9 મેના દિવસે `નાઝી જર્મની' ઉપર તે સમયના સોવિયેત સંઘે મેળવેલા વિજયની 80મી જયંતી સમયે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની સાથે ખભેખભા મિલાવી શી જિનપિંગે `વિક્ટરી-ડે-પરેડ'માં સલામી લીધી હતી. તે જ શી જિનપિંગે રશિયા સાથે પણ `રમત' શરૂ કરી દીધી છે.
વિક્ટરી-ડે-પરેડમાં બંને નેતાઓએ સાથે રહી સલામી લીધી હતી. પુતિન-જિનપિંગે અનંતકાળની મૈત્રી માટે સાથે શપથ લીધા હતા. જિનપિંગે એક તરફ તેમણે પુતિન સાથે `અનંતકાળ' સુધીની મૈત્રીના શપથ લીધા તો બીજી તરફ રશિયાને સ્પર્શતી તેની સરહદને પેલે પાર રશિયાની બાજુએ બે ગામ વસાવી દીધાં છે. એટલું જ નહીં, પરંતુ વ્યાપાર ક્ષેત્રે પણ રશિયા સાથે ગજબની રમત રમ્યા છે. રશિયા તેની કુલ આયાતમાં ચીનની ચીજવસ્તુઓની 34 ટકા જેટલી આયાત કરે છે તે સામે ચીન રશિયામાંથી પોતાની કુલ આયાતમાં માત્ર 4 ટકા જેટલો જ માલ ખરીદે છે. રશિયાને પશ્ચિમની સામે ચીનના અને તેના પાલતુ તેવા ઉત્તર કોરિયાના સાથની જરૂર છે તેથી તે મૂક બની રહ્યું છે.
આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે તર્કબદ્ધ રીતે સવાલ ઉઠાવ્યા
ફિલ્મ `કેસરી-2'થી મોટા પડદે ફરી ચમકેલા આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે સવાલ ઉઠાવ્યા છે. એક મુલાકાતમાં માધવને સવાલ ઉઠાવ્યો કે પાઠ્યપુસ્તકો તૈયાર કોણ કરે છે? પાઠ્યપુસ્તકોમાં મુગલ શાસક માટે 8 પ્રકરણ છે તો ચોલા સામ્રાજ્યના વારસાના નિરૂપણ માટે માત્ર એક પ્રકરણ કેમ? એક ટીવી મુલાકાતમાં માધવને કહ્યું કે, `હું જાણું છું કે હું આ વાત કરીશ તો મારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. છતાં હું કહીશ જ. હું જ્યારે શાળામાં ઈતિહાસ ભણી રહ્યો હતો ત્યારે મુગલ શાસક માટે 8 પ્રકરણ હતાં. હડપ્પા અને મોહેં જો દડો સભ્યતા પર બે પ્રકરણ, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા સંગ્રામ વિશેના નિરૂપણ માટે 4 ચેપ્ટર્સ હતાં અને દક્ષિણના રાજવંશો ચોલા, પાંડ્યા, પલ્લવ અને ચેરાની વાત માત્ર 1 પ્રકરણમાં જ હતી.' માધવને કહ્યું કે, અંગ્રેજ અને મુગલે આપણા પર લગભગ 800 વર્ષ શાસન કર્યું, પરંતુ ચોલા સામ્રાજ્યનો ઈતિહાસ તો 2400 વર્ષ જેટલો પ્રાચીન છે. નૌકાદળ તાકાતને મોરચે તેઓ વિશ્વમાં સૌથી આગળ હતા. રોમ સુધી વેપાર કરતા હતા. પોતાના સમુદ્રી કાફલાની મદદથી તેમણે અંગકોરવાટ (કંબોડિયા) સુધી મંદિરો બનાવ્યાં. જૈન હિંદુ અને બૌદ્ધ ધર્મને ચીન સુધી પહોંચાડ્યા હતા. કોરિયા આજે પણ તમિલ ભાષાના અનેક શબ્દોનો ઉપયોગ કરે છે. આટલા મોટા વારસાને આપણાં પુસ્તકોમાં માત્ર એક ચેપ્ટર? પોતાની વાત પૂરી કરતાં આર. માધવને કહ્યું કે, આ પાઠ્યપુસ્તકો કોણે તૈયાર કર્યાં? તમિલ તે વિશ્વની સૌથી જૂની ભાષા છે, પરંતુ આપણે તે ભાષા વિશે કંઈ જાણતા જ નથી.
પાકિસ્તાનમાં પ્રતિભાશાળી હિંદુ યુવતી સહાયક કમિશનરના પદ પર નિયુક્ત
25 વર્ષની ઉંમરે કશિશ ચૌધરીએ ઇતિહાસ રચી દીધો છે. પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાય સાથે સંકળાયેલ, તેઓ બલુચિસ્તાન પ્રાંતમાંથી સહાયક કમિશનરના પદ પર નિયુક્ત થનારાં પ્રથમ મહિલા છે. નિમણૂક બાદ પાકિસ્તાન ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ મહિલાઓ અને લઘુમતીઓના સશક્તીકરણ માટે કામ કરશે . બલુચિસ્તાનના ચાગાઈ જિલ્લાના નોશકી શહેરના રહેવાસી કશિશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષા પાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતી વખતે કશિશે કહ્યું કે તે સતત ત્રણ વર્ષ સુધી દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક અભ્યાસ કરતી હતી. તેમણે કહ્યું, "શિસ્ત, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરવાની ઇચ્છાએ મને આ સફરમાં પ્રેરણા આપી." તેમના પિતા ગિરધારીલાલ વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. પોતાની પુત્રીની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "મારી પુત્રીએ જે કંઈ મેળવ્યું છે તે તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે.
ધોલેરા સ્માર્ટ સિટીમાં `સેમીકોન' ગુજરાત બનશે સેમી કન્ડક્ટરનું હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનું સેમિ કન્ડક્ટર હબ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ત્યારે ગુજરાત પણ સેમિ કન્ડક્ટર હબ બનવા માટે તૈયાર છે. ધોલેરા સ્માર્ટ સિટીને `સેમિકોન' સિટી તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સર ખાતે જઇને વિવિધ 12 પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. જેમાં ધોલેરામાં સ્થપાયેલા ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિ કન્ડક્ટર પ્લાન્ટની પ્રગતિ અને નિર્માણની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની 95 ટકા કામગીરીની સમીક્ષા કરતાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાયું હતું. આ સાથે ધોલેરા સેમિકોન સિટીમાં નિર્માણાધીન હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતનાં સ્થળની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી. ધોલેરા સિટીની સમીક્ષામાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનનમાં રોડ-રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસિલિટીઝ, પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પૂરી થઇ ગઈ હોવાનું દર્શાવાયું હતું. આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત 300 મેગા વોટના સોલાર પાર્કની પણ કામગીરી થઇ છે.