- અફઘાન ક્રિકેટના વિકાસમાં BCCIની ભૂમિકા પણ મહત્ત્વની રહી છે
ભારતની યજમાનીમાં રમાતો આઈસીસી વન-ડે વર્લ્ડ કપ હવે લગભગ અંત ભાગમાં પહોંચી ગયો છે અને ઘણી મેચોમાં અનેક સનસનાટીભર્યા અપસેટ પણ જોવા મળ્યા છે. કેટલીક ટીમોએ ચમત્કારિક પ્રદર્શન કરીને તમામને ચકિત કર્યા છે તો બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ, વન-ડેની નંબર-1 પાકિસ્તાનની ટીમે શરમજનક દેખાવ કર્યો છે. નેધરલેન્ડ્સની ટીમ પાસે કદાચ વિશ્વની શક્તિશાળી ટીમો સામે વારંવાર રમવાનો અનુભવ નથી પરંતુ આ ટીમે પણ સારો દેખાવ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે કરેલું પ્રદર્શન અને તેણે કેટલીક મોટી ટીમો સામે વિજય મેળવીને જે સફર ખેડી છે તે કોઈ સ્વપ્ન સમાન જ લાગી રહ્યું છે. અફઘાનિસ્તાન માટે આ સફળતા ઘણી બાબતોમાં ક્રિકેટ કરતાં વધારે છે. આ એવો દેશ છે જે લાંબા સમયથી ગૃહયુદ્ધની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે. આ દેશમાં અડધી રાત્રે પણ તમને ગોળીઓ તથા બોમ્બ ઘડાકા સંભળાય છે. રેફ્યૂજી કેમ્પમાં શરણાર્થીઓ માટે સમય કાઢવો મુશ્કેલ છે. તેમણે સમય પસાર કરવા માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ઇન્ટરનેશનલ સ્તરે આજે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ જે સફળતા મેળવી રહી છે તે રેફ્યૂજી કેમ્પને આભારી છે. આ કેમ્પમાં ઘણા પ્રતિભાશાળી ક્રિકેટર્સ સપાટી ઉપર આવ્યા હતા. 1995માં અફઘાનિસ્તાન ક્રિકેટ ફેડરેશનની રચના પણ પાકિસ્તાનમાં થઈ હતી તે ઘણા ઓછા લોકો જાણતા હશે. તાલિબાનોના કારણે રમતોને ઘણું નુકસાન થયું છે પરંતુ રૂઢિચુસ્ત તાલીબાનો ક્રિકેટ પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે. 1996થી 2001 સુધી દેશમાં પ્રથમ વખત તાલિબાનોનું શાસન સ્થપાયું હતું ત્યારે તમામ રમતો ઉપર સખત પ્રતિબંધ હતો જેના કારણે કોઈ નાનું બાળક પતંગ પણ ઉડાવી શકતું નહોતું પરંતુ ક્રિકેટ રમવાની છૂટ હતી.
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે ત્યાંના લોકોએ રસ્તાઓ ઉપર આવીને મશીનગન દ્વારા હવામાં ગોળીબાર કરીને ઉજવણી કરી હતી. તાલિબાન સરકારે પણ સત્તાવારી રીતે પોતાની ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ખેલાડીઓને જે ડોલર્સમાં પેમેન્ટ મળે તેને તેમણે અફઘાનિસ્તાનની કચેરીમાં જમા કરાવવા પડે છે જેની સામે તેમને દેશનું નાણું આપવામાં આવે છે. 2001 સુધી પાકિસ્તાને અફઘાન ક્રિકેટને મદદ કરી હતી પરંતુ ભારતની એન્ટ્રી થઈ હતી. ભારતે અફઘાનિસ્તામાં સંસદ ભવન બનાવવા સહિતની અનેક વિકાસ યોજનાઓમાં સાથ આપ્યો હતો અને અફઘાન ક્રિકેટર્સને પણ ઘણી મદદ કરી હતી. બીસીસીઆઈએ તેમને નોઇડામાં સ્ટેડિયમ સહિત તમામ સુવિધાઓ આપી હતી. તાલિબાનની સત્તાનો અંત આવ્યાના એક વર્ષ બાદ આઈસીસીએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને માન્યતા આપી હતી.










