા મહાલક્ષ્મીનું ધન (સિક્કા), યંત્રસહિત પૂજન કરીને શ્રી મહાલક્ષ્મી માતાને સફેદ રંગની મિઠાઈ ધરાવી, આરતી કરવી. આરતી કર્યા બાદ ક્ષમા માંગી ચિરકાળ લક્ષ્મી સ્થિર થાય તે માટે પ્રાર્થના કરવી. આ રીતે શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા થવાથી ધન, વૈભવ, ઐશ્વર્ય, રિદ્ધિ-સિદ્ધિ તેમજ ચોમેર યશ-કીર્તિની પ્રાપ્તિ થાય છે.
દક્ષિણાવર્તી શંખ
દક્ષિણાવર્તી શંખમાં શુદ્ધ ગુલાબજળ ભરીને ધનતેરસના દિવસે, દિવાળીના દિવસે માતા મહાલક્ષ્મી પર અભિષેક કરવાથી કુબેરસમાન ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ શંખને માતા મહાલક્ષ્મીના અભિષેકમાં પ્રયોગ કરતાં પહેલાં તેને કંકુ-અક્ષત ચઢાવી શુદ્ધ મનથી
॥ ઓમ શ્રી દક્ષિણમુખાય શંખાય નમઃ ॥
આ મંત્રની 3 માળા કરીને ત્યારબાદ શ્રી મહાલક્ષ્મીના અભિષેકમાં પ્રયોગ કરવાથી માતા મહાલક્ષ્મી ત્વરિત પ્રસન્ન થઈ જાય છે.
દેવી લક્ષ્મીનાં સ્વરૂપ
આદિ લક્ષ્મી
માતા લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ આદિ લક્ષ્મીનું છે. આદિ લક્ષ્મી ભૃગૃ ઋષિની દીકરી છે. તેમની નિયમિતપણે સાધના કરવાથી સાધકને તમામ પ્રકારનાં સુખ, સંપત્તિ અને મોક્ષ મળે છે.
ધન લક્ષ્મી
આ દેવીને ધનની લક્ષ્મી માનવામાં આવે છે. ધન લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા, જપ અને ધ્યાન કરવાથી સાધકનું ઘર હંમેશાં ધનથી ભરેલું રહે છે. તેને જુદા જુદા સ્ત્રોતમાંથી આવક મળે છે.
સ્વપ્નમાં દેવી
લક્ષ્મીનું દર્શન
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઇ વ્યક્તિના સપનાંમાં દેવી લક્ષ્મી દેખાય છે તો તે શુભ માનવામાં આવે છે. એ વ્યક્તિને અચાનક ધનલાભ થવાનો સંકેત છે. આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા તે વ્યક્તિ ઉપર બની રહે છે.
ઉપાય
ઘણી મહેનત કરવા છતાં જો તમારી પાસે ધન ન ટકતું હોય તો ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી માતા લક્ષ્મીનું પૂજન કરો અને એક જોડી (બે) લવિંગ ચઢાવો. આમ કરવાથી ધન ટકશે અને દરિદ્રતા દૂર થશે.