હિન્દુ દેવીઓમાં સૌથી જાગ્રત દેવી તરીકે મહાકાળી માતાને ઓળખવામાં આવે છે. મહાકાળી માતાને ભારતમાં સૌથી વધુ બંગાળમાં અને આસામમાં પૂજવામાં આવે છે. મહાકાળી શબ્દનો અર્થ કાળ અને કાળા રંગથી છે. કાળનો અર્થ સમય થાય છે. મહાકાળી માતાને દુર્ગા દેવીની દસ મહાવિદ્યાઓમાંથી એક માનવામાં આવે છે. મૂળ રીતે મહાકાળીનાં દક્ષિણા કાલી, સ્મશાન કાલી, માતૃ કાલી અને મહાકાળી એમ ચાર સ્વરૂપ છે. દિવાળી દરમિયાન કાળી ચૌદશના રોજ ભક્તો મહાકાળી માતાનાં દર્શનાર્થે અને તેમની કૃપા મેળવવા તેમના મંદિરે જાય છે અને ઘરે પણ તેમની વિધિસર પૂજા-અર્ચના કરતા હોય છે.
કોલકાતાનું દક્ષિણેશ્વર કાલી મંદિર
રામકૃષ્ણ પરમહંસની આરાધ્યા દેવી એટલે કે મહાકાળી માતાનું કોલકાતામાં વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે. કોલકાતાની ઉત્તરમાં વિવેકાનંદ પૂલની પાસે આવેલા આ મંદિરને દક્ષિણેશ્વર કાલી મંદિર તરીકે પણ વિશેષ ઓળખવામાં આવે છે. આ સમગ્ર વિસ્તારને કાલીઘાટ કહેવામાં આવે છે. આ સ્થાન પર સતીના દેહમાંથી જમણા પગની ચાર આંગળી પડી હતી. આ મંદિરનો સમાવેશ શક્તિપીઠમાં પણ કરવામાં આવે છે. આમ તો પ્રાચીન સમયથી જ આ શક્તિપીઠ છે, પરંતુ ઈ.સ. 1847માં જાનબઝારની મહારાણી રાસમણિએ આ મંદિરનું ભવ્ય નિર્માણ કરાવ્યું હતું. અંદાજે 25 એકરમાં ફેલાયેલા આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1855માં પૂરું થયું હતું. અહીં વાર, તહેવાર અને ખાસ કરીને નવરાત્રિ અને કાળીચૌદશમાં શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે.
મધ્ય પ્રદેશનું શારદામાઈ મંદિર
મધ્ય પ્રદેશના સતના જિલ્લાના ગામ મેહરમાં માતા શારદાનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે, સાંજની આરતી થયા બાદ મંદિરના કપાટ બંધ કરીને તમામ પૂજારીઓ નીચે આવી જાય છે અને ત્યારે અંદરથી ઘંટડી અને પૂજા કરવાનો અવાજ આવે છે. વહેલી સવારે પણ અહીં આરતીનો અવાજ સંભળાય છે. મધ્ય પ્રદેશનું આ મંદિર મહાકાળી માતાના પ્રસિદ્ધ મંદિર તરીકે પણ ઓળખાય છે અને અહીં શ્રી કાળભૈરવી, હનુમાન ભગવાન, માતા દુર્ગા ઉપરાંત શ્રી ગૌરીશંકર, શેષનાગ સાથે બ્રહ્મદેવની પણ પૂજા કરવામાં આવે છે. અહીં માતા સતીનો હાર પડ્યો હતો અને આ મંદિરની ગણના પણ શક્તિપીઠમાં થાય છે. આ મંદિરમાં માતાનાં દર્શન કરવા માટે અંદાજે 1,063 સીડીઓ ચઢવી પડે છે. આ મંદિરને લઇને એક માન્યતા એવી પણ છે કે 9મી અથવા તો 10મી શતાબ્દીમાં અહીં આદિગુરુ શંકરાચાર્યએ પૂજા-અર્ચના કરી હતી. નોંધનીય છે કે, અહીં માતા શારદાની મૂર્તિની સ્થાપના વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી.
ઉજ્જૈનનું મા ગઢ કાલિકા
ઉજ્જૈનના કાલીઘાટસ્થિત કાલિકા માતાનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. જેને ગઢકાલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલજયી કવિ કાલિદાસ ગઢકાલિકા દેવીના મોટા ઉપાસક હતા. અહીં દર વર્ષે કાલિદાસ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને આયોજન પૂર્વે મા કાલિકાની આરાધના કરવામાં આવે છે. અહીં માતાનાં દર્શન કરવા બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડ જામતી હોય છે. આ મંદિરની પ્રાચીનતા વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ આ મંદિરની સ્થાપના મહાભારતકાળમાં થઇ હોવાનું માનવામાં આવે છે, જોકે અહીં જે મૂર્તિ છે તે સતયુગ કાળીની હોવાનું પણ માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિરનો જિર્ણોદ્ધાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સ્ટેટકાળમાં ગ્વાલિયરના મહારાજાએ આ મંદિરનું પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું.
ગુજરાતની પાવાગઢ શક્તિપીઠ
ગુજરાતની પ્રાચીન રાજધાની કહેવાતી ચાંપાનેરમાં મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જે વડોદરા શહેરથી અંદાજે 50 કિમી. આવેલું છે. પાવાગઢના આ મંદિરનો સમાવેશ પણ શક્તિપીઠમાં થાય છે. પાવાગઢમાં સતી માતાની છાતી પડી હતી. પાવાગઢના પહાડી વિસ્તારોને વિશ્વામિત્ર સાથે પણ સાંકળવામાં આવે છે, કારણ કે ગુરુ વિશ્વામિત્રએ અહીં મહાકાળી માની તપસ્યા કરી હતી. અહીં બારેમાસ ભક્તો મહાકાળી માતાનાં દર્શનાર્થે આવે છે. જ્યારે નવરાત્રિ અને પૂનમમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાના આશીર્વાદ મેળવવા આવે છે.
ઉત્તરાખંડનું કાલિકા મંદિર
દસમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યે આ મંદિરની સ્થાપના કરી હતી. એક ધાર્મિક માન્યતા પ્રમાણે અહીં કાળ નામના રાક્ષસનો ખૂબ જ આતંક રહેતો હતો. જે દર વર્ષે એક નરબલિ લેતો હતો. આ અદૃશ્ય કાળ જે કોઇનું પણ નામ લેતો હતો તેનું તુરંત જ મૃત્યુ થઇ જતું હતું. કાળના ભયથી સૌ કોઈ પરેશાન રહેતા હતા. આ દરમિયાન આ વિસ્તારના લોકોએ પોતાની આપવીતી આદિ શંકરાચાર્યને જણાવી હતી અને તેમણે સ્થાનિક લુહાર પાસે સાત તાવડા બનાવડાવ્યા હતા તેમજ આ સાત તાવડાની નીચે તે અદૃશ્ય કાળને દબાવી દીધો હતો. ત્યારબાદ તેના ઉપર મોટી શિલા મૂકી દીધી હતી. ત્યારબાદ તેમણે અહીં એક વૃક્ષનાં મૂળિયાંમાં કાલિકા માતાની સ્થાપના કરી હતી અને ત્યારથી જ કાળનો ખૌફ દૂર થઇ ગયો હતો.
શિમલાનું ભીમાકાલી મંદિર :
શિમલાથી અંદાજિત 180 કિમી.ના અંતરે સરાહનમાં વ્યાસ નદીના તટ પર ભીમાકાલીનું મંદિર આવેલું છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે અહીં માતા સતીના કાન પડ્યા હતા તેથી આ પવિત્ર જગ્યાનો સમાવેશ પણ શક્તિપીઠ તરીકે થાય છે. અહીં દેવીએ ભીમનું સ્વરૂપ ધારણ કરીને અસુરોનો વધ કર્યો હતો તેથી માતાને અહીં દેવી ભીમા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દેવી કાલીની પૂજા કરવામાં આવે છે. વાર-તહેવારે અને ખાસ કરીને નવરાત્રિ અને દિવાળી દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. આ વિસ્તાર વિશે એમ પણ કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં રાક્ષસ વાણાસુરનો પણ વધ કર્યો હતો.
વિદેશમાં મહાકાળી માતાનાં મંદિરો
મહાકાળી માતાનો મહિમા ભારતમાં તો છે જ પણ સાથેસાથે વિદેશોમાં પણ મહાકાળી માતાનાં મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં ફ્લોરિડાના લોકહાર્ટમાં શ્રી મહાકાળીનું મંદિર, કેલિફોર્નિયાના લગુના બીચ પાસે આવેલું મા દક્ષિણેશ્વર કાલી મંદિર ઉપરાંત અમેરિકાના વોશિંગ્ટનમાં પણ માતા કાલીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરોમાં દરરોજ માતાજીની આરતી-આરાધના, સ્તુતિ અને વિધિવત્ પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં અને દિવાળી પર્વ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ મહાકાળી માતાનાં દર્શનાર્થે આવે છે.
નક્કામી વસ્તુઓને ઘરમાંથી કાઢો બહાર
આમ જોવા જઈએ તો દિવાળી પહેલાં ઘરની સાફસફાઈનું વિશેષ મહત્ત્વ છે. એમાંય કાળીચૌદશના દિવસે તો ખાસ સ્વચ્છતા જાળવવી જોઇએ. આ દિવસે ઘરમાંથી તમામ પ્રકારનો તૂટેલો-ફૂટેલો સામાન જેમ કે, તૂટેલું ફર્નિચર, ફાટી ગયેલા સ્ટીલના ડબ્બા, તૂટેલા કે તિરાડ પડી ગઈ હોય એવો કાચ, ધાતુની નક્કામી પડેલી વસ્તુઓ વગેરેને ઘરની બહાર કાઢી નાંખવી જોઇએ. ઘરમાં નક્કામી, કટાઇ ગયેલી અને તૂટેલી વસ્તુઓ દોષરૂપ માનવામાં આવે છે. આવી વસ્તુઓને શાસ્ત્રોમાં નરકસમાન પણ મનાય છે, એટલે ઘરમાંથી તેને દૂર કરવાથી સ્વર્ગસમાન વાતાવરણ બની રહેશે.
શ્રી મહાકાળી મંત્ર
॥ ઓમ ક્રીં હ્રૂં હ્રીં હૂઁ ફટ્॥
તમે તમારા જીવનમાં આવનારાં બધાં દુઃખોનું નિરાકરણ લાવવા ઇચ્છો છો તો નિયમિત રીતે મહાકાળીના આ પાંચ અક્ષરી મંત્રનો રોજ બ્રહ્મ મુહૂર્તમાં 108 વખત જાપ કરવાથી તમારા જીવનમાં આવનારાં બધાં દુઃખોનું નિદાન મહાકાળી સ્વયં કરે છે. આ ઉપરાંત તમારા જીવનને ધન-ધાન્યથી ભરપૂર કરી દે છે. આ દિવ્ય અને શક્તિશાળી મંત્રનો ઉપયોગ તમે પરિવારની શાંતિ માટે પણ કરી શકો છો.
કાલભૈરવ મંત્ર
॥ ઓમ કાલભૈરવાય નમ:॥
આ મંત્રનો 108 વખત જાપ કરવાથી ભૈરવનાથ જલદી પ્રસન્ન થાય છે. શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરીને આ મંત્રનો જાપ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. દુઃખ અને દરિદ્રતા નાશ પામે છે.










