જળ તત્ત્વની રાશિ હોય તો નીચાણવાળા ભાગ, જમીન કે જમીનની નીચે, ભોંયરા કે પાણીની જગ્યાએ અને પૃથ્વી તત્ત્વની રાશિ હોય તો જમીન, ફ્લોર કે નીચેના ભાગમાં વસ્તુ હોવાની શક્યતાઓ છે
જ્યોતિષશાસ્ત્ર એ એટલું ગહન શાસ્ત્ર છે જે વ્યક્તિના જીવનની અનેક બાબતોમાં સહાય કરી શકે અગર તો માર્ગદર્શન આપી શકે છે. તે કોઈ જાદુ નથી કે કોઈનું ધાર્યું કામ કરી નાખે, પરંતુ સહાયરૂપ તો થઇ જ શકે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણી અગત્યની વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તેને શોધવા માટે અગર તો ક્યાંથી, કઈ દિશામાંથી મળશે, કેટલા સમયમાં મળશે વગેરે બાબતો જાણવા માટે આપણે જ્યોતિષ શાસ્ત્રનો સહારો લઇ શકીએ છીએ.
આ પ્રકારને લગતા પ્રશ્નો માટે પ્રશ્નકુંડળીનો સહારો લેવાતો હોય છે, પરંતુ તેના ચોક્કસ નિયમો છે. એક તો પ્રશ્નકર્તાએ તે વસ્તુ શોધવા પૂરતા પ્રયત્નો કરેલા છે પછી જ તે વસ્તુ માટે પ્રશ્ન કરેલો છે. બીજું, પ્રશ્ન કર્યાનો ચોક્કસ સમય નોંધવામાં આવે છે અને તે સમયની જ પ્રશ્નકુંડળી મૂકવામાં આવે છે. પ્રશ્ન જ્યારે પહેલી વાર પૂછવામાં આવ્યો હોય તે સમયને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમની વસ્તુ ખોવાઈ હોય તેમને પોતે જ પ્રશ્ન પૂછવો જોઈએ નહીં કે તેમની કોઈ ઓળખીતી વ્યક્તિએ. એક બાબત માટે એક જ વાર પ્રશ્ન પૂછવો. પ્રશ્નને સંપૂર્ણ રીતે સમજ્યા પછી જ તેનો નિષ્કર્ષ કાઢવામાં આવે છે. ત્યારે જ ચોકસાઈપૂર્વક ખોવાયેલી વસ્તુની માહિતી મેળવી શકાય છે.
પ્રશ્નકુંડળી જ્યારે મૂકવામાં આવે ત્યારે ચંદ્રની સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. કુંડળીમાં બીજા અને ચોથા સ્થાનનો અભ્યાસ કરવો જોઈએ. તે સ્થાનના માલિક ગ્રહ કુંડળીમાં ક્યાં આવેલા છે તે વસ્તુની હોવાની દિશા અને અન્ય સંકેત આપે છે. જેમ કે, કુંડળીના કેન્દ્રસ્થાનમાં (1, 4, 7, 10 સ્થાન) તે ગ્રહ હોય તો વસ્તુ જલદી મળી શકે છે.
હવે બીજા સ્થાનના માલિકગ્રહ સાથે અન્ય કયા ગ્રહો આવેલા છે તેના દ્વારા જાણી શકાય છે કે તે વસ્તુ અન્ય કઈ વસ્તુ સાથે કે કઈ જગ્યાએ હોઈ શકે છે. જેમ કે, બીજા સ્થાનના માલિક ગ્રહ સાથે ચારપાંચ ગ્રહો બીજા હોય તો તે ગ્રહો સાથે સંકળાયેલી વસ્તુઓ સાથે કે તેમની વચ્ચે ખોવાયેલી વસ્તુ હોઈ શકે છે. દરેક ગ્રહો સાથે સંકળાયેલી વસ્તુ હોય છે જે નીચે પ્રમાણે છે :
સૂર્ય : સોનું, પિત્તળ, મોંઘી વસ્તુઓ અને વૈભવી રાચરચીલું
ચંદ્ર : ચાંદી, ચાંદીનાં વાસણો, રસોડાની વસ્તુઓ, પ્રવાહી વસ્તુઓ
મંગળ : સાધનો, મશીનરી, સ્ટીલ, લોખંડ, ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ, ઈલેક્ટ્રિકલ વસ્તુઓ
બુધ : કાગળ, પુસ્તકો, ડોક્યુમેન્ટ્સ, પૈસા (ચલણી નોટો)
ગુરુ : ધાર્મિક વસ્તુઓ, સોવેનિયર્સ કે ખાસ વસ્તુઓ, શિક્ષણને લગતી જગ્યા કે વસ્તુઓ
શુક્ર : તાંબુ, કાંસુ દાગીના, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, મોજશોખની વસ્તુઓ
શનિ : ચામડું, સીસું, ઝિંક, કાર્યસ્થળને લગતી વસ્તુઓ, નોકરવર્ગ
રાહુ : કાચ, તમાકુ, કેફી દ્રવ્ય, દવાઓ, વૈભવી વસ્તુઓ
કેતુ : પસ્તી કે વધારાની વસ્તુઓ, કચરો, બાથરૂમ કે ટોઈલેટરીઝ, અવાવરું જગ્યા
જે તે ગ્રહો સાથે હોય તો તેને લગતી વસ્તુ કે જગ્યાએ ખોવાયેલી વસ્તુ હોઈ શકે છે. તે જ રીતે બીજા સ્થાનમાં કયા તત્ત્વની રાશિ છે તેના આધારે પણ ખોવાયેલી વસ્તુની બાબતો જાણી શકાય છે. જેમ કે, વાયુ તત્ત્વની રાશિ.
વસ્તુ ઊંચાઈ પર, બારી-બારણાંમાં હોય, અગ્નિ તત્ત્વની રાશિ હોય તો મધ્યમ ઊંચાઈ પર, જળ તત્ત્વની રાશિ હોય તો નીચાણવાળા ભાગ, જમીન કે જમીનની નીચે, ભોંયરા કે પાણીની જગ્યાએ અને પૃથ્વી તત્ત્વની રાશિ હોય તો જમીન, ફ્લોર કે નીચેના ભાગમાં વસ્તુ હોવાની શક્યતાઓ છે.
તે જ રીતે કુંડળીનું લગ્ન ચર રાશિ (મેષ, કર્ક, તુલા, મકર) હોય તો ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ ઘણી દૂર હોઈ શકે છે. જો લગ્નમાં સ્થિર રાશિ (વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ) હોય તો તે નજીકની જગ્યાએ, ક્યાં તો ઘરમાં જ હોઈ શકે છે અને જો લગ્નમાં દ્વિસ્વભાવ રાશિ (મિથુન, કન્યા, ધન, મીન) હોય તો વસ્તુની જગ્યા બદલાઈ શકે અને તે ક્યાં હોય તે કહેવું મુશ્કેલ બને.
સહુથી અગત્યની બાબત છે નક્ષત્ર. જો પ્રશ્નકર્તાને વસ્તુ ખોવાઈ જવાનો સમય ખ્યાલ હોય તો કયા નક્ષત્ર દરમિયાન તે વસ્તુ ખોવાઈ કે ચોરાઈ તે જાણી શકાય છે અને નક્ષત્ર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
અંધ નક્ષત્રો ખોવાયેલી વસ્તુની જગ્યા જાણી શકાય છે.
કેટલાક ઉપાય સહાયરૂપ થઈ શકે છે, જેમાં -
નીચે જણાવેલા મંત્રની એક માળા કરી શકાય છે.
कार्तवीर्यार्जुनोनम: राजा बाहु सहस्त्रवान् I
यस्य स्मरणमात्रेण गतं नष्टंच लभ्यते II
તમાલપત્રમાં ઇચ્છા લખીને તેને માટીના પાત્રમાં બાળી દેવું.
પ્રશ્નકુંડળીમાં ખોવાયેલી વસ્તુઓ માટે ઉપર દર્શાવેલી બાબતો સિવાય કુંડળીનું ભાગ્યસ્થાન (ભાગ્યસ્થાનમાં આવેલા ગ્રહો અને ભાગ્યસ્થાનના માલિક ગ્રહની સ્થિતિ, કુંડળીમાં ચંદ્ર અને સૂર્યની સ્થિતિનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. આ બધી બાબતોના આધારે ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ વિશેની જાણકારી મેળવી શકાય છે. જીવનના આવા અનેક પાસાઓ વિશે જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણકારી મેળવી શકાય છે, પરંતુ આ શાસ્ત્રનો સાચો અને યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે.










