જ્યોતિષશાસ્ત્રમાં ઘણાં પ્રકારના શાપ જણાવાયા છે. જેમ કે, પિતૃ શાપ, કન્યા શાપ, સર્પ શાપ, માતા શાપ, પત્ની શાપ, ભાઈ શાપ વગેરે. જો આપણી જન્મકુંડળીમાં કોઈ દોષ પેદા થયો હોય તો તેનો સંબંધ પૂર્વજન્મમાં આપણાં કાર્યોનું ફળ હોય છે. જો આપણે પૂર્વજન્મમાં કોઈ ખરાબ કર્મ કર્યું હોય જેમ કે,
- કોઈ કન્યાનું અપમાન કર્યું હોય તો બીજા જન્મમાં જન્મકુંડળીમાં શુક્ર પીડિત થઈ જશે અને આપણને કોઈ પણ રીતે કષ્ટ મળશે.
- તે જ રીતે પોતાના ભાઈનું અહિત કર્યું હોય, સંપત્તિ હડપ કરી હોય તો આ જન્મમાં આપણો મંગળ પીડિત થઈ જશે. જેના લીધે આપણી જન્મપત્રિકામાં મંગળ ગ્રહના કારક એવા પિતૃદોષનું નિર્માણ થશે.
- બરાબર તે જ રીતે નાનાં બાળકોને અથવા મામાને કોઈ રીતે હાનિ પહોંચાડી હોય અથવા આપણા કારણે તેમને કોઈ કષ્ટ પડ્યાં હોય તો આ જન્મમાં બુધ ગ્રહ પીડિત થઈ જશે. તેને લીધે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં નુકસાન થઈ શકે છે.
- કોઈ વૃદ્ધ સ્ત્રી,માતા, દાદીનું અપમાન કર્યું હોય કે તેમને કષ્ટ આપ્યાં હોય તો ચંદ્ર પીડિત થઈ જશે. જેને કારણે આપણા મનમાં હંમેશાં કોઈ ને કોઈ અશુભ વિચાર આવતો જ રહેશે.
- ગુરુ, દાદા, દાદી અથવા દાદાસમાન કોઈ વ્યક્તિનું અપમાન કર્યું હોય, તેમની કોઈ વસ્તુ પડાવી લીધી હોય તો આપણી જન્મપત્રિકામાં ગુરુ ગ્રહને કારણે પિતૃદોષનું નિર્માણ થશે.
- ઘર અથવા વેપારના સ્થળે કામ કરનારા કર્મચારીઓનો હક છીનવી લીધો હોય, તેમને કષ્ટ આપ્યાં હોય, તેમને પૈસા ન આપ્યા હોય તેવામાં શનિ, રાહુ અને કેતુ ગ્રહ પીડિત થઈ જાય છે. તેને લીધે કર્મચારીઓને કારણે જ નુકસાન થાય છે.
- પિતા કે પિતાસમાન વ્યક્તિનું અપમાન કર્યું હોય તો જન્મપત્રિકામાં સૂર્ય પીડિત થઈ જશે.
આ બધી ગ્રહસંબંધી બાબતો હતી, આપણી કુંડળીમાં આ સિવાય પણ ઘણા યોગ બને છે જેને કારણે પિતૃદોષ કે અન્ય દોષ બને છે. સૂર્ય શનિ, રાહુ અથવા કેતુની સાથે બેઠો હોય અથવા દૃષ્ટિ સંબંધ હોય કે પછી તુલા રાશિના સૂર્યનો સંબંધ આ ગ્રહો સાથે હોય તો ગ્રહણ યોગ સમાન ફળ પ્રાપ્ત થશે. આ યોગને કારણે મનુષ્યની પ્રગતિમાં બાધા આવે છે. ભલે પછી તે વિદ્યાઅધ્યયન હોય, કાર્યક્ષેત્ર હોય. અંતર્દશા જાતકની કુંડળીમાં આવે ત્યારે નુકસાન જરૂર થશે અને ભૂતપ્રેત સંબંધિત મુશ્કેલીઓ પણ થઈ શકે છે.










