કાચબા અને સસલાની જ્યારે પણ રેસ થઈ હશે ત્યારે પત્રકારો કઈ જગ્યાએ ઊભા હશે? ઓફ કોર્સ, ફિનિશિંગ લાઇન પાસે. કેમેરા અને માઈક લઈને તૈયાર એવા બધા લોકોને કાચબાને જીતી રહેલો જોવામાં રસ હશે?

ના, તે લોકોને વિજેતાને વિજય પામતો જોવો હોય. કાચબો પહેલા નંબરે આવ્યો એટલે તેના હારતોરા થઈ ગયા. કોઈ એકાદા માઈકધારકને પણ સસલા પાસે જઈને એના રેસિંગ ટ્રેક ઉપર સૂઈ જવાનું કારણ પૂછવાનું મન નહીં થયું હોય? સસલા પાસે પણ પોતાનાં (સાચાં કે ખોટાં) કારણો હશે ને કે તે ખરાખરીની રેસમાં કેમ સૂઈ ગયું? પાછલા અઠવાડિયાનો ઉજાગરો હતો કે બીમાર હતો કે ઘેનવાળી દવા ચાલુ હતી કે કંઈક તો કારણ હશે ને? સસલાએ કદાચ કારણ આપ્યું પણ હશે, પરંતુ કાચબાની જીતની ભવ્ય શોભાયાત્રાના કવરેજ વચ્ચે સસલાનાં રોદણાંમાં કોને રસ પડે?

ચાલો માની લઈએ કે આળસુ સસલાની બેદરકારીને કારણે જ તે હાર્યો. કાચબો જ તે જીત ડિઝર્વ કરતો હતો. કાચબાની બધે વાહવાહી થઈ ગઈ, પણ બીજા વર્ષથી સસલાની પી.આર. ટીમે એવું કેમ્પેન ચલાવ્યું કે એક વખત ચીટિંગ કરીને કાચબો જીતી ગયો બાકી અસલી વિનર તો રૂપાળું સસલું જ છે. હવેની બધી રેસ પણ આ ધોળું સસલું જ જીતે છે. તો આપણા સુધી સાચી માહિતી પહોંચી હોત? આપણે પણ ક્યૂટ લાગતા સસલાની યશોગાથા કહેતા હોત ને? સારું છે પ્રાણીઓ માણસ જેટલા નિમ્ન સ્તરે ઊતરી શકતાં નથી.

કહે છે ને કે ઇતિહાસ હંમેશાં વિજેતાની તલવાર વડે લખાતો હોય છે. તલવાર વડે લખાતા શબ્દો સાચા જ હોય? હારનારની સાઈન લેંગ્વેજમાં પણ સહેજ પણ તથ્ય નહીં? પોતાને વાર્તા કહેવાનો મોકો મળે એટલે કોઈ વિજયી બનતું હોય છે? માનવજાતને બીજા નંબરમાં કેમ ક્યારેય રસ પડતો જ નથી? શું મહાવીર સ્વામીએ આટલું બધું વિચારીને હજારો વર્ષ પહેલાં અનેકાંતવાદની થિયરી આપીને કહ્યું હતું કે આને અમલમાં મૂકો, પણ પોલીગેમીની તરફેણ કરતો માણસ વિચારથી તો મોનોટોની જ ફોલો કરતો રહ્યો ને?

ભારતનું નામ જેની ઉપરથી પડ્યું હોવાનું મનાય છે એમાંની એક વાર્તાનું કિરદાર ભરત સિંહના દાંત ગણી આવે એવું બહાદુર હતું. ભારતને સિકંદર પણ જીતી શક્યો નથી. આ પ્રદેશ સદીઓ સુધી અજેય રહ્યો છે. બ્રિટિશરો ભાગલા પાડીને ફાવી ગયા. ભારત ત્યારથી જ બેકફૂટ ઉપર કેમ છે? પોતાની મરજીથી પોતાના ઉપર ત્રાસ ગુજારનાર દેશ ઉપર તે પૂર્ણકક્ષાનો હુમલો પણ કરી શકતું નથી. બીજા દેશો અણુબોમ્બ ફેંકી આવે એનો વાંધો નહીં, પણ આપણું ડ્રોન પણ સીમા પાર જવું જોઈએ નહીં. ભારત-પાકિસ્તાન વોર અને ટેરિફને લઈને ભારત વિરુદ્ધ સતત બકવાસ કરી રહેલા ટ્રમ્પને સાઈડ પર મૂકો. આ મહિનામાં મોસ્કોમાં જે થયું એની ઉપર નજર નાખવા જેવી છે ને સમજવા જેવું છે. તેના પરથી આ કાચબા અને સસલાની વાર્તાનો રેફરન્સ પણ સમજાશે.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એનાં એંસી વર્ષની પૂર્ણાહુતિની ઉજવણી માટે બધા મિત્રદેશોએ ભેગા થવાનું હતું. રશિયા અને ચાઇનાના વડાઓ તો ભેગા થયા, પણ મિત્ર દેશોમાંથી ત્રણ સુપર પાવર દેશોની ગેરહાજરી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ. આ દેશોના વડા ન દેખાયા. કેમ? એનો જવાબ શોધવા 1945ની સાલમાં જવું પડે. બીજી મેએ અમેરિકન લશ્કર બર્લિન પહોંચ્યું. તે લોકોએ બર્લિનમાં હિટલરના મુખ્યમથક ઉપર રશિયન ધ્વજ લહેરાતો જોયો. એવું કેમ થયું? કારણ કે ત્રીસ એપ્રિલે રશિયન લશ્કર જર્મનીને ધમરોળતું બર્લિનના પાદરે પહોંચી ગયું હતું. આ કયો દિવસ હતો? એ જ દિવસ જ્યારે હિટલરે આત્મહત્યા કરવી પડી. બ્રિટનની એકલાની તાકાત જ ન હતી કે તે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વધુ પાવરફુલ થયેલા જર્મનીને હરાવી શકે. જર્મનીએ અથવા તો કહો હિટલરે રશિયા પર આક્રમણ કરવાની જે મહામૂર્ખામી કરી તે જર્મનીને વસમી પડી. તો પણ બ્રિટન માટે જીતવું અઘરું હતું. આ તો જાપાન બ્રિટનની મદદે આવ્યું. જાપાને પર્લ હાર્બર પર હુમલો કરીને અમેરિકન સિંહ જગાડ્યો અને અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં પરાણે ઇન્વોલ્વ થયું અને જર્મનીનો ઘડોલાડવો થયો.

પણ બે અણુબોમ્બ ફેંકીને વિશ્વસત્તા બની જનાર અમેરિકા અને તેના દોરવાયેલા વેસ્ટર્ન મીડિયાએ બધી ક્રેડિટ પોતે જ લઇ લીધી. ચાઇના અને રશિયાને બીજા વિશ્વયુદ્ધની ક્રેડિટ જ ન આપી. બરાક ઓબામા દાયકાઓ પછી જાપાન જઈને અણુબોમ્બ ફેંકવા બદલ સોરી કહી આવ્યા. ઓકે. સરસ, પણ બ્રિટનના કોઈ વડાએ કે અમેરિકન વડાએ ભારતીયોનો આભાર માન્યો? બીજા વિશ્વયુદ્ધમાં વીસ લાખ ભારતીયો યુરોપના મોરચે ગયા હતા, જેમાંથી એકાદ લાખ જેટલા ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. જે યુદ્ધ સાથે આપણે નહાવા નિચોવાનો સંબંધ ન હતો એવી પારકી લડાઈમાં આપણા હજારો વડવાઓ શહિદ થયા. કયા સુપર પાવર દેશે આની નોંધ લીધી? કેમ? કારણ કે અત્યારે આર્થિક બાબતોમાં વિજેતા અમેરિકા છે, પશ્ચિમના દેશો છે. તેમનાં મીડિયાએ જે નેરેટિવ સેટ કર્યું છે એ જ ચાલે છે. ભારતને ત્રીજી દુનિયાના દેશ તરીકે જ ઓળખવામાં બધાને રસ છે. હવે? આગળ શું? ચાઇના, કેનેડા, અમેરિકા જેવા મસમોટા દેશો ભારત આગળ આવે એવું ઇચ્છતા નથી. પાડોશી બાંગ્લાદેશ અસ્થિર છે. પાકિસ્તાન આતંકી રાષ્ટ્ર છે. ચાઇના ઝેરીલું અને ખૂબ પાવરફુલ દુશ્મન છે. શ્રીલંકા કે નેપાળ કે ભુતાન ખાસ કંઈ કામના નથી. ભારતે શું કરવું જોઈએ? બીજો સવાલ - ઇતિહાસ અને છાપું વિજેતા લખતા હોય છે?