- ધન્વંતરિનો જન્મ સમુદ્રમંથન વખતે તેરસના દિવસે થયો હતો
- ભગવાન ધન્વંતરિએ તમામ જીવોના સ્વાસ્થ્ય માટે મંત્રો આપેલા છે
- ધન્વંતરિ સાધના ધનતેરસના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે કરવી જોઈએ
ધનતેરશના દિવસે રોગો સામે રક્ષણ, સ્વસ્થ શરીર અને લાંબું આયુષ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન ધન્વંતરિની સાધના સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધન્વંતરિનો જન્મ સમુદ્રમંથન વખતે તેરસના દિવસે થયો હતો અને તેમના હાથમાં અમૃત કળશ હતો. ભગવાન ધન્વંતરિએ તમામ જીવોના સ્વાસ્થ્ય માટે મંત્રો આપેલા છે. ભગવાન ધન્વંતરિ આયુર્વેદ શાસ્ત્રના દેવ તરીકે પણ ઓળખાય છે. તેથી જ આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનો વિશેષ નિયમ અને મહિમા છે. ધનતેરસના દિવસે પરિવાર સાથે ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય સુખાકારી સારી રહે છે અને તમામ રોગ, શોક મૂળમાંથી નાશ પામે છે અને મજબૂત શરીર પ્રાપ્ત થાય છે.
ભગવાન ધન્વંતરિ આયુર્વેદના સર્જક અને આરોગ્યના મુખ્ય દેવતા છે. તમામ ભય અને તમામ રોગોનો નાશ કરનાર દેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર હતા. દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે ધનતેરસના દિવસે ધનપૂજાની સાથે કુબેર પૂજન અને સારા સ્વાસ્થ્ય માટે ધન્વંતરિ પૂજનનું વિશેષ મહત્ત્વ છે. જીવનના સર્જક તરીકે સન્માનિત, જીવંત પ્રાણીઓનું રક્ષણ, આરોગ્ય, તંદુરસ્ત જીવનશૈલી એ ધન્વંતરિ ભગવાનની દેન છે. ભગવાન ધન્વંતરિએ દેવ અને મનુષ્યના જીવન તથા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ ઋષિ વિશ્વામિત્રના પુત્ર સુશ્રુતને આપ્યો હતો. રોગના સંપૂર્ણ નાશ માટે ભગવાન ધન્વંતરિ દ્વારા રચિત ધન્વંતરિ સંહિતા આયુર્વેદનો આધાર ગ્રંથ ગણાય છે.
ધન્વંતરિ સાધનાવિધિ
આ સાધના ધનતેરસના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે સારાં ચોઘડિયાં અથવા હોરામાં કરવી જોઈએ તથા કોઈ પણ મહિનાની શુક્લ પક્ષની તેરસના દિવસે પણ કરી શકાય છે. સાધકે સવારે સ્નાન કરીને પીળા રંગનાં વસ્ત્રો પહેરવાં. આ સાધના દરમિયાન આપને એક બાજોઠ, લાલ કપડું, ત્રણ મુઠ્ઠી ચોખા, ધન્વંતરિ ભગવાનો ફોટો અથવા યંત્ર, ચંદનની અગરબત્તી, ગાયના ઘીનો દીવો, લાલ આસન, રુદ્રાક્ષની માળા, પીળાં પુષ્પો તથા ગુલાબનાં પુષ્પોની જરૂર પડશે.
આ સાધના આપણે આપણા માટે તથા બીજા માટે પણ કરી શકીએ. જે વ્યક્તિ બીમાર છે તેમના નામનો સંકલ્પ કરીને સાધના કરી શકાય. પૂર્વ દિશા બાજુ બાજોઠ (પાટલો) રાખી તેની ઉપર લાલ કપડું પાથરવું. તેની મધ્યમા ત્રણ મુઠ્ઠી ચોખાની ત્રણ ઢગલી કરવી. ત્યારબાદ ભગવાન ધન્વંતરિનો ફોટો અથવા યંત્રનું સ્થાપન કરવું. ગાયના ઘીનો દીવો અને અગરબત્તી કરવી. ત્યારબાદ લાલ કલરના આસન ઉપર પૂર્વ બાજુ મુખ રહે તે રીતે બેસવું અને સંકલ્પ કરવો કે અમારી તબિયત સારી રહે અને અમે આખું વર્ષ સ્વસ્થ ને તંદુરસ્ત રહીએ. શરીર બળવાન રહે. પછી આપે ગુરુનું સ્મરણ કરવું. ગું ગુરુભ્યો નમ: મંત્રની એક માળા કરવી ત્યારબાદ ગં ગણપતયે નમ: મંત્રની 1 માળા કરવી.
ધન્વંતરિ ભગવાનનો ધ્યાનમંત્ર
આ બંને મંત્રની માળા પૂર્ણ થયા પછી ધન્વંતરિ ભગવાનનો ધ્યાનમંત્ર કરવો. હાથમાં પુષ્પ રાખવાં અને આ મંત્ર બોલી પુષ્પ અર્પણ કરવાં.
સત્યં ચ યેન નિરતં રોગ વિદ્યુતં
અન્વેષિતં ચ સવિધિં આરોગ્યમસ્ય્।
ગૂઢં નિગૂઢં ઔષધ્યરૂપમ્
ધન્વંતરિ ચ સતત પ્રણમામિ નિત્યં॥
રુદ્રાક્ષની માળા વડે ધન્વંતરિ મંત્રની 21 માળાનો જપ કરવો.