આઇલાઇનર વગર પાર્ટી કે ફંક્શનમાં લુક અધૂરો લાગે છે. મેકઅપમાં કાજલ આઇશેડોની સાથે આઇલાઇનર લગાવવું બહુ જરૂરી છે. આઇશેડો ભલે સ્કિપ કરી દો પરંતુ આઇલાઇનર લગાવવાનું ક્યારેય ન ભૂલવું જોઇએ. મોટાભાગની મહિલાઓ પાર્ટી લુક માટે બ્લેક આઇલાઇનર લગાવવાનું જ પસંદ કરે છે, કારણ કે બ્લેક આઇલાઇનર દરેક લુક માટે બેસ્ટ છે એવું મનાય છે. પણ તમે જો મેકઅપ ટ્રેન્ડને ફોલો કરો છો તો કલર આઇલાઇનરનો ઉપયોગ કરવો યોગ્ય છે. માર્કેટમાં અનેક કલરની આઇલાઇનર મળે છે. બ્લેક ઉપરાંત આ કલરફુલ આઇલાઇનર પણ લગાવી શકો.
ગોલ્ડન કલર
ગોલ્ડન કલર બધા સ્કિન કલરમાં બેસ્ટ લુક આપે છે. ગોલ્ડન કલર એથનિક આઉટફિટની સાથે રોયલ લુક આપવાનું કામ કરે છે. ફેસ્ટિવલ સિઝન હોય કે વેડિંગ ફંક્શન બ્રાઇડ આ કલરને અપનાવે છે. તમે જ્યારે ગોલ્ડન કલરની આઈલાઇનર ખરીદી રહ્યાં હોવ ત્યારે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જ સિલેક્ટ કરો. ઘણી વખત લોકલ પ્રોડક્ટનો ઉપયોગ યોગ્ય લુક આપતો નથી. પાર્ટી લુક માટે જો તમે ટ્રાય કરી રહ્યાં હોવ તો બ્લેક આઇલાઇનરની સાથે હાઇલાઇટ કરતાં એને એપ્લાય કરો.
સિલ્વર કલર
પાર્ટી લુક માટે સિલ્વર કલર આઇલાઇનરનો પણ ઉપયોગ કરી શકાય છે. એનો ઉપયોગ કરતાં પહેલાં આઉટફિટની સાથે તેને જરૂર મેચ કરો. સિલ્વર કલરની આઇલાઇનર દરેક પ્રકારના આઉટફિટ સાથે મેચ થતી નથી. તેથી તેનો ઉપયોગ પાર્ટી લુકમાં સમજીવિચારીને કરો.
બ્લૂ કલર
પાર્ટીમાં તમે ડિફરન્ટ લુક મેળવવા ઇચ્છો છો તો બ્લૂ આઇલાઇનરનો ઉપયોગ કરી શકો છો. મેટ અને ગ્લિટર બંને કલરનો ઉપયોગ કરી શકાય. ટ્રેડિશનલ લુક માટે તમે સુપરમેટ આઇલાઇનર પસંદ કરી શકો છો. જો તમે વેસ્ટર્ન લુક કૅરી કરી રહ્યાં હોવ તો એની સાથે ગ્લિટર બ્લૂ આઇલાઇનર સારી લાગે છે.
ગ્રીન કલર
પાર્ટીમાં તમને લોકો નોટિસ કરે એવું ઇચ્છો છો તો ગ્રીન કલરની આઇલાઇનર એપ્લાય કરો. કલર આઇલાઇનર વોટરપ્રૂફ હોવી જોઇએ, કારણ કે એ ફેલાયા પછી તમારા લુકને ખરાબ પણ કરી શકે છે. બ્લેક આઉટફિટ અથવા શિમરી ગ્રીન આઉટફિટની સાથે ગ્રીન કલરની આઇલાઇનર ઉત્તમ લાગે છે. આ તમારા લુકને એટ્રેક્ટિવ બનાવવામાં મદદ કરે છે. તમે એને સિમ્પલ રીતે તમારી આંખ પર એપ્લાય કરી શકો છો. જ્યારે જ્યારે કલર આઇલાઇનરનો ઉપયોગ કરો ત્યારે તેને ડબલ કોટ કરવાનું ન ભૂલવું જોઇએ. એનાથી તેનો લુક આકર્ષક લાગશે. બ્લેકની સાથે કલરફુલ આઇલાઇનર લુકને એન્હાન્સ કરવાનું કામ કરે છે.