વિશ્વના સૌથી પહેલાં મેનેજમેન્ટ કે લીડરશિપ ગુરુ કોણ એ વિશે જો કોઈ સંશોધન કરવાનું હોય તો એમાં પિતામહ ભીષ્મને અગ્રક્રમે રાખવા પડે, કારણ કે કૃષ્ણ ગીતામાં જે વાતો નથી કહી શક્યા કે માણસના જે ગુણો-અવગુણોની ચર્ચાને સ્પર્શી પણ નથી શક્યા એને પિતામહ ભીષ્મે અત્યંત બારીકાઈ તેમજ અનેક દૃષ્ટિકોણથી મહાભારતના `શાંતિપર્વ'માં રજૂ કર્યા છે.
શાંતિપર્વ એ સેલ્ફ ઈમ્પ્રૂવમેન્ટ અને સેલ્ફ ગ્રૂમિંગનો સત્તાવાર ગ્રંથ પણ હોવો જોઈએ, કારણ કે અહીં મેનેજમેન્ટ કે લીડરશિપને લગતી કોઈ જ વાત બાકી નથી રહી. ખેર, આપણે મુદ્દા પર આવીએ. ભીષ્મે અનેક વખત સમજાવ્યું છે કે એક લીડરે તેના ક્રોધ, તેની કામુકતા કે તેના આળસને કઈ રીતે નાથવા અને આ ત્રણ અવગુણો લીડરને કઈ કઈ રીતે પછાડી શકે.
આ અવગુણોને અન્ય અવગુણો સાથે જોડીને ભીષ્મે બીજી પણ એક સરસ મજાની વાત કહી છે. તેઓ આ ત્રણ અવગુણ સાથે અન્ય બે અવગણો જોડીને કહે છે કે કોઈ પણ દેહધારી માણસમાં પાંચ પ્રકરના દોષો હોવાના જ. મહત્ત્વનું એ છે કે મનુષ્ય એ દોષો સાથે ડીલ કઈ રીતે કરે છે! જે માણસ એ પાંચ દોષો પર કાબૂ મેળવી લે છે તો એ સ્વાભાવિક જ અત્યંત સફળ અને પ્રતિભાવાન માણસ હોવાનો. જે આ પાંચ દોષોના ગુલામ બની જાય છે એ મીડિયોકર બનીને રહી જશે એ તો ઠીક, પરંતુ જો માણસ એ પાંચ ગુણોનો ગુલામ થયો તો તેનું ધનોતપનોત પણ નીકળી શકે છે. એ પાંચ અવગુણો કયા? તો કે કામ, ક્રોધ, ભય, નિદ્રા અને શ્વાસ!
કોઈને થશે કે કામ, ક્રોધ, ભય અને નિદ્રા તો સમજ્યા, પરંતુ આ શ્વાસનું શું છે વળી? જોકે, અહીં ભીષ્મે શ્વાસના દોષને જુદાં જુદાં પરિણામોએ આલેખ્યો છે. અલબત્ત, શ્વાસના દોષનું મારણ એક જ છે અને એ મારણ છે અલ્પાહાર! ભીષ્મ કહે છે કે જે અલ્પાહાર કરે છે એ હંમેશાં સ્વસ્થ્ય રહે છે, એ હંમેશાં તાજગીસભર રહે છે, એ હંમેશાં ઊર્જાવાન રહે છે અને ખાસ તો તે પેટ-પાચનની બીમારીઓથી બચેલો રહે છે. આ અત્યંત મહત્ત્વની અને ઊંડી વાત છે કે ડાયટ અથવા તો ખોરાક એ લીડરશિપનો જ ભાગ હોવો જોઈએ, પરંતુ મોટાભાગના લોકો ડાયટ બાબતે યોગ્ય ધ્યાન નથી આપતા અને એય દે માર ખા-બે-ખા કરે છે. ખા-બે-ખા શું, ઢીંચ-બે-ઢીંચ પણ કરે છે. આ કારણે તેમના શરીર બેડોળ, પ્રભાવ ખોઈ બેસેલા અને બીમાર બની જાય છે. વળી, અહીં શ્વાસના દોષને લીડરના ફિઝિકલ અપિરિયન્સના દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય કે નહીં? ભીષ્મે તો આ બાબતે શાંતિપર્વમાં કંઈ કહ્યું નથી, પરંતુ આજે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય કે વાતે વાતે ઓડકારો લેતા હોય એવા લોકોને પ્રોફેશનલ ફ્રન્ટ પર ઝાઝું માન મળતું નથી. તો શ્વાસના દોષને આ રીતે, આજના સંદર્ભમાં પણ આપણે લઈ જ શકીએ!
ઈનશોર્ટ અતિ આહાર કે ગમે એ ખા-ખા કરવું એ શ્રેષ્ઠ લીડરશિપ માટે યોગ્ય નથી. લીડરશિપને સ્વસ્થ શરીર, તાજગીસભર ચહેરો કે એવા જ ઊર્જાવાન મન સાથે નિસ્બત છે. આ માત્ર ત્યારે જ શક્ય બને છે, જ્યારે માણસ અલ્પાહાર (નાસ્તો નહીં!) કરતો હોય. જો તે અલ્પાહાર નથી કરતો તો તેને શ્વાસનો દોષ હોવાનો જ! હવે આપણે વાત કરીએ કામ, ક્રોધ, ભય અને નિદ્રાની. આ મુદ્દાઓ પર આપણે અગાઉ પણ અનેક ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીં માત્ર એ જ વાત કરીએ કે આ અવગુણોને નાથવા કઈ રીતે? આ અવગુણોને નાથવા માટે પિતામહ ભીષ્મ કહે છે કે ક્રોધનું શમન ક્ષમાથી કરવું. એટલે કે માણસે ક્ષમાશીલ રહેવું અને જો એવો સ્વભાવ ન હોય તો એવો સ્વભાવ કેળવવો. એના માટે એફર્ટ્સ આપવા, જેથી ક્ષમાશીલતા માણસની અંદર કરુણાને જન્મ આપે છે અને કરુણાના માધ્યમથી તે ક્રોધથી દૂર રહી શકે.
તો સંકલ્પ અને ત્યાગથી માણસ કામુકતા પર કાબૂ મેળવી શકે છે. કામુકતામાં ત્યાગ અત્યંત મહત્ત્વની બાબત છે. પછી એ સ્વાદ બાબતનો ત્યાગ હોય, ધન બાબતનો ત્યાગ હોય કે ભૌતિકતા બાબતનો ત્યાગ હોય. જો ત્યાગ નહીં હોય તો સ્વાભાવિક જ માણસનું મન કામુક હોવાનું. જેનું મન કામુક હોય એ શું ખાક વિચારશીલ બનવાનો? કે શું ખાક કંઈ નવા ઈનોવેશન કરવાનો? ત્યાર પછી વારો આવે છે નિદ્રાનો. નિદ્રા માટે ભીષ્મનું કહેવું છે કે સત્ત્વગુણ અને પરિશ્રમથી નિદ્રાને સંયમમાં લાવી શકાય છે. જોકે, મોટાભાગના લોકોનો પ્રશ્ન એ છે કે તેમણે પરિશ્રમને માળિયે ચઢાવી દીધો છે. એટલે જ્યારે પરિશ્રમ કરવાનો હોય ત્યારે ફાલતું કામો કરતા રહે કે ઊંઘરેટા રહે અને જ્યારે ઘોડા વેચીને ઊંઘવાનું હોય, શરીરને રિચાર્જ કરી દેવાનું હોય ત્યારે મોડી રાત સુધી આવા-તેવા ડાયરાઓ કરતો રહે. અંતતઃ થાય એ કે તેની સ્લિપ સાઇકલ તૂટી જાય અને ન તો માણસ સરખો ઊંઘી શકે કે જાગવાના સમયે સરખું કામ કરી શકે.
અને છેલ્લો મુદ્દો આવે છે ભયનો. ભીષ્મ આ માટે એક જ વાક્યમાં કહે છે કે પ્રમાદના ત્યાગથી ભયનો નાશ કરવાનો છે. એટલે કે જે સતત પરિશ્રમ કરે છે, જે સતત કામ કરે છે કે જે સતત મથામણો કરે છે એને નિષ્ફળ જવાના કે પાછા પડવાના વિચારો નથી આવતા એટલે સ્વાભાવિક જ તેના મનમાં ભય પેદા નથી થતો. ભય તેના મનમાં જ પેદા થાય છે, જેણે તેના એફર્ટ્સમાં દાનત ન રાખી હોય કે કામચોરી કરી હોય! ઈનશોર્ટ ભીષ્મ આ પાંચ દોષો પર કામ કરવા કહે છે. તેઓ કહે છે કે જેમણે સફળ થવું છે એમણે આ પાંચ દોષો પર કામ કરવું. જો આ પાંચ દોષો પર વિજય મેળવી લેવાશે તો માણસ પ્રચંડ સફળતાઓ ભોગવશે!