‘તમે અમેરિકામાં જ શા માટે ભણવા જવા ઈચ્છો છો? શા માટે ઈંગ્લેન્ડ, કેનેડા કે ઓસ્ટ્રેલિયા યા તમારા પોતાના દેશમાં આવેલ યુનિવર્સિટીમાં ભણતાં નથી?’

અમદાવાદની સૌથી ટોચની યુનિવર્સિટીમાં બેચલરનો કોર્સ કર્યા બાદ ‘એમબીએ’ કરવા માટે અમેરિકાની સાત યુનિવર્સિટીઓમાં પ્રકાશ શાહે અરજી કરી હતી. એને કમ્પ્યુટર સાયન્સ અને એમાં પણ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો અભ્યાસ શિખવાડતી ટોચની સાત યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી. છ યુનિવર્સિટીઓએ એને પ્રવેશ આપ્યો હતો અને સાતમીનો હજુ જવાબ આવ્યો નહોતો. એ છમાંથી સૌથી આગળ પડતી યુનિવર્સિટીમાં ભણવા જવા પ્રકાશે મુંબઈ કોન્સ્યુલેટમાં ફોર્મ ડીએસ-160 ભરીને ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝાની અરજી કરી હતી ઈન્ટરવ્યૂમાં કોન્સ્યુલર ઓફિસરે એને ઉપલો સવાલ કર્યો હતો.

‘સર, મને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં રસ છે. આ જે યુનિવર્સિટીમાં હું ભણવા જવા માગું છું એમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય ખૂબ જ સારી રીતે શિખવાડવામાં આવે છે.’

‘તમે બધા જ ઈન્ડિયન સ્ટુડન્ટો અમારી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છો છો. એવું શા માટે?’ ઓફિસરે એક નવો પ્રશ્ર્ન કર્યો.

‘સર, હાર્વર્ડ ઈઝ વર્લ્ડ બેસ્ટ.’ પ્રકાશે ઉત્તર આપતાં જણાવ્યું.

‘ભણી રહ્યા બાદ તમે શું કરવા ઈચ્છો છો? અમેરિકામાં નોકરી કરવા માગો છો? મને એક એવું કારણ જણાવો, જેથી મને ખાતરી થાય કે તમે અમેરિકામાં ભણવા માટે જાવ છો. તમારો ત્યાં કાયમ રહેવાનો કે કામ કરવાનો ઈરાદો નથી. ભણી રહ્યા પછી તમે ભારતમાં પાછા આવવાની ઈચ્છા ધરાવો છો?’

‘સર, ઈન્ડિયા ઈઝ પ્રોગ્રેસિંગ. ઈન્ડિયામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જાણનારની ખૂબ જ માંગ થનાર છે. હું અમદાવાદમાં મારા ફાધરનો ચાર બેડરૂમનો ફ્લેટ છે. અમારા ત્યાં બે નોકરો, એક રસોઈયો, ગાડીઓ છે અને બે ડ્રાઈવરો છે. મારા ફાધર છેલ્લાં ચાલીસ વર્ષથી અમદાવાદમાં કાપડનો બિઝનેસ કરે છે. એમના એસોસિયેશનને તેઓ પ્રમુખ છે. ગયા વર્ષે જ એમણે દોઢ કરોડનો પ્રોફિટ કર્યો હતો. હું એમનો એકનો એક દીકરો છું. અમેરિકામાં અમારું કોઈ સગું નથી. આ બધું છોડીને હું અમેરિકામાં શું કામ રહી જાઉં? સર, આઈ વોન્ટ ટુ કમબેક ટુ ઈન્ડિયા. આઈ લવ માય ક્ધટ્રી વેરી મચ.’ જવાબમાં આત્મવિશ્ર્વાસ ચોખ્ખો દેખાઈ આવતો હતો.

‘આઈ લાઈક યોર એટિટ્યુડ. હું તમને વિઝા આપું છું.’ કોન્સ્યુલર ઓફિસરે રાજી થઈને વર્ષ 2024ના મે મહિનામાં અમેરિકાની ‘હાર્વર્ડ’ યુનિવર્સિટીમાં એમબીએનો બે વર્ષનો કોર્સ કરવા માટે ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા, નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા પ્રકાશને આપ્યા. જોતજોતામાં પ્રકાશે યુનિવર્સિટીના પ્રોફેસરોનાં દિલ જીતી લીધાં. એ હોશિયાર તો હતો જ, પણ મળતાવડો અને વિનય અને વિવેકી પણ એટલો જ હતો. વર્ષ પૂરું થયું અને ફાઈનલ વર્ષમાં પ્રકાશે પ્રવેશ્યો.

એવામાં જ અમેરિકાના પ્રેસિડન્ટ ડ્રોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે હાર્વર્ડને જે નાણાકીય સહાય મળે છે એ એમણે બંધ કરી છે અને લગભગ સાત હજાર જેટલા પરદેશી વિદ્યાર્થીઓ, જેઓ હાર્વર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે, એ બધાંના ‘સ્ટુડન્ટ એક્સચેન્જ વિજિટર ઈન્ફોર્મેશન સર્વિસીસ’ એટલે કે ‘સેવિસ’ રેકોર્ડ ટર્મિનેટ કરી નાખવામાં આવ્યા છે. એ બધા વિદ્યાર્થીઓએ તુરંત જ સ્વદેશ પાછા ચાલી જવું જોઈએ અથવા તો અમેરિકાની બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેવો જોઈએ.

હાર્વર્ડમાં ભણવાની ઈચ્છા ધરાવનાર પ્રકાશે જ્યારે ટ્રમ્પનો આ ઓર્ડર જાણ્યો ત્યારે એના માથે આભ તૂટી પડ્યું. એણે કંઈ પણ ખોટું કર્યું નહોતું. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે જે જે કાયદાકીય ચીજો કરવાની હોય એ સઘળી એણે કરી હતી. આમ છતાં અચાનક જો અન્ય યુનિવર્સિટીમાં એને પ્રવેશ ન મળે તો એણે ભણતર અધૂરું મૂકીને ભારત પાછા ચાલી જવું એમ હતું. પણ પ્રકાશને તો હાર્વર્ડમાં પણ ભણવું હતું. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જ એમબીએની ડિગ્રી મેળવવી હતી. પ્રકાશની આ ઈચ્છા અને એના જેવા અસંખ્ય ભારતીય તેમ જ અન્ય દેશોના વિદ્યાર્થીઓની ઈચ્છા જાણે જાણી ગઈ હોય એમ હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પના આવા હુકમને કોર્ટમાં પડકાર્યો. કોર્ટે મનાઈહુકમ દ્વારા એ ઓર્ડરને સ્થગિત કર્યો. આમ છતાં પ્રકાશ અને એના જેવા અસંખ્ય ભારતીય તેમ જ અન્ય દેશોના વિદ્યાર્થીઓ અકળામણ અનુભવી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટના આદેશને પડકારતું હાર્વર્ડ યુનિવર્સિટીએ જે પિટિશન દાખલ કર્યું છે એનો આખરી નિર્ણય શું આવશે? શું અમેરિકાના પ્રેસિડન્ટના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટ રદ કરશે તો બીજા પરદેશી વિદ્યાર્થીઓને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો તેઓ બહાર નહીં પાડે?

પરદેશી વિદ્યાર્થીઓની આ અકળામણ દિવસે દિવસે વધતી જ જાય છે.