શ્રી રામ અને રાવણ, એક ભગવાન અને બીજો ભાગ્યવાન, કારણ કે ભગવાનના હાથે મૃત્યુનો અવસર ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થાય... અને જ્યારે ભગવાન મોક્ષ આપે ત્યારે માનવ હોય કે દાનવ તે કાયમી અમરત્વનું અમૃત પી જાય. રાવણ જેવા દાનવનો શ્રી રામે વધ કર્યો તે પ્રસંગ એક દાનવ માટે મોટું દાન ગણાય. સૂર્યવંશી રાજા શ્રીરામ મહેલ અને રાજપાટ મૂકી વચનસિદ્ધિ માટે વનવાસ ગયા અને રાવણે વિશ્વકર્માએ બનાવેલી સોનાની લંકા ભગવાન શિવને ભોળવી, છેતરી પડાવી લીધી, પરંતુ મા પાર્વતીના શાપના કારણે રાખ બની અને નાશ પામી. ભગવાન શ્રીરામ મર્યાદા અને ચારિત્ર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


રામના વિજયનું પર્વ અને રાવણની હારનો ગર્વ એટલે દશેરા. મર્યાદા પુરુષોત્તમ રામ અને મર્યાદાની સીમા ઓળંગનાર રાવણની કુંડળીના ગ્રહો સમાન હોવા છતાં બંનેનાં વ્યક્તિત્વમાં ભારે અસમાનતા અને વિરોધાભાસ હતો, આથી રામાયણની રચના અને દશેરા પર્વનો ઉદ્ભવ થયો. આ લેખમાં ભગવાન રામ અને ભગવાનના હાથે મોક્ષપ્રાપ્તિ મેળવનાર ભાગ્યવાન રાવણની કુંડળીના ગ્રહોની તલસ્પર્શી ચર્ચા કરી છે. શ્રીરામનો જન્મ કર્ક લગ્નમાં અને રાવણનો જન્મ તુલા લગ્નમાં અર્થાત્ બંનેનો જન્મ ચાર રાશિનાં લગ્નમાં થયો છે. શ્રીરામની કુંડળીનાં તમામ કેન્દ્રસ્થાનમાં ઉચ્ચના ગ્રહો બિરાજમાન હોઈ પંચમહાપુરુષ યોગનું સર્જન થાય છે. કર્કના ગુરુના કારણે હંસ યોગ, તુલાના શનિના કારણે શશયોગ, મકરના મંગળથી રુચક યોગ, દસમે ઉચ્ચના સૂર્યના કારણે રાજયોગ સર્જાય છે. ભગવાન શ્રીરામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના છે, તો આ અસુરનરેશ રાવણની કુંડળીમાં પણ પાંચ ગ્રહો ઉચ્ચ રાશિમાં છે. બંનેની કુંડળીમાં સમાન ગ્રહો હોવા છતાં શ્રીરામ ભગવાન તરીકે પૂજાય છે જ્યારે રાવણ રાક્ષસ તરીકે પ્રજાનો રોષ વ્હોરે છે.

શ્રીરામની કુંડળીમાં લગ્ને ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ, ચોથા ભાવમાં ઉચ્ચનો શનિ, સાતમે ઉચ્ચનો મંગળ, દસમે ઉચ્ચનો સૂર્ય જેવા અદ્ભુત ગ્રહોએ ભગવાન રામ માટે પ્રબળ રાજયોગનું સર્જન કર્યું અને વનવાસ પછી પણ તેમણે ચક્રવર્તી રાજા બનાવી અયોધ્યા પર અગિયાર હજાર વર્ષ શાસન કરાવ્યું. અસુર સમ્રાટ રાવણે બ્રાહ્મણકુળમાં જન્મ લીધો અને વૈભવશાળી લંકા પર રાજ કર્યું, કારણ કે રાવણની કુંડળીમાં પણ તુલા લગ્નમાં ઉચ્ચનો શનિ, ચોથા ભાવમાં રુચક યોગનું સર્જન કરતો ઉચ્ચનો મંગળ, સાતમે ઉચ્ચનો સૂર્ય અને દસમે ઉચ્ચનો ગુરુ કેન્દ્રમાં રહી એક જબરદસ્ત સમ્રાટયોગનું સર્જન કરે છે. આમ, રામ અને રાવણની કુંડળીમાં ગ્રહોની સમાનતા હોવા છતાં શ્રીરામે દરેક કાર્ય નીતિ અને મર્યાદામાં કર્યાં આથી તેઓ ઈશ્વર બન્યા જ્યારે રાવણે નીતિ અને મર્યાદાભંગ કર્યો આથી તે અસુર બન્યો. શ્રીરામની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો ગુરુ અને સ્વગૃહી ચંદ્રની યુતિના કારણે તેઓ આકર્ષક, આજ્ઞાકારી, પિતાભક્ત, ધાર્મિક, શસ્ત્રવિદ્યામાં નિપુણ, વિદ્વાન અને પ્રજામાં લોકપ્રિય બન્યા. રાવણની કુંડળીમાં લગ્નસ્થાને ઉચ્ચના શનિ અને ચંદ્રની યુતિએ તેના મનમાં વિષયોગ પેદા કર્યો, પરંતુ અષ્ટમેશ શુક્ર છઠ્ઠા સ્થાનમાં ઉચ્ચ રાશિમાં બેસવાના કારણે વિપરીત રાજયોગનું સર્જન થવાથી ગ્રહોએ તેને રાજા બનાવ્યો. આમ છતાં પ્રજાસ્થાનમાં રહેલા ઉચ્ચના સૂર્ય પર લગ્નસ્થાનમાં રહેલી શનિ-ચંદ્રની વિષયુતિની દૃષ્ટિએ તેણે પ્રજામાં ભય ફેલાવ્યો. રાવણની કુંડળીમાં ચતુર્થેશ અને પંચમેશ શનિ યોગકારક બની લગ્ને બિરાજમાન હોઈ તેને વિદ્વાન બનાવ્યો, પરંતુ શનિ નૈસર્ગિક પાપગ્રહ હોઈ તેમજ લગ્નેશ શુક્ર ઉચ્ચમાં છઠ્ઠે હોઈ સર્વગુણ સંપન્ન હોવા છતાં તેને અતિ મહત્ત્વાકાંક્ષી, અહંકારી, સ્વચ્છંદી, ડંખીલો, પ્રતિશોધ લેનારો, મલિન વિચારધારાવાળો અને પરસ્ત્રીમાં ચલિત થનારો બનાવ્યો. શનિ-ચંદ્રની યુતિએ તેને હઠીલો અને જિદ્દી બનાવી ભગવાન રામ સામે યુદ્ધ કરવા પ્રેર્યો. રાવણના હઠીલા ગ્રહોએ તેનામાં માનસિક વિકૃતિ પેદા કરી અને તેને કુટુંબસહિત સમગ્ર રાક્ષસ જાતિનો સામે ચાલીને વિનાશ નોતર્યો.

ભગવાન શ્રીરામની કુંડળીમાં સાતમે પ્રબળ મંગળદોષ હોઈ દાંપત્યસુખ ગુમાવ્યું જ્યારે રાવણની કુંડળીમાં સાતમે ઉચ્ચના સૂર્યએ સુંદર, સુશીલ અને વિદ્વાન પત્ની મંદોદરી આપી, પરંતુ તેની કુંડળીમાં પણ મંગળદોષ હોઈ પરસ્ત્રીમાં તેણે મન પરોવ્યું અને દાંપત્યજીવન ગુમાવ્યું. શાસ્ત્રો અનુસાર લગ્નેશ શુક્ર જો છઠ્ઠા સ્થાનમાં હોય તો સ્ત્રીસુખમાં ઓછપ અને પરસ્ત્રીમાં કામેચ્છા વધારે છે. આથી આ યોગે રાવણની માનસિકતાને વિકૃત બનાવી અને તેણે સીતાનું હરણ કર્યું. આ હરણે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ કરાવ્યું. આ યુદ્ધમાં રામની નીતિમત્તાનો રાવણના અહંકાર અને અપ્રામાણિક્તા પર વિજય થયો. રામ અને રાવણની કુંડળીમાં સમાન ગ્રહો હોવા છતાં રામનો વિજય અને રાવણની હાર થઈ. આમ કેમ?

આપણાં પૌરાણિક ગ્રંથો `ચમત્કાર ચિંતામણિ'ના રચયિતા મન્ત્રેશ્વર અને મહામુનિ પારાશર, ભૃગુ અને ગર્ગ કહે છે કે જન્મકુંડળીમાં ગમે તેટલી સમાનતા હોય, પરંતુ ચંદ્રની સ્થિતિ મનુષ્યના મન અને માનસિકતા ઉપર સારીનરસી અસરો પેદા કરે છે. રામની કુંડળીમાં સ્વગ્રહી ચંદ્ર ઉચ્ચના ગુરુ સાથે લગ્નસ્થાને બેસી ગજકેસરી યોગનું સર્જન કરે છે. રામનો શુભ ચંદ્ર રામને સંસ્કૃતિ અને સંસ્કાર આપે છે, કારણ કે ચંદ્રને ગુરુ પોતાનું શુભત્વ બક્ષે છે. શુભ અને બળવાન ચંદ્રએ રામને ભગવાન રામ બનાવ્યા, તો બીજી તરફ રાવણની કુંડળીમાં શુક્રના ઘરના તુલાના ચંદ્રએ શનિ જેવા પાપગ્રહ સાથે બેસી મનમાં વિકૃતિ અને ઐયાશીનો ભાવ પેદા કર્યો. ચંદ્ર-શનિની વિષયુતિએ રાવણના મનમાં વિષ પેદા કર્યું. આમ, અશુભ ચંદ્રએ રાવણ નામના અસુરને પેદા કર્યો. રામ અને રાવણની કુંડળીમાં અસંખ્ય સમાન ગ્રહો હોવા છતાં ચંદ્રની અસમાનતાએ ઈશ્વર અને અસુર બે શબ્દોની અમર ભેદરેખા દોરી.

  • Follow us on: