રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં આવેલા બુંદેલખંડ, ઓરછાના અયોધ્યા તરીકે ઓળખાતું રામ રાજા મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જે જ્યાં રામ ભગવાનને ભગવાનના રૂપમાં નહીં પરંતુ એક રાજાના સ્વરૂપે પૂજવામાં આવે છે. આ મંદિરમાં વિશેષ અવસરે, તહેવારે અનેક પ્રકારના ઉત્સવોનું પણ આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, એક રાજા તરીકે અહીં ભગવાન શ્રી રામને ચાર વારની આરતીમાં સશસ્ત્ર સલામી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ઓરછા નગરના પરિસરમાં આ ગાર્ડ ઓફ ઓનર રામ રાજા સિવાય દેશના કોઇ પણ વીવીઆઇપીને પણ આપવામાં આવતું નથી. નોંધનીય છે કે આ પરંપરા અંગ્રેજી શાસનકાળ પૂર્વેથી ચાલી આવે છે. હાલમાં અહીં મધ્ય પ્રદેશની પોલીસ રાજા રામને સલામી આપે છે. અહીં એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શ્રી રામનાં બે નિવાસ સ્થાન ખાસ છે. ભગવાન દિવસભર ઓરછામાં રહે છે અને સૂવા માટે અયોધ્યા ચાલ્યા જાય છે. રામ રાજા મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પહેલાં ચતુર્ભુજ મંદિરમાં રાખવાની હતી પરંતુ તેને પહેલાં જે સ્થાન પર રાખી હતી ત્યાંથી હટાવી ન શકાઈ. રામ રાજા મંદિરની દીવાલો આરસપહાણમાંથી બનાવેલી છે ઉપરાંત મંદિરની કોતરણી પણ મન મોહી લે તેવી છે. રામ રાજા મંદિરને ભારતનાં સૌથી સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર ગણવામાં આવે છે.
કાલારામ મંદિર, નાસિક
મહારાષ્ટ્રના નાસિક, પંચવટી ક્ષેત્રમાં આવેલું કાલારામ મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. કાલારામ એટલે `કાળા રામ'. કાલારામ મંદિરનું નામ તેમની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિને કારણે પડ્યું છે. આ મંદિરમાં સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવેલી છે. એક માન્યતા પ્રમાણે ભગવાન રામ જ્યારે ચૌદ વર્ષના વનવાસ માટે ગયા હતા ત્યારે દસમા વર્ષ પછી તેઓ સીતા માતા અને લક્ષ્મણની સાથે પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે રહેવા માટે આવ્યા હતા. આ મંદિરનું નિર્માણ 1782માં સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે એક વાર એવું સપનું જોયું હતું કે ભગવાન શ્રી રામની એક કાળી મૂર્તિ ગોદાવરી નદીમાં છે અને તે પછીના દિવસે જ તેમણે નદીમાંથી કાળી મૂર્તિ નિકાળી હતી. ત્યારબાદ આ મૂર્તિને કાલારામ મંદિરમાં વિધિવત્ સ્થાપિત કરવામાં આવી હતી.
રઘુનાથ મંદિર, જમ્મુ
જમ્મુમાં આવેલું રઘુનાથ મંદિર ઉત્તર ભારતમાં આવેલું એક સુપ્રસિદ્ધ મંદિર છે. રઘુનાથ મંદિર પરિસરમાં લગભગ અન્ય સાત મંદિરો પણ આવેલાં છે જે હિન્દુ દેવી-દેવતાઓનાં છે. આ મંદિરની સ્થાપના 1835માં મહારાજા ગુલાબસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની અંદરની દીવાલ સોનાની ચાદરથી મઢવામાં આવી છે. અહીં `લિંગમ' અને `સેલગ્રામ'ની મોટી ગેલેરી પણ છે. નોંધનીય છે કે આ મંદિર હિન્દુ પંથનાં આકર્ષક ચિત્રોથી બનાવવામાં આવ્યું છે જે અન્ય મંદિરોમાં જોઈ શકાતું નથી. આ મંદિરમાં બહારની બાજુ પાંચ કળશ જોવા મળે છે. ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની વિશાળ મૂર્તિ પણ અહીં જોવા મળે છે. ઉપરાંત અહીં મહાભારત અને રામાયણકાળનાં પાત્રોની મૂર્તિઓ પણ છે. વધુમાં અહીં રામેશ્વરમ ધામ, દ્વારકાધીશ ધામ, બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામનાં દર્શન પણ કરી શકાય છે.
ત્રિપ્રયાર શ્રી રામ મંદિર, કેરળ
ત્રિપ્રયાર શ્રી રામ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. અહીં સ્થાપવામાં આવેલી ભગવાન શ્રી રામની મૂર્તિ વિશે એક સુંદર મજાની આધ્યાત્મિક માન્યતા છે. અહીં સ્થાપવામાં આવેલી મૂર્તિની પૂજા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવે છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવતી હોય અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. વિશેષમાં અહીં ભગવાન શ્રી રામની મૂર્તિ અને લાકડાંની કોતરણી ખૂબ જ આકર્ષક અને મન મોહનારી છે. વધુમાં આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે, આ મંદિરનાં દર્શનમાત્રથી આપણી આસપાસના તમામ દુષ્ટ આત્માઓથી મુક્તિ મળી જાય છે. નોંધનીય છે કે, એકાદશીનો ઉત્સવ અહીં ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે.
સીતા રામચંદ્રસ્વામી મંદિર, તેલંગાણા
આ મંદિર તેલંગાણાના ભદ્રાદી કોઠાગુડેમ જિલ્લાના ભદ્રાચલમમાં આવેલું છે. આ મંદિરનું એક અલગ જ માહાત્મ્ય છે. જે હિન્દુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે રામચંદ્રસ્વામી મંદિર ત્યાં આવેલું છે જ્યાં ભગવાન શ્રી રામે સીતા માતાને લંકાથી પરત લાવવા માટે ગોદાવરી નદી પાર કરી હતી. મંદિરની અંદર સ્થાપવામાં આવેલી મૂર્તિમાં ભગવાન શ્રી રામ હાથમાં ધનુષ્ય અને તીર લીધેલા અને સીતા માતા હાથમાં કમળ લઈને તેમની પડખે ઊભાં રહેલાં જણાય છે. ભગવાન શ્રી રામ અને સીતાની આવી મૂર્તિ જવલ્લે જ જોવા મળે છે. ભદ્રાચલમની એક એવી પણ માન્યતા છે કે, આ જગ્યાથી અંદાજિત 30થી 32 કિલોમીટર દૂર આવેલી પર્ણશાલા નામની એક જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામે તેમનો 14 વર્ષના વનવાસનો કેટલોક સમય અહીં પણ વિતાવ્યો હતો. તેમજ રાવણે આ જ જગ્યાએથી સીતા માતાનું અપહરણ કર્યું હતું.
રામાસ્વામી મંદિર, તામિલનાડુ
તામિલનાડુના કુંભકોણમમાં આવેલું રામાસ્વામી મંદિર શ્રદ્ધાળુઓને ખૂબ જ આકર્ષે છે. આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા પણ કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ તંજાવુર જિલ્લાના અચ્યુત નાયક દ્વારા 16મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંદિર રામાયણ મહાકાવ્યથી વિશેષ રીતે સંબંધિત છે. એક માન્યતા પ્રમાણે રામ ભગવાન પોતાના પૂરા પરિવાર સાથે અહીં નિવાસ કરતા હતા. આ મંદિરમાં ભગવાન શ્રી રામની સાથે, સીતા માતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ જોવા મળશે. આ મંદિર પરિસરમાં અન્ય ત્રણ મંદિર પણ આવેલાં છે જેનું નામ અલવર સન્નથી, શ્રીનિવાસ સન્નથી અને ગોપાલન સન્નથી છે.