• ભારતના પવિત્ર બંધારણના ઘડવૈયાના જીવનસંઘર્ષની પ્રેરકકહાણી

શું તમે આખા વિશ્વમાં (1891-1956) આવો બાયોડેટા ધરાવતી વ્યક્તિ જોઈ છે? બી.એ, એમ.એમ., ડી.એસસી., પી.એચડી., એલ.એલ.ડી., ડી.લિટ, બેરિસ્ટર ઓફ લૉ., બી.એ.(બોમ્બે યુનિવર્સિટી) એમ.એસસી. (લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ) પીએચડી. (કોલંબિયા યુનિવર્સિટી), ડી.એસસી. -ડૉક્ટર ઓફ સાયન્સ (લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ) એલ.એસ.ડી.-ડૉક્ટર ઓફ લાર્ઝર કોલંબિયા યુનિવર્સિટી, ડી.લિટી (ડૉક્ટર ઓફ લિટરેચર) (ઓસ્માનિયા યુનિવર્સિટી), બેરિસ્ટર એટ લૉ (ગ્રેસ ઈન લંડન). - આટલી બધી વિદ્વત્તાભરી ડીગ્રીઓ ધરાવનાર મહાન પ્રતિભાનું નામ છે - ડૉ.બી.આર.આંબેડકર.

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મ તા.14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. તેમનું આખું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. ભીમરાવે પ્રાથમિક શિક્ષણ સતારામાં લીધું.

ડૉ.ભીમરાવના પિતા લશ્કરમાં હતા ત્યાં સુધી તેઓ બહારના જગતની વિષમતાઓથી દૂર હતા પરંતુ તેઓ નિવૃત્તિ લઈને સતારા આવ્યા ત્યારે નાનકડા ભીમરાવને અસ્પૃશ્યતાનાં ઝેર પીવાં પડ્યાં. પુત્ર ભીમરાવ સંસ્કૃત શીખીને પંડિત બને તેવી પિતાની ઇચ્છા હતી પરંતુ સતારાના સંસ્કૃતના શિક્ષકોએ બાળકને અસ્પૃશ્ય કહી સંસ્કૃત શીખવવા ઈન્કાર કરી દીધો. પરિણામે ભીમરાવ અને નાના ભાઈને લાચારીથી પર્શિયન શીખવું પડ્યું. આ બાબતનું સ્મરણ આલેખતાં ડૉ.આંબેડકર લખે છે: `મને સંસ્કૃત માટે અભિમાન હતું અને સંસ્કૃત ભાષા સરસ રીતે શીખી લેવાની હોંશ હતી પરંતુ શિક્ષકોની હીન વૃત્તિ અને તેમના સંકુચિત દૃષ્ટિકોણના કારણે મારે સંસ્કૃતના જ્ઞાનથી વંચિત રહેવું પડ્યું.’

અસ્પૃશ્યતાનું આવું જ ઝેર એમણે રમતગમતની બાબતમાં પણ પીવું પડ્યું. વિદ્યાર્થી ભીમરાવને ક્રિકેટ રમવાની-શીખવાની તીવ્ર ઇચ્છા હતી પરંતુ શિક્ષકો એ વિદ્યાર્થીને અસ્પૃશ્યતાના કારણે અન્ય વિદ્યાર્થીઓ સાથે રમવા દેતા નહીં. નાનકડા ભીમરાવને તો દૂર બેસીને જ અન્યને ક્રિકેટ રમતાં જોઈ સંતોષ માનવો પડતો હતો.

તેઓ પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે એક સવર્ણ શિક્ષકે નાનકડા ભીમરાવને ટોણો માર્યો: `અલ્યા..., તું આવું ભણીને તું શું કરવાનો? આના કરતાં ઢોર ચારવા જા.’

- આવાં ઝેર પીને પણ ભીમરાવે અભ્યાસ ચાલુ રાખ્યો. એમને વધુ ભણવાના કોડ જાગ્યા. એ વખતે તેઓ મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી એક ચાલમાં રહેતા હતા. તેમના ગુરુ કેલુસ્કરજીની સલાહ અને મદદથી વડોદરાના મહારાજા સયાજીરાવે ભીમરાવની તેજસ્વિતા જોઈને આ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપી અને ભીમરાવને વધુ શિક્ષણ મેળવવા ઈંગ્લેન્ડ અને અમેરિકા મોકલ્યા. 1915માં ભીમરાવ - `ડૉ.ભીમરાવ આંબેડકર’ બની ભારત પાછા આવ્યા અને વડોદરાના મહારાજાએ તેમને અર્થમંત્રી બનાવવાનું નક્કી કર્યું. તે પછી પણ તેમને અસ્પૃશ્યતાનાં ઝેર પીવાં પડ્યાં. અસ્પૃશ્ય વ્યક્તિ પોતાનાથી મોટો અધિકારી બને તે વાત નીચેના સવર્ણ કારકુનોને પસંદ નહોતી. એટલે નીચેના કારકુનો ભીમરાવની આજ્ઞાનો અનાદર કરવા માંડ્યા. એમના હાથ નીચેના કારકુન કાગળ અને ફાઈલો તેમના ટેબલ પર દૂરથી ફેંકતાં. ભીમરાવ તેમના સાહેબ હોવા છતાં તેમના હાથનો તેમને સ્પર્શ થઈ ન જાય તે માટે તેમના ટેબલથી દૂર ઊભા રહેતા.

વડોદરામાં પણ રહેવા માટે તેમને કોઈ ઘર આપતું નહોતું અને તે નોકરી તેમને કઈ રીતે છોડવી પડી તેનું વર્ણન કરતાં 1936ની સાલમાં કલ્યાણ ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરે એક પ્રવચન દરમિયાન કહ્યું હતું: `વડોદરામાં કોઈ હિન્દુ કે મુસલમાને મને રહેવા ઘર આપ્યું નહીં. મને ક્યાંય જગ્યા મળી નહીં. કેટલાક મિત્રો પાસે ગયો તો એમણે જાતજાતનાં બહાનાં બતાવ્યાં. હવે હું કંટાળ્યો હતો. હવે શું કરવું તે મને સૂઝતું નહોતું. રસ્તામાં એક જગ્યાએ હું બેસી ગયો. મારું મન ઉદ્વિગ્ન બની ગયું. આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો હતો. આખરે લાચાર બનીને મારે વડોદરાની નોકરી છોડવી પડી.’

આટઆટલાં અસ્પૃશ્યતાનાં ઝેર પીવા છતાં ભીમરાવ અડગ રહ્યા અને ઝેરના દરેક ટીપાંને અમી બનાવતા ગયા. તેઓ પ્રખર બુદ્ધિશાળી અને વિદ્યાવ્યાસંગી હતા. એમના અક્ષરો મોતીના દાણા જેવા હતા. અંગ્રેજી ભાષા પર તેમનું જબરદસ્ત પ્રભુત્વ હતું. તેમની સ્મરણશક્તિ જબરદસ્ત અને તીવ્ર હતી.

તેઓ લંડનમાં હતા ત્યારે બ્રિટિશ મ્યુઝિયમની લાઈબ્રેરી ખૂલે તે પહેલાં જ લાઈબ્રેરીના દરવાજે ઊભા રહેતા. મ્યુઝિયમના માણસો કહેતાં: `સવારે લાઈબ્રેરી ઊઘડે ત્યારથી સાંજે બંધ થાય ત્યાં સુધી સતત અભ્યાસ કરતો આવો એક પણ વિદ્યાર્થી આજ સુધી અમે જોયો નથી. ‘

પુસ્તકો ખરીદવામાં એક ચતુર્થાંશ પૈસા ખર્ચાઈ ગયા ત્યારે ઠરાવેલા અંદાજપત્રમાં કેવી રીતે મેળ પાડવો એ પ્રશ્ન થઈ પડ્યો. એટલે રોજ સવારે અને સાંજે એક કપ ચા અને એક પાંઉં ખાઈને ચલાવી લેતા. બેત્રણ દિવસ એકટાણું કરતા અને પૈસા બચાવવા પગપાળા જ અવરજવર કરતા. આવા સંઘર્ષ અને પરિશ્રમના અંતે એક દિવસ લંડનની યુનિવર્સિટીથી તેમના પર તાર આવ્યો કે તેમને ડી.એસસી.ની પદવી આપવામાં આવે છે. આ આનંદના સમાચાર આપવા તેઓ ઘેર આવ્યા ત્યારે તેમનાં પત્ની રમાબાઈ માંદા હતાં, પરંતુ આ ખુશીના સમાચાર મળતાં તેઓ પથારીમાંથી બેઠાં થઈ ગયાં. સ્નાન કરી કુળદેવતાની પૂજા કરી અને પૂજા પૂરી થયા બાદ એમણે કહ્યું: `હવે તો પદવી લેવા વિલાયત નહીં જાવને!’

હસીને ભીમરાવ બોલ્યા: `ના, હવે ભારતમાં જ રહીને ભારતવાસીઓની સેવામાં જ પ્રવૃત્ત થવું છે.’

આ બધી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન સંત `પુનિત’એ `મહામાનવોનો મેળો’ એ પુસ્તકમાં કર્યું છે.

એ જ રીતે ગુજરાતના જાણીતા વિદ્વાન મંગલ સુરજકરે પણ `વિભૂતિ વંદના’ કરતાં ઉમેર્યું છે કે, તા.26મી ઓગસ્ટ, 1947માં બંધારણનો મુસદ્દો ઘડવા માટેની સમિતિના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી.

તે અગાઉ 1927માં મુંબઈના ગવર્નરે મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે તેમની નિમણૂક કરી હતી. એમણે ખેલેલા જીવનસંગ્રામમાંથી ઉપજી છે - `દલિતોની અસ્મિતા.’ એમને પૂરો ખ્યાલ હતો કે કાયદાના રક્ષણ અને બંધારણની બેલાશક બાંહેધરી વગર શોષિત વર્ગને કોઈનો સહારો નહીં રહે. મહાડના ચૌધાર તળાવનું આંદોલન અને નાસિકના મંદિરપ્રવેશનો સત્યાગ્રહ જગવિખ્યાત હતાં. એક વિભૂતિ તરીકે સ્વમાનધન્ય બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્યને મૂલવતા એક રાષ્ટ્રીય પ્રજા તરીકે આપણે ઉણા ઊતર્યા છીએ.

1956માં બૌદ્ધ નેતા તરીકે વિશ્વ બૌદ્ધ સંમેલનમાં તેઓએ કહ્યું કે હું તમને સ્પષ્ટ કહેવા માંગું છું કે મનુષ્ય ધર્મના માટે નથી પણ ધર્મ મનુષ્ય માટે છે. 14મી ઓક્ટોબર, 1956માં બૌદ્ધ ભિક્ષુ ચંદ્રમણીના વરદ હસ્તે પાંચ લાખ દલિતો સાથે સપરિવાર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. 2 ડિસેમ્બર, 1956માં દલાઈ લામાના સન્માનમાં આયોજિત સમારંભમાં ડૉ.આંબેડકરે હાજરી આપી અને 11 વર્ષથી આરંભ કરેલા `ગોસ્પેલ ઓફ બુદ્ધ’ની ભૂમિકા લખીને, 6ઠ્ઠી ડિસેમ્બરે ડૉ.આંબેડકરે ચિરવિદાય લીધી. તેમની ભવ્ય નગરયાત્રા બે માઈલ લાંબી હતી અને બૌદ્ધ ધર્મ નિર્દિષ્ટ વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. તેઓએ એનશિયન્ટ ઈન્ડિયન કોમર્સ અનટચેબલ `રિવોલ્યુશન એન્ડ કાઉન્ટ રિવોલ્યુશન ઈન ઈન્ડિયા’ બુદ્ધ એન્ડ કાર્લ માર્કસ ગાંધી એન્ડ ગાંધીઇઝમ, બુદ્ધ એન્ડ ફ્યુચર ઓફ રિલિજિયન વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યાં.

તા.26 જાન્યુઆરી, 1949ના દિવસે પ્રજાકીય આકાંક્ષાઓને ઝીલતું ભારતનું સંવિધાન તેમણે પૂરું કર્યું અને પ્રજા અને પ્રજાવતી શાસન કરતી સરકાર વચ્ચે લેખિત પવિત્ર કરારના સ્વરૂપમાં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. તા.26 જાન્યુઆરી, 1950ના મંગલ દિવસે એ પવિત્ર બંધારણ અમલમાં આવ્યું.

બચપણમાં અને યુવાનીમાં અસ્પૃશ્યતાનાં ઝેર પીને `અમી’ બનેલા `મહામાનવ’ ડૉ.બાબાસાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમનાં ચરણોમાં પ્રણામ.


  • Follow us on: