એમ તો કાકાસાહેબ કાલેલકરે ઉનાળાનો બપોર અંગે લખીને તેનો મહિમા ગાયો છે. જોકે, આજકાલ ગરમી એવા પરેશાન કરી મૂકતી હોય છે, ત્યારે તેને આવકારવાનું તો મન પણ નહીં થાય. પરસેવે રેબઝેબ કરી દેતી ગરમીને આવકારવા માટે ફેસ્ટિવલ યોજાય એ તો અચંબામાં મૂકી દે. છતાં કેટલાય દેશોમાં ઉનાળાને આવકારવા માટે ભવ્ય ઉત્સવો યોજાતા હોય છે.

ખાસ કરીને પશ્ચિમના દેશો ઠંડા હોય છે. શિયાળો આકરો હોય છે. બરફવર્ષા પણ થતી રહેતી હોય છે, ત્યારે શિયાળાની વિદાય સાથે ઉનાળાની ગરમીનો આનંદ લોકોમાં જોવા મળતો હોય છે. સતત ઠંડી વચ્ચે સૂર્યનારાયણનાં દર્શન થાય અને એ ગરમી સ્વાસ્થ્ય માટે પણ જરૂરી હોય છે. થોડા દિવસની એ ગરમીને આવકારવા માટે લોકો થનગનતા હોય છે. આયરલેન્ડના બિલ્ટેન ફેસ્ટિવલ દરમિયાન આગ સાથે મનમોહક પ્રદર્શન અને પ્રાચીન વાતાવરણનો માહોલ ઊભો કરીને લોકો ગરમીને આવકારતા હોય છે. જોકે, કેટલું આશ્ચર્યજનક લાગે! ગરમીને આવકારવા માટે આગનો ઉપયોગ! આપણે ત્યાં તો ગરમી એવો પરસેવો પડાવી દે કે ઉનાળાને આવકારવા માટે આગ લઈને નીકળો તો ગાંડામાં ખપી જાવ. જોકે, યુરોપના દેશોની વાત જુદી છે. એ ઠંડા પ્રદેશોમાં ગરમી એટલે કે ઉનાળો લોકોને વધુ પસંદ પડતો હોય છે. એ કારણે જ લોકો ઉનાળાને આવકારવા માટે ઘેલા થતા હોય છે.

આયરલેન્ડના રાથન્યુમાં ઈશ્રાની પહાડો પર ગરમીને આવકારવા માટે ફાયર ફેસ્ટિવલ દરમિયાન કલાકાર મશાલ હાથમાં લઈને આગળ વધે છે. આ ફેસ્ટિવલમાં કલાકારો આગ સાથેના હેરતઅંગેજ કરતબ દેખાડતા હોય છે. ફાયર ફેસ્ટિવલ જોવા માટે લોકો દૂર દૂરથી પહાડ પર પહોંચતા હોય છે. અંધારું થતાં જ ફાયર ફેસ્ટિવલ સોળે કળાએ ખીલી ઊઠે છે.

અલગ અલગ જૂથોમાં લોકો જુલૂસ કાઢતા આવતા હોય છે. મહિલાઓ ફાયર ડાન્સ કરતી હોય છે. પુરુષ કલાકાર પણ જુદા જુદા પ્રકારના ખેલ દેખાડતા હોય છે. ખાસ કરીને મોમાંથી આગનો ફુવારો કાઢતા હોય છે, તો કેટલાક વળી કુહાડી પરની આગ સાથે કરતબ દેખાડતા હોય છે. આ ઉત્સવમાં આપણે હોળી સળગાવીએ એમ આયરલેન્ડના લોકો લાકડાનો ઢગલો કરી તેને સળગાવી તેની આસપાસ કલાકારો કળા દેખાડતા હોય છે. સંગીતના સૂર અને આગ સાથેના કરતબની સાથે સાથે લોકો નાચગાન કરતા હોય છે. વળી, અંધારાનો આ ઉત્સવ જાણે ધરતી પર પ્રકાશનું પ્રદૂષણ ફેલાયું હોય એવો લાગ્યા વિના ન રહે. દૂરથી જાણે કોલેજના એનએસએસ કેમ્પ દરમિયાન બોન ફાયર કોલેજિયનો કરે એવું જ દૃશ્ય આખી રાત જોવા મળે. લબકારા લેતી આગની પશ્ચાદભૂમાં માનવીના કાળા આકારો નાચતા ગાતા જોવા મળે. એ દૃશ્ય જ સાવ અનોખું લાગે.

આગ સાથે ખેલવું જોખમી ગણાય છે, પરંતુ આ તો ફાયર ફેસ્ટિવલ જ છે, ત્યારે ચારેકોર આગ સાથે જ ખેલ થતા હોય છે. હા, લોકો આ પ્રસંગે પારંપારિક વેશભૂષામાં આવતા હોય છે. એ ઉપરાંત આયરલેન્ડના સંગીતમાં પરંપરાગત વપરાતું ડ્રમ પણ લાવીને લોકો વગાડતા હોય છે. ફાયર ફેસ્ટિવલ એ જાણે કોઈ કાર્નિવલ હોય એવો માહોલ હોય છે. લોકો કાર્નિવલમાં પહેરે એવાં કપડાં પહેરી આવતા હોય છે. સાથે હાથમાં જૂના યુગનાં શસ્ત્રો, ઢોલ અને નગારાં લઈને આવતા હોય છે. રસ્તામાં પણ ઢોલ નગારાં વગાડતાં વગાડતાં આવતા હોય છે. આપણે ત્યાં નવરાત્રીમાં ગરબાનો માહોલ એવો જામે કે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો પણ ગરબા ગાવા મંડી જતાં હોય છે, એમ ફાયર ફેસ્ટિવલમાં અાબાલવૃદ્ધ તમામ લોકો સંગીતના તાલે ઝૂમતાં હોય છે.

હવે તો દરેક ઉત્સવને ટૂરિઝમ સાથે જોડી દેવામાં આવે છે. એ કારણે જ દાયકાઓ સુધી ફાયર ફેસ્ટિવલ સ્થાનિક લોકોને ઉત્સવ ગણાતો હતો. હવે તો વિદેશીઓ પણ ફાયર ફેસ્ટિવલ જોવા માટે ઊમટી પડતા હોય છે. આ ફાયર ફેસ્ટિવલમાં આગ કેન્દ્રમાં હોવાને કારણે આશ્ચર્ય જરૂર થાય કે ઉનાળાને આવકારવા માટે આગ જ ઉપયોગમાં લેવાય!