અમુક લોકોના માનસમાં માન્યતાઓનું એવું ભૂત ભરાઈ જાય છે કે તેને ડિલીટ કરવાનું કેટલાક કેસમાં અશક્ય બની જાય છે. તેઓ એ માન્યતા સાથે લઈને જ દુનિયામાંથી ચિરવિદાય લે છે અથવા કાળક્રમે, અનુભવો થવાથી કે અનુભવો નહીં થવાથી માન્યતા કે વિચારને બદલે છે. હજી ઘણા લોકો માને છે કે પરગ્રહવાસીઓ ઊડતી રકાબીમાં પૃથ્વી પર આવે છે. અમુક માને છે કે રાત્રિના ડ્રેકુલા નામનો રાક્ષસ સ્ત્રીઓનાં લોહી ચૂસવા માગે છે. તેના નખ લાંબા અને લોહીથી ખરડાયેલો ચહેરો હોય છે. લોકો ઘુવડને અને તેના અવાજને આસુરી શક્તિ ગણતા. અમુક માને છે કે જંગલોમાં અઘોરીઓ વસે છે. અમુક માને છે કે હિમાલયમાં `યેતિ' નામનો વિશાળ અને બે પગે ચાલતો માનવ વસે છે. ક્યારેક બરફમાં પગલાંઓની વણઝારની તસવીરોને તેની સાક્ષીરૂપે રજૂ કરાય છે, પણ ભારતના લોકો આવી બધી વાતોનો પીછો કરતા નથી અને માની લેતા નથી. અમેરિકનોના એક મોટા વર્ગમાં તકલીફ છે કે તેઓને જે કહેવામાં આવે તે માની લે. લગભગ યેતિને મળતા આવે એવા `બિગફૂટ' જીવો અમેરિકાનાં જંગલોમાં હયાત છે તેવું દિલપૂર્વક માનનારા અનેક અમેરિકનો છે.
ગયા જુલાઈમાં અમેરિકાના ઓરેગોનના ઓક્સબ્રીજ શહેર નજીકના જંગલમાં બિગફૂટ બિલિવરોનો એક કેમ્પ યોજાઈ ગયો. તેમાં પોતાનો મત જણાવવા નોન-બિલિવરો પણ આવ્યા હતા. બિગફૂટ અથવા મહામાનવીની વાતો તિબેટ, ભારત, નેપાળ, રશિયા, સાઈબીરિયા, યુરોપ વગેરેમાં સદીઓથી કહેવાતી આવી છે. બિગફૂટને યુરોપના લોકો `સેસ્વાક' તરીકે પણ ઓળખે છે. જુલાઈના ત્રણ દિવસના કેમ્પને `સાસ્વાક સમર ફેસ્ટિવલ' નામ અપાયું હતું. અગાઉથી તેનો પ્રચાર પણ થયો હતો. સાસ્વાક-દર્શન માટે આ મેળો હતો.
`બિગફૂટ' ઊંચા ઝાડ જેટલો ઊંચો, શરીર, ચહેરો અને માથા પર રીંછ જેવા કાળા વાળ ધરાવતો, બે પગે ચાલતો જીવ માનવામાં આવે છે. કોઈક કહે છે કે એને સફેદ વાળ પણ હોઈ શકે છે. એ અમુકને ઊભા ચાલતા રીંછ જેવો તો કોઈકને પડછંદ ચિમ્પાન્ઝી જેવો દેખાય છે. બિગફૂટ-બિલિવરો માને છે કે સેસ્વાકમાં અચાનક અલોપ થઈ જવાની શક્તિ હોય છે.
મેળામાં બિગફૂટ એક્સપર્ટ્સનાં વ્યાખ્યાનો રાખવામાં આવ્યાં હતાં. મેળાને બદલે કોન્ફરન્સ જેવું વધારે લાગતું હતું. બિગફૂટને લગતી ડોક્યુમેન્ટરીઓ, બિગફૂટના રેકર્ડ કરેલા અવાજની ટેપો વગેરે રજૂ કરાયાં હતાં. અમુકે પોતપોતાનું રિસર્ચ વર્ક રજૂ કર્યું હતું. કેટલાકે તો બિગફૂટને જાણવામાં, દર્શન પ્રાપ્ત કરવામાં જિંદગીનો મોટો ભાગ ખર્ચી નાખ્યો હતો.
સાઠના દાયકા અગાઉ આ બિગફૂટની વાતો ચગી હતી, પરંતુ આવો કોઈ જીવ અસ્તિત્વ ધરાવે છે તેના ખાતરીદાયક પુરાવાઓ હજી સુધી મળ્યા નથી. અમેરિકા તેમજ બ્રાઝિલમાં વિશાળ અને ગાઢ જંગલો છે. તેમાં બિગફૂટ વસતા હશે અને માણસ કે વિજ્ઞાનની નજરે નહીં ચડ્યા હોય? તેવી શક્યતા પણ ઓછી છે, કારણ કે ડ્રોનની નજરે પણ ક્યાંય ચડ્યા નથી. ડ્રોન વિમાનો વડે જંગલોનું સર્વેક્ષણ થતું જ રહે છે. આવડો કદાવર જીવ ક્યાંય નજરે ન ચડે? બિગફૂટની વાતો તો ઈતિહાસમાં લાંબા સમયથી ચાલે છે. કેટલીક વાતો તો પરસ્પર વિરોધી જૂઠાણાં હોય છે. કેટલીક અમુક ચીજો અથવા સ્થિતિઓને જોઈને મનને ફાવે તેવી આકૃતિ તરીકે ધારી લીધી હોય છે. જેમ કે, ચાંદની રાતમાં થોડે દૂર ખાખરા કે આવળનું નીચું ઝાડ, કોઈ માણસ બેઠો હોય તેવું જણાય. કોઈ ઝાડના થડની કાપી નાખેલી ડાળી, ઝાડની પાછળ કોઈ માણસ છુપાઈને આપણને જોઈ રહ્યો હોય તેવું લાગે. ઢોલના તાલમાં `ખીમજી ઠક્કર, ભીમજી ઠક્કર' બોલાતું હોય તેવું લાગે. કોઈને વળી `ક્યારે આવ્યા, ક્યારે જશો' એવું સંભળાય. વાદળાંમાં કોઈને માણસની આકૃતિ દેખાય. કોઈને ભજિયાંના આકારમાં જાતજાતની આકૃતિઓ દેખાય. ચંદ્ર પર બકરી દરેકને દેખાય જ છે ને? બિગફૂટની ડોક્યુમેન્ટરીઓમાં કે નજરે જોવાનો દાવો કરનારા લોકોના અનુભવો કોઈ આકૃતિ ધારી લીધાના પ્રસંગો વધુ હતા.
શ્વેત યુરોપીઓ 19મી સદીના અંત ભાગમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર પશ્ચિમ અમેરિકા અને કેનેડા વગેરેમાં વસી રહ્યા હતાં, જ્યાં તેઓએ સ્થાનિક લોકો પાસેથી જંગલમાં માનવીનો શિકાર કરતા મહાકાય જીવની વાતો સાંભળી હતી. 1958માં કેલિફોર્નિયાના અખબારે તેને `બિગફૂટ' તરીકે ઓળખાવીને વાત વહેતી કરી. કોઈક એ જીવના મોટાં પગલાંની છાપો જોયાનો દાવો કરતા હતા, તેથી `બિગફૂટ' નામ આપ્યું.
વાત ચાલી નીકળી. સેસ્વાક અથવા બિગફૂટનો પત્તો મેળવવા ત્યાર પછીનાં વર્ષોમાં અનેક સાહસિક ટુકડીઓ રવાના થઈ હતી. કોઈ બંદૂક વડે બિગફૂટનો શિકાર કરે તેને મોટું ઈનામ આપવાની જાહેરાતો થઈ હતી. અમુક લોકોએ ટીખળો પણ આદરી. રીંછ, મોટા નોળિયાઓ વગેરેના વાળ અને રીંછનાં લીંડાંઓ, કોઈક નજરે ચડે એવી જગ્યાઓ પર ગોઠવી દેતા, જેથી લોકો તેમજ મીડિયાને લાગે કે કોઈક અજાણ્યા જીવ જંગલમાં વસી રહ્યા છે. મોટા પગની છાપો કેડી પર અને ઘાસમાં પાડતાં. રાત્રે અમુક લોકો ચિત્રવિચિત્ર અવાજો કાઢતા. એમાંના કેટલાક કોઈક સાહસ ટુકડીના સભ્યો જ હોય! બિગફૂટ વિષે ડઝનબંધ પુસ્તકો લખાયાં અને છપાયાં છે. અખબારોમાં કોઈકને દર્શન થયાના અહેવાલો નિયમિત છપાતા થયા. આજે પણ યુટ્યૂબ વગેરે પર બિગફૂટની વાતો ઘણા લોકો માંડે છે.
એ લેખકો અને યુટ્યૂબોમાં મોટા ભાગના બિલિવરો છે, કેટલાકમાં દાવાઓ અને પ્રતિદાવાઓ છે. 1967ની સાલમાં પેટર્સન અને ગિમલીન નામના બે ફિલ્મમેકરોએ એક મિનિટની ધૂંધળી ફિલ્મ ઝડપી હતી તે ખૂબ પ્રસિદ્ધ બની હતી. એ ફિલ્મમાં ઉત્તર કે કેલિફોર્નિયાની એક નદીના પટમાં એક મોટી કાળી આકૃતિ પસાર થઈ રહી હતી એવો દાવો કરાયો હતો.
ગયા વર્ષે ન્યૂઝ મીડિયામાં એક તસવીર પ્રસિદ્ધ થઈ હતી. કોલોરાડો રાજ્યમાં એક બિગફૂટની તસવીર કોઈકે ટ્રેનની બારીમાંથી ઝડપી લીધી તેમ તે અહેવાલમાં કહેવાયું હતું. ઓરેગોનના એક શહેરમાં `નોર્થ અમેરિકન બિગફૂટ સેન્ટર' નામથી એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જંગલોમાં બિગફૂટનો સામનો, ભેટો થયાના અનેક રિપોર્ટ્સ આ સંસ્થાને દર સપ્તાહે મળે છે, પણ કોઈ બિગફૂટ જીવતો કે મરેલો હજી સુધી મળ્યો નથી. કોઈ વિશ્વસનીય પુરાવાઓ પણ મળતા નથી. અમેરિકાની સરકારી તપાસ સંસ્થા એફબીઆઈ દ્વારા પણ ઘણી તપાસ થઈ. જગપ્રસિદ્ધ સ્મિથસોનિયન મ્યુઝિયમ તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ શોધ માટેના કાર્યક્રમો હાથ ધરાયા હતા. તે તમામના પ્રયત્નોનું પરિણામ શૂન્ય આવ્યું છે, પરંતુ શંકાશીલ અથવા ભોળા સ્વભાવનો કોઈ ઉપાય નથી. શંકાશીલો આવી ઘટનાઓ પાછળ `કોન્સ્પીરસી થિયરી'ઓ (કાવતરાંની વાતો) ઘડી કાઢે છે.
ઓરેગોનનાં ઊંચાં અને ગાઢ જંગલો વચ્ચેથી પસાર થતા હાઈવે પર ગાડી પહોંચે ત્યારે જ લાગવા માંડે કે `બિગફૂટ'નો પ્રદેશ આવી ગયો છે. અનેક સ્થળોએ બિગફૂટનાં ચિત્રો ધરાવતાં હોર્ડિંગ્સ, કટઆઉટ્સ વગેરે લાગેલાં હોય છે. કોઈક જાહેરખબરોમાં સેસ્વાકનો ઉલ્લેખ હોય છે. રહેવાની લોજ પર લખેલું જોવા મળે, `બિગ ફીટ, બિગર પાર્ટી'
મેળામાં સેંકડો લોકો મોટરકારો લઈને આવ્યા હતા. અમેરિકી સરકારના ફોરેસ્ટ સેવાના સેસ્વાક વિભાગની અનેક ગાડીઓ જંગલોના ઝાડ નીચે પાર્ક કરેલી હતી. અનેક હંગામી દુકાનો કે સ્ટોલ લાગ્યા હતાં. ત્યાં સેસ્વાકના ચિત્ર સાથેની અનેક ચીજવસ્તુઓ મળતી હતી. ઘણા સેસ્વાક-દર્શન થશે એ આશા સાથે આવ્યા હતા. અમુક લોકો આવતાં-જતાં લોકોને સેસ્વાક જોયાના પોતાને થયેલા અનુભવોની વાતો કરતા હતા. કેટલાક કહે છે કે બિગફૂટ હવે જોવા મળતા નથી, કારણ કે તે પરગ્રહવાસી હતા અને હવે પોતાના ગ્રહ તરફ પાછા ફરી ગયા છે. અમુક બિગફૂટને એક પેરાનોર્મલ જીવ બતાવે છે, જે ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી શકે છે. એક સંશોધક નિષ્ણાતે એવી રજૂઆત કરી કે બિગફૂટ એવી પાવરફુલ જગ્યાઓ પર જ જોવા મળે છે જ્યાં બે દુનિયા (લોક અને પરલોક) વચ્ચે ચીજવસ્તુઓ અને શક્તિઓનું આદાનપ્રદાન થાય છે. જ્હોન્સન નામક એ નિષ્ણાતે બિગફૂટનું ઓડિયો રેકોર્ડિંગ પણ સંભળાવ્યું જેમાં વાંદરાના બૂમબરાડા અને કિકિયારીઓ જેવો અવાજ હતો. મેળામાં બિગફૂટ જેવો અવાજ કાઢવાની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં માત્ર જીન્સ પહેરેલા, ખમીસ વગરના એક માણસે ખૂબ ઊંચેથી અવાજ કાઢ્યો હતો. એની કેડ પર પિસ્તોલ લટકાવી રાખી હતી. એને પ્રથમ ઈનામ ફટાકડાના રૂપમાં મળ્યુ હતું. આ બધું સાંભળીને લાગે કે મેળો ભરાયો હતો, પણ પાગલોનો ભરાયો હતો. મેળામાં હજારોએ હાજરી આપી હતી. એવો સવાલ પણ જાગે કે શું એ બધા જૂઠા હતા કે પછી ખરેખર કંઈક છે?