• મન આપણી પાસે ઘણાં નાટક કરાવે છે. એ આપણો સારામાં સારો મિત્ર પણ છે અને મોટામાં મોટો શત્રુ પણ છે

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्

आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति

અર્થાત જે મનુષ્ય મન પર કાબૂ રાખે છે અને ઇન્દ્રીયોથી ભોગવવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે પણ રાગ તથા દ્વેષથી મુક્ત છે એ મનુષ્ય ઈશ્વરની કૃપા પામે છે.

ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 2.64માં કહેલી વાત યોગિક વેલ્થમાં પણ આવી જાય છે. આ શ્લોકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રીયસુખ માણતી વખતે પણ જે મનુષ્ય મનને કાબૂમાં રાખે છે અને જેનામાં રાગ અને દ્વેષ આવતાં નથી એ મનુષ્ય ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ભૌતિક સુખ ભલે માણો, પરંતુ એને ભગવાનનો પ્રસાદ ગણીને ચાલો.

આ શ્લોકના આધારે કહી શકાય કે ભગવદ્ ગીતા પણ ભૌતિકવાદના વિરોધમાં નથી. એમાં એટલું જ કહેવાયું છે કે આપણે જેનો ઉપભોગ કરીએ છીએ એને ઈશ્વરની કૃપા ગણીને ચાલવું.

મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર 34ના સમાધિપદમાં આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ ઈશ્વરની કૃપા કહો કે પરમાનંદ કહો, એને `ચિત્ત પ્રસાદ' કહે છે. મેં ક્યાંક વાંચ્યું છે કે `પ્રસાદ' શબ્દને `પ્રભુનાં સાક્ષાત્ દર્શન'નું ટૂંકું સ્વરૂપ પણ કહી શકાય.

આપણું મગજ જ્યારે આપણા કાબૂમાં હોય છે ત્યારે માનસિક શાંતિ અને પ્રસન્નતા હોય છે. આ સ્થિતિ ભગવાનનું જ એક સ્વરૂપ કહેવાય.

મન આપણી પાસે ઘણાં નાટક કરાવે છે. એ આપણો સારામાં સારો મિત્ર પણ છે અને મોટામાં મોટો શત્રુ પણ છે. આપણામાંથી ઘણા લોકો ઘણી વાતોમાં ભગવાનની કૃપા છે એવો શબ્દપ્રયોગ કરતા હોય છે. આપણે આત્મમંથન કરીને એ નક્કી કરવું જોઈએ કે આપણે ફક્ત બોલવા માટે એ બોલીએ છીએ કે એમાં ઊંડી શ્રદ્ધા પણ ધરાવીએ છીએ. જો આપણામાં શ્રદ્ધા હશે તો ક્યારેય લઘુતાગ્રંથિ, ઈર્ષ્યા, લોભ, વગેરે અવગુણ નહીં આવે.

મારી પાસે આનાથી મોટી કાર ક્યારે આવશે? હું રોજ નવી કાર માટે ભગવાનને પ્રાર્થના કરું છું. શું આવું કહેતી વખતે આપણને ખરેખર એની કૃપાની જરૂર છે? અહીં, આપણે કાર આપવી કે નહીં એ ભગવાન પર છોડી રહ્યા છીએ કે પછી એમને વિનવણી કરીને માગણી કરી રહ્યા છીએ? આ બાબતે હું કોઈ ટિપ્પણી કર્યા વગર એટલું જ કહીશ કે દરેક વ્યક્તિએ જાતે જ પોતાની મનની સ્થિતિનું આકલન કરવું જોઈએ.

લઘુતાગ્રંથિ, ઈર્ષ્યા, લોભ, વગેરે અનેક લાગણીઓ આપણાં મનમાં હોય છે. એને ફક્ત આપણે જ ઓળખી શકીએ છીએ અને જો એ મનમાં હોય તો એનો સ્વીકાર પણ આપણે જ કરવો રહ્યો. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઈર્ષ્યાળુ કહીએ છીએ ત્યારે એની ઈર્ષ્યા વિશે આપણને ખબર નથી હોતી. આપણે તો ફક્ત એના વિશે અભિપ્રાય બાંધી લઈએ છીએ અને પોતે એનાથી ચડિયાતા છીએ એવું દેખાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં રહેતા મારા એક પરિચિતે મને કહ્યું હતું, `ઑડી કાર ચલાવીને મને ભરપૂર આનંદ અને મનની શાંતિ મળે છે.' શું મનની શાંતિ માટે ખરેખર ઑડી કારની જરૂર હોય છે. તમે પોતાને જ સવાલ કરી જુઓ કે જો ક્યારેક ઑડી કાર છૂટી ગયા પછી મારુતિ રિટ્ઝ ચલાવવાનું આવે તો શું મનમાં એટલી જ શાંતિ હશે? અહીં પણ મારે કોઈ ટિપ્પણી નથી કરવી.

હકીકત એ છે કે મનની શાંતિ માટે કારની કોઈ જરૂર હોતી નથી. મોંઘા ભાવનું વાહન હોય કે ન હોય, આપણા મનમાં શાંતિનો અનુભવ થતો હોય તો સમજવું કે આપણે ભગવાનની કૃપા કે પ્રસાદનો સ્વીકાર કરવાની મનઃસ્થિતિમાં આવી ગયા છીએ.

ફરી એક વાર કહેવાનું કે યોગિક વેલ્થ ભૌતિક વસ્તુઓને ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારવામાં રહેલી છે.


  • Follow us on: