• લસ્ટ સ્ટોરીઝમાં તો મુખ્ય દૈહિક જરૂરિયાતમાંથી ઉદભવતી વાસનાની જ વાત થઈ રહી છે

  • પણ પહેલી સ્ટોરી લેક ઓફ લસ્ટ અને ઈમ્પોર્ટન્સ ઓફ લસ્ટની વાત કરે છે. લવ સાથે લસ્ટ પણ આવશ્યક છે

`નયી ગાડી લેને સે પહેલે હમ ટેસ્ટ ડ્રાઈવ કરતે હૈ ના, તો યે તો શાદી હૈ.' દાદી બનતી નીના ગુપ્તા આ ડાયલોગ બોલે છે ત્યારે કન્વિન્સ ન થવાતું હોય તો પણ સાવ અસહમત નથી થઇ શકાતું. લસ્ટ સ્ટોરીઝનો બીજો ભાગ આવ્યો અને એઝ યુઝવલ ખાસ દમદાર નથી. પણ પહેલી સ્ટોરીમાં નીના ગુપ્તાનું કેરેક્ટર યાદ રહી જાય છે. એ જોઇને ઘણા પરિણીતોને એમ થયું કે લગ્ન પહેલાં કાશ આવું માર્ગદર્શન અમને કોઈએ આપ્યું હોત. એરેન્જ મેરેજમાં `ઠેકાણું જોતી' વખતે દંભના પર્વતો રચાતા હોય છે. પણ લગ્નવ્યવસ્થા વિશે બહુ સાચી, મૌલિક અને નગ્ન ટિપ્પણી પીકે ફિલ્મમાં થઇ હતી કે સેક્સ છુપાઈને કરવાની ક્રિયા હોય તો લગ્ન વખતે ઢોલ-નગારાં વગાડીને આખા ગામને કેમ જાણ કરવામાં આવે છે?!

મંદિરમાં લગ્ન થઇ શકે પણ મંદિરની બહાર લગ્નની વાત કરી ન શકાય કે એ પ્રસ્તાવ મૂકતો વીડિયો બનાવી ન શકાય. આવા તો આપના રાષ્ટ્રીય અને ધાર્મિક દંભ છે. શંકર ભગવાને તેની પત્ની સતીના પિતા દક્ષ સામે પોતાની પત્ની માટે કેવું સ્ટેન્ડ લીધું હતું એ બધા જાણે છે. આજના પૂજારીઓ કે ગોર મહારાજ ઓનલાઈન વિધિઓ પણ કરાવે છે પરંતુ મંદિરની બહાર વીડિયો ઉતારવાની ના પાડી દે છે. આ દંભ છે. એવું જ વાસના બાબતે થયું છે. વાસના-લસ્ટ કોઈ ખરાબ વસ્તુ નથી. વાસના એટલે શું? મનમાં થઈ આવતી સ્વાભાવિક ઈચ્છા, ભાવના, પૂર્વના સંસ્કારોથી દૃઢ થયેલી કામના, તૃષ્ણા, મનોવૃત્તિ કે મનની અસર, વલણ, રુચિ, પ્રકૃતિ. આવું ભગવદગોમંડળ કહે છે. લસ્ટ એટલે કંઈ પણ મેળવવાની તીવ્ર લાલસા. ભગવદગોમંડળ વાસનાનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરે છે – આગળપાછળનો વિચાર કર્યા વિના એકએક ઉપજી આવનાર ક્રોધાદિક અમુક પ્રવૃત્તિઓ કે આપણી અંદર રહેલા એક સંસ્કારને વાસના કહેવાય છે! ઇન શોર્ટ, વાસના કુદરતી છે. વાસના માણસમાં ન હોય તો કંઈક ગરબડ છે એવું સમજવું. એ વાસનાને કંટ્રોલમાં ન રાખી શકો તો મોટી ગરબડ છે એવું સમજવું.

લસ્ટ સ્ટોરીઝમાં તો મુખ્ય દૈહિક જરૂરિયાતમાંથી ઉદભવતી વાસનાની જ વાત થઈ રહી છે. પણ પહેલી સ્ટોરી લેક ઓફ લસ્ટ અને ઈમ્પોર્ટન્સ ઓફ લસ્ટની વાત કરે છે. લવ સાથે લસ્ટ પણ આવશ્યક છે, કમ્પેટિબલ લસ્ટ. જે ઘણાં બધાં લગ્નોમાં નથી રહેતી. લગ્ન પહેલાં તો મનમાં બે નહીં પણ બાવીસ લડ્ડુ ફૂટતા હોય છે. કોઈ પણ સંબંધની શરૂઆતના સમયગાળામાં પ્રિયજનનો એક મેસેજ આવી જાય તો પણ રોમાંચનું લખલખું પસાર થઇ જતું હોય છે. ઉંમર ગમે તે હોય, સાચો પ્રેમ શરમાવાની તાકાત ધરાવે છે. પછી ધીમે ધીમે સંબંધ આગળ વધે, પછી જે રોમાંચ એક મેસેજ આપતો એવો રોમાંચ હાથ પકડવાથી મળે. દુનિયા સ્વર્ગ લાગે જ્યારે પહેલું લાંબું આલિંગન મળે. પહેલી કિસ તો આખો જન્મારો સફળ કરાવી દેશે એવી અનુભૂતિ થાય. પહેલી વખતનું લવ-મેકિંગ નિઃશબ્દ બનાવી દે. પછી લગ્ન થાય. લગ્ન પછી એ રોમાંચ ધીમેધીમે ઓસરતો જાય. બાળક કે બાળકો જન્મે પછી તો એવી સ્થિતિ હોય કે ભૂલથી લાઈફ પાર્ટનરની કોણી પણ અડી ગઈ તો સહેજ અણગમો થઇ જાય. લગ્ન પછી `મી-ટાઈમ'ની જરૂરિયાત ઊભી થઇ જાય. પહેલાં જે રોમાંચ એક સ્માઈલીના મેસેજથી મળતો એ રોમાંચ સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં પણ આવે નહીં. એવું કેમ?

એક કારણ તો તૃષ્ટિગુણ. માણસ સંતૃપ્ત થતું જાય અને ટેવાતું જાય. બીજું કારણ એ કે ઘણાં કપલમાં સેક્સ્યુઅલ કંપેટેબિલિટી હોતી જ નથી. એરેન્જ મેરેજમાં તો ખાનદાન, ઓળખાણ, નોકરી, ઘર, દેખાવ, રસોઈ આવડે કે નહીં – એ જ જોવાય છે. લગ્ન પછી લાંબો સમય સુધી સેક્સ્યુઅલ કંપેટેબિલિટી ન રહે એટલે સ્પાર્ક રહેતો નથી. લસ્ટ સ્ટોરીનાં દાદી કહે છે કે, આજ તેરે દાદાજી ઝિંદા હોતે તો આજ ભી હમારે દરવાજે કી કુંડી બંધ રહેતી. એ જ દાદી પોતાના સગા દીકરા અને વહુને ખીજાય છે કે તમારી બેડરૂમ લાઈફ તો કંઈ છે જ નહીં. આવાં તે કંઈ લગ્ન હોય? નો ફિલ્ટરવાળું આ સત્ય બધા જાણે છે પણ કોઈ જાહેરમાં બોલતું નથી.

માઉન્ટ ફુજી- લસ્ટ સ્ટોરીમાં નીના ગુપ્તા જે પાત્ર ભજવે છે તે આ કોડવર્ડ કહે છે. માઉન્ટ ફુજી એટલે ચરમસુખ-પરમસુખ. ગરમ લોહી જેની નસોમાં વહેતું હોય એવી યુવતી કે યુવાનની અંદર ધગધગી રહેલો જ્વાળામુખી જ્યાં સુધી ફાટીને ઠરે નહીં ત્યાં સુધી માણસ સંપૂર્ણ શાંતિને પામી શકતો નથી. માઉન્ટ ફુજીની તીવ્રતા ધીમેધીમે ઘટતી જતી હોય છે અને પછી બીજા પર્વતો શોધવા માટે નીકળવું પડે છે. સોશિયલ મીડિયાએ પારકા સ્ત્રોતો શબ્દશ: હાથવગા કરી નાખ્યા છે. એક અંદાજ મુજબ લગભગ દરેક ત્રીજી પરિણીત વ્યક્તિ ચેટિંગ થકી કે ઓફલાઈન સંબંધો થકી લગ્નેતર સંબંધમાં જોડાયેલી છે. ઘણા કેસમાં લગ્નેતર સંબંધમાંથી મળતું પીઠબળ જ લગ્નને ટકાવી રાખે છે. અજીબ ગણિત છે પણ સીધું સમીકરણ છે. આવી હકીકતો ઉપર દંભની તાડપત્રી નાખવાની કોશિશ આ સમાજ કરતો રહે છે પણ તેનાં ખોટાં પરિણામ જ્યારે આવે ત્યારે તેનો ભોગ બનનારા ઘણા નિર્દોષો હોય છે.

નિખાલસતા અને સ્વીકારભાવના. આ બે તત્ત્વો સોસાયટીમાં જ્યાં સુધી ખૂટતાં હશે ત્યાં સુધી સોસાયટીનો માણસ તેની સર્વોત્તમ કક્ષાએ પહોંચી શકવાનો નથી. જે પેરન્ટ્સ પોતાનાં બાળકો સાથે મન ખોલીને બધી વાત ન કરી શકે અને જે બાળકો પોતાનાં મમ્મી-પપ્પા પાસે દિલ ખોલીને બધું શૅર કરી ન શકે તો એવાં નબળાં ફેમિલી બનવાં જ શું કામ જોઈએ?


  • Follow us on: