ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા લખનાર અને ખરા અર્થમાં મરદ સાહિત્યકાર એવા નર્મદની બહાદુરીના કિસ્સાઓ તો ઘણા છે, પણ નર્મદની જિંદગીનું સૌથી પ્રચલિત પ્રકરણ એટલે જ્યારે એમણે કલમને ગાદી-તકિયાના સિંહાસન ઉપર મૂકીને કહ્યું હતું કે, `હવે તો હું તારા ખોળે છઉં'. જીવનનિર્વાહ માટે નર્મદ પાસે હવે લખવા સિવાય કોઈ સહારો ન હતો.

એમણે એ જમાનામાં દાંડિયો પીટીને જે ખુમારી બતાવી હતી એ અનન્ય અને અભૂતપૂર્વ હતી. એમણે ખૂબ લખ્યું. દાહક લખ્યું. સમાજની બદીઓ વિશે બેખોફ લખ્યું. લોકોને અને સમાજને તકલીફ પડી જાય એવી વાતો કરી. એ જમાનામાં ફક્ત લખવાનું એ એક જ માધ્યમ હતું - ટીવી કે રેડિયો તો હતા નહીં. એટલે નર્મદને એમની કલમને કારણે બહુ પાવર આપ્યો હતો. તો પણ નર્મદે પોતાના પાવરનો ક્યારેય ગેરઉપયોગ કર્યો ન હતો. નર્મદે ક્યારેય કલમનો ઉપયોગ કરીને પોતાની અંગત અદાવત પૂરી કરી ન હતી.

જમાનો બદલાયો. સમય આગળ વધ્યો. ટેક્નોલોજી આગળ વધી. પહેલાં બહોળા સમુદાયને સંબોધિત કરવા માટે કલમ ને કાગળનું એક માધ્યમ હતું. તેના પછી માઇક્રોફોનનો આવિષ્કાર થયો. ટેલિગ્રામ ને રેડિયો આવ્યા. કલાકારો, વિચારકો, વક્તા, લેખકો, સંતો વગેરેના હાથમાં માઇક આવ્યું. તેઓ એ જમાનાના ઇન્ફ્લ્યુઅન્સર હતા. આ હસ્તીઓનું જન સમુદાય સાંભળતો. માધ્યમો ઓછાં હતાં માટે ઓછાં માધ્યમો પાસે તાકાત વધુ હતી. એક કાગળ કે એક ભાષણ સરકાર ઉથલાવી નાખવા, અંગ્રેજોના શાસન ઉપર મોટો ઘા કરવા માટે સક્ષમ હતા. આટલો પાવર ચંદ લોકોના હાથમાં હોવા છતાં કોઈએ તેનો દુરુપયોગ કર્યાનું યાદ છે? ગાંધીજી ભાષણ કરતા તો હજારો લોકો તેમને સાંભળવા ઊમટતા. ગાંધીજીની પ્રાર્થનાસભામાં બેસવા માટે પડાપડી થતી. ગાંધીજીને એમના સગા મોટા દીકરા સાથે કેટલા બધા પ્રોબ્લેમ હતા. ગાંધીજીએ ક્યારેય પોતાના અંગત પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પોતાના પાવરનો ઉપયોગ કર્યો? સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ વચ્ચે રાજકીય બાબતોને લઈને મતભેદ થતા. ગાંધીજી તે બંનેને વારાફરતી બોલાવીને કે પાસે બેસાડીને નિરાકરણ લાવતા. ક્યારેય આવા મતભેદોનો જાહેર માધ્યમો દ્વારા તમાશો થયો? એ બધા વડીલો અને ભારતીયોના પૂર્વજો આ આઝાદ દેશનો પાયો નાખી રહેલા. ખાનદાની અને સંસ્કારથી ભરેલા એ લોકો હતા. ગર્વ છે અને હોવો જોઈએ કે આપણા પૂર્વસૂરીઓ આવા હતા. આપણા દેશના ઘડવૈયાઓનું નામ દુનિયાભરમાં આપણે માથું ઊંચું કરીને લઈ શકીએ છીએ.

પછી જમાનો બદલાયો. સિનેમાનું ચલણ વધ્યું. ઘરે ઘરે ટીવી ને રેડિયો આવતા થયા. ક્રિકેટનો ફેલાવો વધ્યો. નાટકો શેરીમાંથી સ્ટેજ સુધી પહોંચ્યાં. વક્તવ્યો ને મોટિવેશનલ સ્પીચની નવી દુનિયા વિકસિત થઈ. સિત્તેરના દાયકા આસપાસ મોલ કલ્ચર અમેરિકામાં શરૂ થયું. ગેમઝોન બન્યા. મોલમાં લોકો ખૂબ બહોળી સંખ્યામાં ભેગા થતા. ગેમઝોનમાં બાળકોને લઈને ઘણી પ્રવૃત્તિઓ થતી. રંગારંગ કાર્યક્રમોથી લઈને પ્રાઇવેટ કોર્પોરેટ ઇવેન્ટ સુધી ઘણું થવા લાગ્યું. જાહેર માધ્યમોમાં વૈવિધ્ય વધ્યું. પબ્લિક સુધી પહોંચવાનાં ઘણાં માધ્યમો અને રસ્તાઓ વધ્યાં. સર્કસ હોય કે મલ્ટી મીડિયા શો, લોકોને મનોરંજન આપવા માટે કે જાગૃતિ ફેલાવવા માટે કે જાહેરાત કરવા માટે બહુ બધા ખેલાડીઓ મેદાનમાં આવ્યા. સંગીતનું માધ્યમ હોય કે નૃત્ય, કવિતા હોય કે વાર્તા, લેખો હોય કે જોડકણાં, સ્લોગન હોય કે ભીંતચિત્રો પબ્લિક પાસે આ બધું એબ્ઝોર્બ કરવાનું ઘણું મટીરિયલ વધી ગયું. એક સમયે ફક્ત ખેતરે કે કારખાને જતા. હવે તો હોર્ડિંગ બોર્ડથી લઈને ન્યૂઝ ચેનલની સ્ક્રીનમાં નીચે આવતી સ્ક્રોલિંગ જાહેરાત સુધી બધેથી કન્ઝ્યૂમ કરવાનું વધ્યું. અમુક અપવાદો સિવાય એ માધ્યમોનો ઉપયોગ પણ એકંદરે જવાબદારી સાથે થયો. કોઈએ તેનો મિસયૂઝ ન કર્યો કે પોતાના કુસંસ્કાર ન ફેલાવ્યા.

હવે આવો દસ વર્ષ પહેલાંના સમયમાં. યુટ્યૂબ આવ્યું. ફેસબુક આવ્યું. યુટ્યૂબે ઓબામાને જિતાડ્યા ને ગંગનમ સ્ટાઈલ વાળને ગ્લોબલી ફેમસ કર્યો. ફેસબુકે ટ્રમ્પને પહેલી વખત જિતાડ્યા ને ટ્વિટર ઉપર ભારતના વડાપ્રધાનથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધીના બધાએ ઓફિશિયલ અકાઉન્ટ બનાવ્યાં. ન્યૂઝ અને બિઝનેસ માટેનાં નવાં ગંજાવર પ્લેટફોર્મ આ સોશિયલ મીડિયાએ પૂરાં પાડ્યાં. અહીંથી પરિસ્થિતિ બગડવાની ચાલુ થઈ હતી તો પણ અહીં સુધી ઘણું હજુ કંટ્રોલમાં હતું. મામલો સાવ કાબૂ બહાર ગયો ટિકટોક અને એના પછી ઇન્સ્ટાગ્રામથી. ફેસબુકમાં તો હજુ થોડી લખવાની કસરત કરવી પડે. આ ઇન્સ્ટાગ્રામમાં તો ફોટો કે વીડિયો પહેલાં મૂકવાના. માટે સહેજ પણ મગજ ચલાવવાની તસ્દી ન લેવી હોય અથવા તો સહેલો રસ્તો અપનાવવો હોય એવા બધા લોકો માટે દુનિયા સાથે કનેક્ટ થવું સહેલું થઈ ગયું. એ બધા લોકોમાં કોણ આવ્યું જે હજુ સુધી ખાસ ક્યાંય જોડાયું ન હતું? સાવ ગામડાના છેવાડાના માણસો ને સેલિબ્રિટીઓ. સારું થયું. સાવ છેવાડાના માણસની ટેલેન્ટ પણ બહાર આવી અને લોકો સેલિબ્રિટી સાથે કનેક્ટ થયા, પણ બધાને જ ઇઝી ઍક્સેસ મળી જવાના કારણે જે કચરો ઠલવાવાનો શરૂ થયો છે તે અસહ્ય છે.

વલ્ગારિટી પહેલાં હતી. પોર્નોગ્રાફી પહેલાં પણ હતી. ગંદું સાહિત્ય પહેલાં પણ મળતું, પણ હવે તો વિકૃત કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે ને લોકો આ કન્ઝ્યૂમ કરી રહ્યા છે. ક્રિંજ કન્ટેન્ટની બોલબાલા છે. સાવ વાહિયાતપણું છવાઈ ગયું છે. આ મીડિયા પિરામિડમાં સાવ ઉપર રહેલા આ પ્લેટફોર્મને કારણે નીચે પાયામાં રહેલા પ્લેટફોર્મનો પણ દુરુપયોગ થવા લાગ્યો. જો એવું ન હોત તો કલમ કે માઇકનો ઉપયોગ અંગત બદલા માટે થતો હોત? લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ઠોકમઠોક કરવા લાગ્યા તો કલમ કે માઇકની આમન્યા પણ ન જાળવી. જાહેર માધ્યમનો શાલીનતા સાથે જે ઉપયોગ કરવો જોઈએ એ જવાબદારીનું તત્ત્વ તો નેવે મુકાઈ ગયું. દરેક બીજો માણસ કન્ટેન્ટ ક્રિએટર છે. સમાજની સાદી સમજ, બૌદ્ધિકતા, સંસ્કારનું સામૂહિક અધ:પતન થઈ રહ્યું છે ને આપણે બધા એનો હિસ્સો છીએ અથવા તો ચૂપચાપ જોઈ રહ્યા છીએ. એટલું જ નહીં ઘણા વિકૃત કે લેભાગુ લોકોને આપણે ઉપર ઉઠાવી રહ્યા છીએ. એક જમાનો હતો કે વડીલો કહેતા કે જમણા હાથથી દાન આપો તો ડાબા હાથને ખબર પડવી ન જોઈએ ને હવે તો ગાળો ને શારીરિક જોક ઉપરની વિકૃતિ ને બધું આટલું સહજ થઈ ગયું? આ બધું જોઈને સૂગ નથી ચડતી?