પ્રશ્ન : મારી ઉંમર 28 વર્ષ છે. મેં સાંભળ્યું છે કે, વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ?


જવાબ : વિટામિન ઇ કેપ્સ્યૂલ ત્વચા માટે આશીર્વાદ છે. એ એન્ટિ ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. વિટામિન ઇ કેપ્સ્યૂલ સ્કિન પર ચમક લાવવાનું, સ્કિનને હાઇડ્રેટ કરવાનું, ખીલ અને એક્ને જેવી સમસ્યાને ઘટાડવાનું અને ચહેરા પર પડતી કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. ચહેરા પર વિટામિન ઇ કેપ્સ્યૂલ લગાવતા પહેલાં ચહેરાને ફેસવોશથી ક્લીન કરી લો. પછી કેપ્સ્યૂલને ટાંકણીની મદદથી સાવધાનીપૂર્વક તોડો. પછી એમાંથી ઓઇલ કાઢીને આંગળીના ટેરવાની મદદથી ચહેરા પર લગાવો. લગાવ્યા બાદ હળવા હાથેથી સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. આંખની નીચેના ભાગમાં પણ તમે માલિશ કરી શકો. એનાથી ડાર્ક સર્કલ ઓછા થશે. વિટામિન ઇ કેપ્સ્યૂલ દિવસ કરતાં રાત્રે લગાવવી જોઇએ. દિવસે લગાવવાથી સનબર્ન થવાની શક્યતા રહેલી છે અને રાત્રે લગાવવાથી જેટલો ફાયદો થાય છે એટલો દિવસે થતો નથી. જેમની ત્વચા ઓઇલી હોય તેમણે ચહેરા પર વિટામિન ઇ કેપ્સ્યૂલ લગાવતા પહેલાં પેચ ટેસ્ટ કરી લેવો જોઇએ. જો માફક ન આવે તો વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. જેમને આ કેપ્સ્યૂલ અનુકૂળ હોય તેમણે નિયમિત રીતે વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.

પ્રશ્ન : મારી ઉંમર 25 વર્ષ છે. મારી ત્વચા પહેલાં કરતાં ડલ થઇ ગઇ છે. ત્વચાને ચમકદાર અને ટાઇટ બનાવવા કયા પ્રકારના હોમમેડ ફેસપેકનો ઉપયોગ કરી શકાય એ અંગે માહિતી આપશો.

જવાબ : સમયની સાથે ત્વચામાં પરિવર્તન આવતું રહે છે. ચહેરા પરના ગ્લોને પરત લાવવા અને ટાઇટ કરવા આ હોમમેડ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. કેળા અને દહીંનો માસ્ક. કેળામાં પોટેશિયમ અને અનેક વિટામિન્સ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. કેળા ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે ત્વચાની કમીને દૂર કરે છે. આ ઉપરાંત દહીં ત્વચાને એક્સફોલાઇટ કરે છે, જેથી ત્વચા સ્વસ્થ દેખાય છે. પેક બનાવવા કેળાને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી દો. એમાં દહીં મિક્સ કરી ત્વચા પર લગાવી દો. પેક સુકાય એટલે સાદા પાણીથી ધોઇ નાંખો. ઓટમીલ અને દૂધનો પેક. ઓટમીલનું કામ ચહેરાની ત્વચાને ટાઇટ કરવાનું છે. જ્યારે દૂધ ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે ચમકદાર બનાવે છે. પેક માટે થોડું ઓટમીલ લઇને એમાં દૂધ એડ કરો. બંનેને મિક્સ કરીને પેક બનાવો. આ પેકને ચહેરા પર લગાવો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઇ લો. કાકડી અને એલોવેરાનો ઉપયોગ પણ કરી શકો. કાકડીના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને ત્વચા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરો ધોઇ લો. આમ, નિયમિત ફેસ પેકનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.


  • Follow us on: