આપણા સામાજિક પરિવારોમાં બનતી અનેક ઘટનાઓ પૈકી કોઇ ને કોઇ ઘટના આપણને રિલેટ કરે જ છે. જેના પર અછડતી નજર નાખીને, ખાસ ભાવુક બન્યા વિના આપણે આગળ વધીએ છીએ.

બિકોઝ આપણે જાણીએ છીએ કે સમાન લાગતી ઘટનાઓનાં મૂળ, પરિવેશ અને કારણો અલગ છે. એટલે બંધબેસતી પાઘડી પહેરીને હરખાવા કે દુઃખી થવા જેવું કશું નથી હોતું. આપણી આજુબાજુ જીવતા લોકોની ક્રિયા-પ્રતિક્રિયા,આઘાત-પ્રત્યાઘાત કે નિંદા-પ્રશંસા હંમેશાં આપણને લક્ષ્યમાં રાખીને નથી હોતી. સો એને પર્સનલી દિલ પર પણ લેવાની જરૂર નથી હોતી, પણ કેટલાક લોકોને એવું લાગે છે કે એમનાં સ્વજન, પરિવાર કે મિત્રો જે કંઇ સારું-નરસું બોલે છે, મજાક-ટીખળ કરે છે એ એમના માટે જ કરે છે અને તેઓ વિના કારણે દલીલ કરે, ઉશ્કેરાઈ જાય કે ખોટું લગાડીને રિસાઈ જાય. જનરલ વાત અને પર્સનલ વાત વચ્ચેની ભેદરેખા તેઓ સમજી શકતા નથી અને વા સાથે લડવા માટે તૈયાર રહે છે. પરિણામે લોકો એમની હાજરીમાં વાત કરવાનું ટાળે છે. એટલું જ નહીં એમના હિતની પણ સાચી વાત કહેતા ડરે છે. મોટાભાગે જેઓ વધારે સંવેદનશીલ, શંકાશીલ અને ઓછા આત્મવિશ્વાસવાળા લોકો હોય છે, તેઓ જનરલ વાતને પણ પર્સનલી લઇને દુઃખ વહોરે છે.

એક નાનકડું ઉદારહણ લઇએ. ચાર-પાંચ મિત્રો ભેગા મળીને ગપ્પાં મારતા હતા. વાતવાતમાં કંજૂસ સ્વભાવની ચર્ચા ચાલી. એ માટે જોક્સ અને જાતજાતનાં ઉપનામો બોલીને મિત્રો હસતા હતા. એકદમ મસ્તીનું વાતાવરણ હતું ત્યાં એક મિત્ર જોરથી બગડીને એલફેલ બોલવા માંડ્યો કે તમે આ બધું મને સંભળાવો છો? મિત્રની મજાક ઉડાવતા તમને શરમ નથી આવતી? મારા મિત્રો આવા નકામા અને બેશરમ હશે એની મને ખબર નહોતી. ગુસ્સામાં એ પગ પછાડીને જતો રહ્યો, એટલું જ નહીં સંબંધો પણ કાપી નાખ્યા. વાસ્તવમાં આ ભાઈ કંજૂસ હતા, ચમડી તૂટે પણ દમડી ન છૂટે એમનો સ્વભાવ. એટલે જનરલ વાતને પર્સનલ લઇ લીધી. જ્યારે અન્ય મિત્રોના મનમાં પણ પેલા મિત્રોની ઉડાવવાનો ખ્યાલ ન હતો. બસ, વાત નીકળી અને મજાક થઇ ગઇ.

જનરલ વાતને પર્સનલી લેવાના પ્રસંગો પતિ-પત્ની વચ્ચે પણ વારંવાર બનતા હોય છે. અગર પતિ કોઇ અન્ય સ્ત્રીઓની બ્યૂટી કે સ્માર્ટનેસ અંગેની ટીકા કરે તો પત્નીને એવું લાગે કે પતિ મને જ સંભળાવે છે. રોજબરોજ આપણે અનેક લોકોને મળીએ, ઘટનાઓને જીવીએ અને વાગોળીએ એમાં દરેકનો ઉદ્દેશ બીજાને ટાર્ગેટ કરવાનો નથી હોતો. જીવનમાં ઘણું-બધું અનાયાસે, સ્વાભાવિક રીતે ચર્ચાતું- બનતું હોય છે એને એક ક્રમ સમજીને આગળ વધવું પડે. નહીંતર આખી જિંદગી ખોટું લગાડવામાં અને દુઃખી થવામાં જ પૂરી થાય. જનરલ વાતને પર્સનલી લેનાર લોકો સાથે કોઇ ખૂલીને વાત નથી કરતું. એમની હાજરીમાં સ્વસ્થ ચર્ચા પણ નથી થતી. ઘણીવાર તેઓ હળવા વાતાવરણને યુદ્ધનું મેદાન બનાવી દે છે અને અંતે તેઓ એકલા પડે છે. નેગેટિવ થિંકિંગ, બાળપણની કડવી યાદો, ઓછો સેલ્ફ એસ્ટીમ કે બીજાના એપ્રૂવલની ઇચ્છા વ્યક્તિને દરેક વાતને પર્સનલી લેવડાવે છે, એનાથી બચવા માટે :

બીજા લોકોના એપ્રૂવલથી ખુશ થવાનું ટાળો.

તમારા ઇમોશન્સને કંટ્રોલમાં રાખો.

અન્ય સાથેના વર્તનની બાઉન્ડરી સેટ કરો.

અન્યની કોમેન્ટ સાચી હોય એવું માનવાની જરૂર નથી અને સાચી હોય તો પણ એ સમયે તમારા માટે જ કહેવાયું હોય એ જરૂરી નથી.

હંમેશાં ડિફેન્સિવ અને એંગ્રી બનવાનું ટાળો.

જ્યારે પણ એવું લાગે કે સામી વ્યક્તિ તમને ટાર્ગેટ બનાવે છે ત્યારે દલીલથી બચો, લાગણીને કાબૂમાં રાખો અને મૌન રહીને સામી વ્યક્તિને ઇગ્નોર કરો.

લોકોને બેનિફિટ ઓફ ડાઉટ આપો, કારણ કે તમારી પણ ગેરસમજ થાય એવું બની શકે.

બીજા તમારા માટે શું કહેશે એની ચિંતા ટાળો.

અગર તમે ઇમોશન્સ પર કંટ્રોલ ન જ રાખી શકો તો ઉશ્કેરાટ વિના શાંતિથી સામી વ્યક્તિને પૂછો કે તમે કોના માટે અને કયા સંદર્ભમાં વાત કરો છો? સ્પષ્ટતાથી ગેરસમજ ટળશે.

દરેક બાબતે ખુદને એટલું મહત્ત્વ આપવાના બદલે જિંદગી છે આવું તો ચાલ્યા જ કરે એવો એટિટ્યૂડ અપનાવો.

પોતાની ક્ષમતા, સ્વભાવ, કામકાજ વગેરે પર વિશ્વાસ રાખો. તમે જે છો એ બેસ્ટ જ છો. બીજાના અભિપ્રાયથી ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

રિએક્ટ કર્યા વિના વાતને હસી કાઢવાથી કે સમયને પસાર થવા દેવાથી મન થોડીવારમાં શાંત થઇ જશે.

મે બી કોઇવાર કશુંક આપણા માટે જ કહેવાયું હોય એથી ગુસ્સે થવાને બદલે એનો સ્વીકાર કરો. મિત્રો કે સ્વજન સાચી વાત કરે અથવા આયનો બતાવે તો એમાં ડરવાનું કેમ? દરેક વ્યક્તિ આ દુનિયામાં પરફેક્ટ નથી હોતી અને હું પણ નથી એવું સ્વીકારી આગળ વધો.

કોઈ તમારા પર પર્સનલી એટેક કરે છે એવું લાગે ત્યારે એના આ આછકલા કૃત્યને હસી કાઢો અને અપરિપક્વતા માટે સહાનુભૂતિ દાખવો.

કોઈ આપણને ઉતારી પાડવાનો કે ક્રિટિસાઈઝ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેના પ્રયત્નને સફળ થવા દેવો કે નહીં એ આપણા હાથમાં છે. જો તમે વાતને પર્સનલી લો છો તો તમે હારો છો અને સામી વ્યક્તિ જીતે છે, પણ તમે એને સહજતાથી લો છો તો તમારી કુનેહની જીત નક્કી છે.