પ્રશાંતચંદ્ર મહાલનોબિસ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રીય હતા. તેમનો જન્મ કોલકાતામાં 1893માં થયો હતો. તેમના પિતા પ્રબોધચંદ્ર મહાલનોબિસ સાધારણ બ્રહ્મસમાજના સક્રિય સભ્ય હતા. તેમની માતા નિરોદબસિની બંગાળના શિક્ષિત કુળનાં હતાં. પ્રશાંતનું બાળપણ વિદ્વાનો અને સુધારકોના સાંનિધ્યમાં પસાર થયું. તેમનો સ્કૂલનો અભ્યાસ દાદા દ્વારા સ્થાપિત સ્કૂલમાં થયો હતો. એ પછી પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં ઓનર્સ કર્યું અને ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરવા માટે લંડન જતાં રહ્યા. પ્રેસિડેન્સી કૉલેજમાં જગદીશચંદ્ર બોઝ, શારદા પ્રસન્નદાસ અને પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોએ એમને ભણાવ્યા. લંડન જઇને તેમણે કેમ્બ્રિજમાં એડમિશન લીધું.
ભૌતિક અને ગણિત બંને વિષયોમાં તેમણે ડિગ્રી મેળવી હતી. એ પછી થોડા સમય માટે કોલકાતા પરત ફર્યા. અહીં એમને પ્રેસિડેન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનું આમંત્રણ મળ્યું. થોડા સમય પછી પ્રશાંત ઇંગ્લેન્ડ જતા રહ્યાં ત્યાં જઇને બાયોમેટ્રિકનો અભ્યાસ કર્યો. જે આંકડાકીય જર્નલ હતી. તેને ભણીને એટલા ખુશ થયા કે એનો એક સેટ ખરીદીને ભારત લઈ આવ્યા. એ પછી તેમણે માનવશાસ્ત્ર અને મૌસમ વિજ્ઞાન જેવા વિષયોમાં આંકડાનો ઉપયોગ કરી શકાય એનું જ્ઞાન થયું અને એના ઉપર કામ કરવાનું શરૂ કર્યું. ધીરેધીરે એમાં લોકો જોડાતા ગયા. પરિણામે તેમણે કોલકાતામાં ભારતીય સંખ્યાત્મક સંસ્થાનની સ્થાપના કરી. આ ઉપરાંત પ્રશાંતચંદ્રએ ભારતમાં દ્વિતીય પંચવર્ષીય યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. તેમને `મહાલનોબિસ દૂરી' માટે પણ ઓળખવામાં આવે છે.










