• વાળમાં લગાવવા તમે કોઈ પણ તેલ લઈ શકો છો. એ પછી નારિયેળનું તેલ કેમ ન હોય

આ વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓને સતાવી રહી છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ કે, આનુવંશિક, શારીરિક કે ભાવનાત્મક તાણ, અયોગ્ય આહાર, હેલ્થને લગતી સમસ્યાઓ વગેરે. આજે આપણે ખરતાં વાળને અટકાવવા માટે ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું

તેલ

વાળમાં લગાવવા તમે કોઈ પણ તેલ લઈ શકો છો. એ પછી નારિયેળનું તેલ કેમ ન હોય. રાત્રે સૂતા પહેલાં સ્કૅલ્પમાં તેલ વડે સારી રીતે માલિશ કરો. બીજા દિવસે માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો. રોજ વાળમાં તેલ લગાવવું શક્ય ન હોય તો વાળ ધોવાના હોય એના આગલે દિવસે રાત્રે તેલ વડે સ્કૅલ્પમાં મસાજ કરો. તેલ વાળને પણ પોષણ પૂરું પાડશે.

લીમડો

એક કપ નારિયેળના તેલમાં અડધો કપ કડવા લીમડાનાં પાન નાંખી તેને ગરમ કરો. લીમડો કાળો થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહો. તેલ ઠંડું થઈ જાય પછી ગાળીને ભરી લો. સ્કૅલ્પમાં તેલ વડે મસાજ કરી કલાક પછી વાળ ધોઈ નાંખો. શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર કરવાનું ન ભૂલતાં. અઠવાડિયામાં બે વખત આ તેલનો ઉપયોગ કરી શકાય છે. લીમડો વાળ માટે ટોનિકનું કામ કરે છે. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળ આવતા અટકે છે અને સફેદ થઈ ગયેલા વાળ ધીરેધીરે કાળા થાય છે. પણ એમાં ઘણો લાંબો સમય લાગે છે. કડવો લીમડો ખોડાને પણ દૂર કરે છે.

આંબળાં

ચારથી પાંચ નંગ આંબળાંના નાના નાના ટુકડા કરી તેને એક કપ નારિયેળના તેલમાં નાંખો. નારિયેળનું તેલ કાળું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. ઠંડું પડે એટલે તેલને ગાળીને ભરી લો. વાળ ધોવાના હોય એના આગલા દિવસે આ તેલથી સ્કૅલ્પમાં માલિશ કરો. વાળ ધોવાના હોય એ દિવસે પણ આ તેલ વડે માલિશ કરી શકો. કલાક પછી વાળ ધોઈ નાંખો. આંબળાં વાળને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આંબળાંનો ઉપયોગ નારિયેળ તેલ સાથે કરવામાં આવે તો એ વાળને ખરતાં અટકાવે છે.

ગ્રીન ટી

બે ગ્રીન ટી બેગ્સને ત્રણ કપ ગરમ પાણીમાં નાંખી દો. પાણી ઠંડું થાય એટલે ટી બેગ્સને બહાર કાઢી એ પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરો. આ પાણી સ્કૅલ્પ અને વાળમાં લગાવીને તેના વડે મસાજ પણ કરી શકો.

દહીં

એક વાટકી દહીં લો. થોડા મેથીના દાણાને મિક્સરમાં મિક્સ કરો. મેથી પાઉડરને દહીંમાં નાંખી મિશ્રણ તૈયાર કરો. તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરી 20 મિનિટ સુધી રહેવા દો. એ પછી સાદા પાણીથી વાળ ધોઈ શેમ્પૂ કરી લો.


  • Follow us on: